GBY Roof Scheme was also announced for the citizens of Ahmedabad
રોડમેપ /
અમદાવાદીઓને GBY રૂફ સ્કીમ હેઠળ પ્રોપર્ટી ટેક્સમાં આટકા ટકા સુધી રાહત અપાશે, AMCનો મહત્વનો નિર્ણય
Team VTV11:57 PM, 02 Feb 23
| Updated: 12:01 AM, 03 Feb 23
AMCનો જનહિતમાં નિર્ણયઃ પાંચ વર્ષથી વધુ જૂનાં દસ ઝાડનું વાવેતર ધરાવતા રહેણાક એકમે GBY સ્કીમ તૈયાર કરવી પડશે, રહીશોને GBY રૂફ સ્કીમ હેઠળ પ્રોપર્ટી ટેક્સમાં દસ ટકા સુધી રાહત અપાશે
અમદાવાદના નાગરિકો માટે જીબીવાય રૂફ સ્કીમની ઘોષણા કરાઈ
નાગરિકોને પ્રોપર્ટી ટેક્સમાં દસ ટકા સુધીની રાહત આપવાનું આયોજન
AMCનું વર્ષ 2022-23માં રૂ. 8111 કરોડનું હતું
અમદાવાદમાં મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસન દ્વારા ગત તા. 31 જાન્યુઆરી, 2023ના રોજ આગામી નાણાકીય વર્ષ 2023-24 માટે રૂ. 8400 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું હતું, જેમાં રૂ. 4990 કરોડ રેવન્યૂ ખર્ચ અને રૂ. 3500 કરોડનો કેપિટલ ખર્ચ દર્શાવાયો છે. ઉપરાંત દસ વર્ષ બાદ પ્રોપર્ટી ટેક્સમાં વધારો સૂચવતી દરખાસ્તનો પણ ડ્રાફ્ટ બજેટમાં સમાવેશ કરાયો છે. આની સાથે એનર્જી સેવિંગ્સ અને કન્ઝર્વેશનને લગતાં વિવિધ આયોજનની પણ તંત્રે જાહેરાત કરી છે. મ્યુનિ. કમિશનર થેન્નારસને નાગરિકો માટે જીબીવાય રૂફ સ્કીમની પણ ઘોષણા કરી છે, જે અંતર્ગત નાગરિકોને પ્રોપર્ટી ટેક્સમાં દસ ટકા સુધીની રાહત આપવાનું આયોજન હાથ ધરાયું છે. શાસક ભાજપ દ્વારા આ યોજનાને ઉમળકાભેર આવકારાઈ છે.
અમદાવાદ શહેર 481 ચો.કિ.મી.માં ફેલાયું છે.
છેક વર્ષ 2013માં શહેરમાં પ્રોપર્ટી ટેક્સમાં વૃદ્ધિ કરાઈ હતી. ત્યાર બાદ દસ વર્ષ પછી તંત્ર દ્વારા પ્રોપર્ટી ટેક્સમાં વૃદ્ધિ સૂચવનારી દરખાસ્ત તૈયાર કરાઈ છે. વર્ષ 2013માં અમદાવાદની વસ્તી 55 લાખ હતી, જે હવે 2023માં 72 લાખ થઈ છે. શહેરના હદ વિસ્તારમાં 2013 બાદ બોપલ, ઘુમા, ચિલોડા, કઠવાડા, હંસપુરા, નવા નિકોલ વગેરે વિસ્તારોનો સમાવેશ થતાં હવે અમદાવાદ શહેર 481 ચો.કિ.મી.માં ફેલાયું છે.
