બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / GIDC takes back more than 70 plots allotted to small entrepreneurs in Radhanpur
Mehul
Last Updated: 06:26 PM, 18 February 2022
ADVERTISEMENT
ગુજરાત ભારતનું ગ્રોથ એન્જિન છે પરંતુ રાજ્યમાં અનેક જીઆઇડીસી એસ્ટેટ એવાં છે જે હજુ પણ મૂળભૂત સુવિધાઓ ઝંખી રહ્યા છે અને એવી જ એક જીઆઇડીસી છે રાધનપુર જીઆઇડીસી. વર્ષ 2007માં આ જીઆઇડીસીમાં પ્લોટ એલોટ કરવામાં આવ્યાં હતા. રાધનપુરમાં ઔદ્યોગિક વિકાસ ઘણો ઓછો હતો અને સરકાર આ પ્રકારના વિસ્તારોના વિકાસ માટે પ્રયત્નશીલ છે પરંતુ અધિકારીઓ દ્વારા જે પ્રકારે પગલાં લેવામાં આવે છે તેના કારણે ઉદ્યોગો કેવી પરેશાની અનુભવે છે તેનું તાદ્રશ્ય ઉદાહરણ રાધનપુર જીઆઇડીસી છે. આ જીઆઇડીસીમાં મોટાભાગના પ્લોટ માત્ર 200 મીટરના છે, મતલબ કે અત્યંત નાના ઉદ્યોગો માટે આ જીઆઇડીસી આપવામાં આવી છે પરંતુ આવાં નાના ઉદ્યોગકારોના 70થી વધુ પ્લોટ જીઆઇડીસીએ પરત લઇ લીધાં છે.
લાઈટ-પાણી -ગટર જેવી સુવિધાઓ પણ નહિ
ADVERTISEMENT
જીઆઇડીસી દ્વારા જે પ્લોટ પરત લઇ લેવામાં આવ્યાં છે તેમાં એવું કારણ આપવામાં આવે છે કે આ પ્લોટ ધારકોએ નિશ્ચિત સમયમાં બાંધકામ કર્યું નથી ત્યારે સ્થાનિક ઉદ્યોગકારો જણાવે છે કે જીઆઇડીસીએ જે પ્રકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવાનું વચન આપ્યું હતું તે પૂર્ણ કર્યું નથી. જીઆઇડીસીમાં હજુ પણ પાણીની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી નથી અને રસ્તાની સ્થિતિથી પણ ઉદ્યોગકારો ખુશ નથી. અહીં સ્ટ્રીટ લાઇટની કાયમી સમસ્યા છે અને અનેક રજૂઆતો કરવા છતાં નિયમિત સ્ટ્રીટ લાઇટ ઉપલબ્ધ બની નથી. આ જીઆઇડીસીમાં ગટર વ્યવસ્થા પણ આપવામાં આવી નથી. આ સંજોગોમાં નાના ઉદ્યોગકારો માટે બાંધકામનો ખર્ચ અત્યંત વધી જાય તેમ છે અને તેથી તેઓ જીઆઇડીસી દ્વારા પ્લોટ પરત લઇ લેવાના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. ઉપરાંત, રાધનપુર જેવા વિસ્તારોની જીઆઇડીસીમાં તંત્ર દ્વારા અંગ્રેજી ભાષામાં નોટિસો અપાય છે તે પણ અયોગ્ય હોવાનું ઉદ્યોગકારો જણાવે છે. રાધનપુર જીઆઇડીસીના ઉદ્યોગકારોએ અનેક કામ માટે જીઆઇડીસીની ગાંધીનગર ઓફિસ સુધી ધક્કા ખાવા પડે છે તે અટકાવવા માટે મહેસાણા ખાતે જ રિજનલ મેનેજર અને ડિવિઝનલ મેનેજરના ચાર્જ આપવા જોઇએ તેવી માંગ ઉઠી રહી છે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ
