Team VTV09:00 AM, 26 Oct 20
| Updated: 09:04 AM, 26 Oct 20
કોરોના કાળના પગલે ગુજરાતમાં વર્ષોથી ચાલતી ધાર્મિક પરંપરાઓ પર રોક લાગી છે. જો કે લોકોના હિત માટે આ નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે. ત્યારે ગાંધીનગર ખાતે ઐતિહાસિક રુપાલ પલ્લી ઉત્સવ સાદાઇપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો છે. ગ્રામજનોએ પરંપરા જાળવતા આશરે પોણા કલાક જેટલા સમયનું આયોજન કરી ઉત્સવ પૂર્ણ કર્યો.
સાદાઈ પૂર્વક રૂપાલનો ઐતિહાસિક પલ્લી ઉત્સવ પૂર્ણ
ગ્રામજનોએ પરંપરા જાળવતા પલ્લી ઉત્સવ પૂર્ણ કર્યો
આશરે પોણા કલાક જેટલા સમયમાં કરાયુ આયોજન
વરદાયિની માતાની પલ્લી ગામમા ફરીને મંદીર પહોચી
ગાંધીનગરના રૂપાલમાં આખરે પલ્લી ઉત્સવ સાદાઇથી ઉજવાયો હતો. જો કે એક મળતા અહેવાલ મુજબ આ અંગેની મંજૂરી ન હોવા છતાં પણ અંતિમ ઘડીએ પરંપરાના ભાગરૂપે પલ્લી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું
રૂપાલમાં પોલીસની હાજરીમાં સાદાઇથી પલ્લી ઉત્સવ પરિપૂર્ણ થયો. આશરે પોણા કલાકમાં જ સમગ્ર આયોજન કરાયું હતું અને વરદાયી માતાજીની પલ્લી ગામમાં ફરીને મંદિરે પહોંચી હતી.
જો કે ગઇકાલે સૂત્રોને મળેલી જાણકારી મુજબ ગાંધીનગરના રુપાલ ગામે પલ્લીવાસથી પોલીસની હાજરીમાં પલ્લી કાઢવા મંજૂરી આપવામાં આવી હોવાના અહેવાલ મળ્યાં હતા. જેને લઇને ગ્રામજનો દ્વારા પલ્લી કાઢવા માટેની તૈયારીઓ શરૂ કરી હતી.
ગઈ સાલ શું હતી વ્યવસ્થા
રૂપાલ સ્થિત વરદાયની માતાની પલ્લી પર આશરે રૂ.20 કરોડનું 4 લાખ કિલો ઘી ચડાવવામાં આવ્યું હતું. આ પલ્લીમાં 5 જ્યોતની પલ્લી રૂપાલના 27 ચકલામાંથી પસાર થઈ હતી. તે તમામ ચકલામાં ઘી ભરવાના પીપડાં અને ટ્રેક્ટરની ટ્રોલીઓ રાખવામાં આવી હતી. વહેલી સવારે શ્રદ્ધાળુઓએ પલ્લી પર ઘીનો અભિષેક કર્યો હતો જેને કારણે સમગ્ર ગામમાં ઘીની નદીઓ વહેતી થઇ હતી.
મજબૂત સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ માતાજીની પલ્લીના આશરે દસ લાખથી વધુ લોકોએ દર્શન કર્યા હતા. આટલા મોટા સમૂહને ધ્યાનમાં રાખીને પાર્કિંગની 7 જગ્યા એ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત સુરક્ષા માટે 500 થી વધુ પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ સાથે 200 જેટલા હોમગાર્ડના જવાનો તૈનાત કરાયા હતા. વધુમાં 17થી18 જગ્યાએ વિડીયોગ્રાફી તેમજ 15 જેટલા સીસીટીવી કેમેરા પણ લગાવાયા હતા.
આ રહ્યો પલ્લીનો ઈતિહાસ અને વાયકા
ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામે મા વરદાયિનીની પલ્લીના ઇતિહાસ પર નજર કરીએ તો, દ્વાપર યુગમાં પાંડવોએ ગુપ્તવાસમાં જતાં પહેલાં પોતાના શસ્ત્રો ખીજડાના એક વૃક્ષની નીચે છૂપાવ્યા હતા. આ શસ્ત્રોની રક્ષા માટે તેઓએ વરદાયિની માતાને પ્રાર્થના કરી હતી.
જંગલની વચ્ચે ઘેરાયેલા રૂપાલ પંથકમાં ખીજડાના આ વૃક્ષની નીચે માતાજીની દેરી હતી. ગુપ્તવાસ પૂરો કરીને પાંડવો વિરાટનગર એટલે કે હાલના ધોળકામાંથી પરત ફરી શસ્ત્રો લેવા રૂપાલ આવ્યા ત્યારે શસ્ત્રોની પૂજા કરીને તેમણે પાંચ દિવાની જ્યોતવાળી પલ્લી બનાવી માતાજી પાસે મૂકી હતી.
આ પછી હસ્તિનાપુરના યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ કૃષ્ણ સાથે પાંડવો ફરી અહીં આવ્યા હતા. જે બાદ સોનાની પલ્લી બનાવીને યાત્રા યોજી હતી. આ સમયથી એટલે કે પાંચ હજાર વર્ષથી રૂપાલમાં વરદાયિની માતાની પલ્લીનો મેળો પ્રતિ વર્ષ નવરાત્રી પર્વના નવમાં નોરતે યોજાય છે