વર્ષ 2013માં મ્યુનિ. બજેટ રૂ. 4181 કરોડનું હતું
વર્ષ 2013માં મ્યુનિ. બજેટ રૂ. 4181 કરોડનું હતું, જે વર્ષ 2022-23માં રૂ. 8111 કરોડનું થયું હતું. નવા વિસ્તારોનો સમાવેશ થવાથી માળખાગત સુવિધા તેમજ અન્ય સેવાનો વ્યાપ વધ્યો છે. એએમટીએસ, બીઆરટીએસ, સ્કૂલબોર્ડ, સાબરમતી રિવરફ્રન્ટ અને એએમસી મેટને વાર્ષિક રૂ.1221 કરોડ ચૂકવવાના થાય છે, જેના કારણે ટેક્સના દર તેમજ યુઝર ચાર્જિસમાં સૂચિત વધારો તંત્રને કરવો પડ્યો છે. જોકે મ્યુનિ. સત્તાવાળાઓએ શહેરીજનોને પ્રોપર્ટી ટેક્સમાં દસ ટકા સુધી રાહત આપનારી યોજાની પણ ડ્રાફ્ટ બજેટમાં જાહેરાત કરી છે. એનર્જી સેવિંગ્સ અને કન્ઝર્વેશન હેઠળ તંત્રે નવા સોલર પાવર પ્લાન્ટ, નવા વિન્ડ પાવર પ્લાન્ટ અને નવી ગ્રીન, બ્લૂ અને યલો (જીબીવાય) રૂફ સ્કીમનું આયોજન કર્યું છે.
મકાન પર જીબીવાય રૂફ સ્કીમ તૈયાર કરવાની રહેશે
શહેરીજનોને પ્રોપર્ટી ટેક્સના બિલમાં દસ ટકા સુધી રાહત આપનારી જીબીવાય રૂફ યોજના ભારે મહત્ત્વપૂર્ણ બની છે. સસ્ટેનેબલ સિટીના ભાગરૂપે શહેરીજનો તેમના રહેણાકના ધાબા પર વધુ ને વધુ ગ્રીન, બ્લૂ અને યલો રૂફ તૈયાર કરે તેના પર મ્યુનિ. સત્તાધીશોએ ખાસ ભાર મૂક્યો છે. જે રહેણાકના એકમ પાસે પાંચ વર્ષથી વધુ જૂનાં દસ ઝાડનું વાવેતર હશે તેવા શહેરીજનોએ પોતાના મકાન પર જીબીવાય રૂફ સ્કીમ તૈયાર કરવાની રહેશે. આવા શહેરીજનોના રહેણાક એકમને પ્રોપર્ટી ટેક્સમાં દસ ટકા સુધી રાહત આપવાનું આયોજન તંત્રએ ઘડી કાઢ્યું છે. આ ઉપરાંત મ્યુનિ. કમિશનર એમ. થેન્નારસને પોતાના ડ્રાફ્ટ બજેટમાં ભૂગર્ભ જળનો જથ્થો વધારવા તેમજ તેની ગુણવત્તા સુધારવા નવા પરકોલેટિંગ વેલ બનાવવા પર ખાસ ભાર મૂક્યો છે, જે અંતર્ગત પરકોલેટિંગ વેલ બનાવનાર નાગરિકને 80 ટકા ખર્ચ મ્યુનિ. તંત્ર પૂરો પાડતું હતું અને માત્ર 20 ટકા રકમ જે તે નાગરિકે ખર્ચવી પડતી હતી, તે જૂની સ્કીમને વધુ એક વર્ષ લંબાવવામાં આવી છે.
તંત્ર દ્વારા પણ મ્યુનિ. શાળા, બગીચા સહિતની મ્યુનિ. માલિકીની મિલકતોમાં નવા 100 પરકોલેટિંગ વેલ બનાવવાનું આયોજન પણ કરાયું છે. આમ, તંત્રના ડ્રાફ્ટ બજેટમાં નાગરિકોને સીધી રીતે સ્પર્શતા વિવિધ મુદ્દાઓ પૈકી જીબીવાય રૂફ સ્કીમ અને પરકોલેટિંગ સ્કીમનો મુદ્દો મ્યુનિ. વર્તુળોમાં પ્રશંસનીય બન્યો છે.
જીબીવાય રૂફ સ્કીમ એટલે શું?
જીબીવાય રૂફ હેઠળ પ્રારંભિક કામચલાઉ પાણીનો સંગ્રહ અને પછી સંગ્રહિત પાણીને ધીમે ધીમે છોડવા માટેની સ્પષ્ટ ડિઝાઇન કરવામાં આવે છે. આવી રૂફ સપાટ અને નીચી ઢાળવાળી છત પર બાંધવામાં આવે છે, જેનાથી વરસાદી પાણીનું બાષ્પીભવન અને પરકોલેટ ન થવાથી તે સંગ્રહિત થાય છે.