રાધનપુર જીઆઇડીસીમાં બાવળના કોલસા, ચારકોલના અનેક યુનિટો આવેલા છે. ઉપરાંત એગ્રીકલ્ચરને લગતા યુનિટો પણ અહીં કાર્યરત છે. આ બંને સેક્ટરના ઉદ્યોગો અહીં મજબૂત બની રહ્યા છે અને દેશના વિવિધ રાજ્યોમાં પોતાની પ્રોડક્ટ્સ મોકલે છે. જોકે, જીઆઇડીસીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવની તેઓ ફરિયાદ કરે છે. રાધનપુર જીઆઇડીસીમાં લગભગ 100થી વધુ પ્લોટની જગ્યા પર વાદી સમાજનો વસવાટ છે. ઉપરાંત, આ જીઆઇડીસીના માર્ગો પર પણ દબાણ છે, જેના કારણે માલના ટ્રાન્સપોર્ટેશનને લઇને સમસ્યા થતી હોય છે. જો આ પ્રકારની સમસ્યાનું નિરાકરણ આવે તો અહીંના ઉદ્યોગો વધુ ઝડપી પ્રગતિ માટે સજ્જ છે. એ જ રીતે ચારકોલ ઉદ્યોગમાં પણ જીઆઇડીસી દ્વારા પોતાના નિયમો મુજબના બાંધકામનો આગ્રહ રાખવામાં આવે છે પરંતુ ચારકોલ ઉદ્યોગકારો માટે એ પ્રકારે બાંધકામ કરવું શક્ય નથી કારણ કે આ ઉદ્યોગ અલગ પ્રકારનો છે.
સત્તા મંડળ દ્વારા કોઈ સુવિધાઓ નહિ
રાજ્યની અન્ય અનેક જીઆઇડીસીની જેમ જ રાધનપુર ખાતે પણ ડબલ ટેક્સેશનની સમસ્યા છે. રાધનપુર જીઆઇડીસી ખાતે જીઆઇડીસી દ્વારા પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું કરવામાં આવ્યું નથી અને સ્થાનિક સત્તામંડળ દ્વારા કોઇ પ્રકારની સુવિધા આપવામાં આવતી નથી. રાધનપુર નગરનું ગંદુ પાણી એક મહિના અગાઉ સુધી જીઆઇડીસીમાં આવતું હોવાની ફરિયાદો સ્થાનિક ઉદ્યોગકારો કરે છે. નગરપાલિકા દ્વારા નાના ઉદ્યોગકારોને પ્રોપર્ટી ટેક્સ માટે નોટિસો ફટકારવામાં આવે છે પરંતુ ઉદ્યોગકારો તેનો વિરોધ કરે છે કારણ કે નગરપાલિકા અહીં કોઇ પ્રકારની સુવિધા આપતી નથી.
લેવાયેલા પ્લોટ પરત કરો
રાધનપુર જીઆઇડીસી હાલમાં લગભગ 2,000થી વધુ લોકોને રોજગારી આપે છે અને અહીં 60 જેટલા યુનિટો ચાલુ થયાં છે. જોકે, માત્ર 200 મીટરના યુનિટો હોવાથી એમ કહી શકાય કે અત્યંત નાના ઉદ્યોગકારો કે જેઓ સ્વરોજગારના હેતુથી ઉદ્યોગમાં આવવા માંગે છે તેમના માટે આ જીઆઇડીસીની વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ રાજ્યના મોટા જીઆઇડીસી એસ્ટેટ જેવી અપેક્ષા આ પ્રકારની જીઆઇડીસીમાં રાખી શકાય નહીં તેમ સ્થાનિક એસોસિયેશન જણાવે છે. અહીંના નાના ઉદ્યોગકારોના જે પ્લોટ જીઆઇડીસીએ પરત લઇ લીધાં છે તે તેમને સોંપવામાં આવે તેવી માંગ અહીંનું એસોસિયેશન કરી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.