આવતીકાલે દેશભરમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસે બાપ્પાના આર્શિવાદ મેળવવા માટે તેમની પૂજામાં ચોખા અચૂક ચઢાવો. ધ્યાન રાખો કે ચોખા આખા હોય. ચોખાને ‘इदं अक्षतम् ॐ गं गणपतये नम:' મંત્ર બોલીને ભગવાનને ચઢાવો.
આવતીકાલે ઉજવાશે ગણેશ ચતુર્થીનો તહેવાર
ગણેશપૂજામાં આ 7 વસ્તુઓને કરો સામેલ
ગણેશજી વરસાવશે તમારી પર અપાર કૃપા
રિદ્ધિ સિદ્ધિના દેવતા ભગવાન ગણેશને દરેક દેવતાઓમાં પૂજનીય માનવામાં આવે છે. ભગવાન શિવ અને માતા પાર્વતીના પુત્ર શ્રી ગણેશની પૂજામાં કેટલીક ચીજોનું વિશેષ ધ્યાન રાખવાથી તેઓ તરત જ પ્રસન્ન થાય છે અને તમારી મનોકામનાને પૂરી કરે છે. જીવન સાથે જોડાયેલી તમામ બાધાઓ પણ તેઓ દૂર કરે છે અને સુખ સમૃદ્ધિનો આર્શિવાદ આપે છે. કેટલીક ચીજો વિના ગણેશજીની પૂજા અધૂરી છે. ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ બાપ્પાને આ 7 ચીજો ચઢાવવામાં આવે તો તે પ્રસન્ન થાય છે અને તમારા પર કૃપા વરસાવે છે. તેમની કૃપાથી બળ, બુદ્ધિ, વિદ્યા, જ્ઞાન, ધન, સંપત્તિ વગેરે મળે છે.
ચોખા
ગણપતિ બાપ્પાના આર્શિવાદ મેળવવા માટે તેમની પૂજામાં ચોખા ચઢાવો. ગણપતિ પૂજનમાં ચોખાનું ઘણું મહત્વ છે. ધ્યાન રાખો કે ચોખા ખંડિત ન હોય. ગણપતિ બાપ્પાને ચોખા ચઢાવતા પહેલાં તેને પાણીમાં ધોઈ લો અને તેને ‘इदं अक्षतम् ॐ गं गणपतये नम:' મંત્ર બોલતા બોલતા ચઢાવો. ભૂલથી પણ કોરા ચોખા ગણેશજીને ન ચઢાવો.
સિંદૂર
શ્રી ગણેશજીની પૂજામાં સિંદૂર ચઢાવો. સિંદૂરને શુભ માનવામાં આવે છે. તેના પ્રયોગથી ઘરમાં કોઈ પણ પ્રકારની ખરાબ આત્મા કે નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થતો નથી. આ સિંદૂર જ્યારે વિધ્ન નાશક ગણપતિને અર્પિત કરાય છે ત્યારે શુભ ફળ મળે છે.
દુર્વા
ગણપતિ બાપ્પા એવા દેવ છે જે ફક્ત દુર્વા ચઢાવવાથી પ્રસન્ન થઈ જાય છે. શ્રી ગણેશજીને ચઢાવવામાં આવતી દુર્વાનો હંમેશા ઉપરનો ભાગ લેવો. બાપ્પાની પૂજામાં દુર્વાની 21 ગાંઠ અર્પિત કરવાનું શુભ માનવામાં આવ્યું છે.
ગેંદાના ફૂલ
ગણપતિ મહોત્સવ શરૂ થતાં જ દેશ દુનિયામાં બાપ્પાને અનેક ચીજોથી ભવ્ય શ્રૃંગાર કરાય છે. શ્રી ગણેશજીના શ્રૃંગાર માટે તમે કોઈ પણ ફૂલનો પ્રયોગ કરી શકો છો. પૂજામાં ગણપતિ બાપ્પાને પ્રિય ગેંદાના ફૂલ કે પીળા ફૂલથી બનેલી માળા ચઢાવવાથી પુણ્ય મળે છે.
મોદક
ગણપતિ બાપ્પાની પૂજામાં પ્રસાદમાં તમામ પ્રકારના મિષ્ઠાન અને ચીજો ચઢાવવામાં આવે છે. શ્રી ગણેશજીની પૂજા મોદક વિના અધૂરી રહે છે. માનવામાં આવે છે કે મોદકનો પ્રસાદ ચઢાવવાથી ગણપતિ બાપ્પા પોતાના સાધકો પર પ્રસન્ન થાય છે અને જીવનમાં મીઠાશ ભરે છે. કોરોનામાં બહારના નહીં પણ ઘરે બનાવેલા મોદક ગણેશજીને ચઢાવવાથી લાભ થાય છે. આ સિવાય તમે બૂંદી અને ચુરમાના લાડુ પણ પ્રસાદમાં ચઢાવી શકો છો.
કેળા
કોઈ પણ પૂજા ફળ વિના અધૂરી માનવામાં આવે છે. જો તમે ગણપતિ બાપ્પાના ફળની તરત જ પ્રાપ્તિ ઈચ્છો છો તો આ પૂજામાં કેળા અવશ્ય ચઢાવો. ગણપતિ બાપ્પાને ફળમાં કેળા ખૂબ જ પસંદ છે. તેને ચઢાવવાથી તેઓની કૃપા વરસે છે.
શંખ
સનાતન પરંપરામાં થતી પૂજામાં શંખનો પ્રયોગ કરવો જોઈએ. ગણપતિની પૂજા શંખ વિના અધૂરી છે. ગણપતિ બાપ્પાને શંખ ખૂબ જ પ્રિય છે. આ કારણ છે કે તેઓએ એક હાથમાં શંખ ધારણ કર્યો છે. એવામાં ભગવાન ગણેશની પૂજામાં શ્રદ્ધાથી શંખ વગાડવો જોઈએ.