Gagji Sutaria of Sardardham organization supported Jaysukh Patel
મોરબી દુર્ઘટના /
જયસુખ પટેલનું સમર્થન કેમ? હવે સરદારધામના પ્રમુખ પણ મેદાને, કહ્યું- અકસ્માત તો હજારો થાય જ છે
Team VTV09:25 AM, 05 Feb 23
| Updated: 09:48 AM, 05 Feb 23
ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ સિદસર બાદ હવે સરદારધામ સંસ્થાના પ્રમુખ સેવક ગગજી સુતરીયાએ મોરબી પુલ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલને સમર્થન આપ્યું છે. તેમણે જયસુખ પટેલના સમર્થનમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે.
મોરબી પુલ દુર્ઘટનાના આરોપીને સમર્થન
જયસુખ પટેલને ગગજી સુતરીયાનું સમર્થન
સરદારધામ સંસ્થાના પ્રમુખ સેવક છે ગગજી સુતરીયા
સમર્થન કરતી પોસ્ટ સોશિયલ મીડિયામાં કરી પોસ્ટ
મોરબી પુલ દુર્ઘટનાના આરોપી અને ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલે મંગળવારે બપોરે મોરબી કોર્ટમાં સરેન્ડર કર્યું હતું. જે બાદ કોર્ટ દ્વારા જયસુખ પટેલના 8 ફ્રેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કરાયા હતા. મોરબી પુલ દુર્ઘટનાનો ભોગ બનેલા પરિવારોના આંસુ હજુ સુકાયા નથી. ઝુલતા પુલની કામગીરી સંભાળનારા જયસુખ પટેલ સામે લોકો ભારે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. આ આક્રોશ વચ્ચે જયસુખ પટેલને ઠેર-ઠેર સમર્થન મળી રહ્યું છે. મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન, મોરબી સિરામિક એસોસિએશન, મોરબી રાજપૂત સમાજ, ઉમિયાધામ સિદસર દ્વારા જયસુખ પટેલને સમર્થન આપવામાં આવ્યું છે. ત્યારે હવે સરદારધામ સંસ્થાના પ્રમુખ સેવક ગગજી સુતરીયા જયસુખ પટેલના સમર્થનમાં આવ્યા છે.
ગગજી સુતરીયાનું જયસુખ પટેલને સમર્થન
આરોપી જયસુખ પટેલના સમર્થનમાં ગગજી સુતરીયાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે. સાથે જ ગગજી સુતરીયાએ મોરબી દુર્ઘટનાના આરોપીને સપોર્ટ કરવાની અપીલ કરી છે. પોસ્ટમાં લખેલું છે કે, 'ઓ.આર. પટેલ કે જેમને મોરબીના ભામાશા તરીકે ઓળખવામાં આવે છે, તેમના પરિવારની વિચારધારા હંમેશા માટે સેવાની રહી છે. જેમના દીકરા જયસુખભાઈ પટેલનો પણ સામાજિક પ્રવૃત્તિમાં સિંહ ફાળો રહ્યો છે. આવી ઉચ્ચતમ વિચારોવાળા 10-15 રૂપિયાની ટિકિટમાં કોઈ દિવસ ખોટું ના કરે, બાકી તો એક્સિડેન્ટ તો હજારો થાય જ છે. તેનું દુઃખ સમાજના દરેક લોકોને છે. આવો...આપણે સૌ સાથે મળીને જયસુખભાઈને સપોર્ટ કરીએ.'
ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ સિદસરે આપ્યું ખુલ્લુ સમર્થન
ઉમિયાધામ સિદસર દ્વારા જયસુખ પટેલના સમર્થનમાં એક પત્ર લખવામાં આવ્યો છે. આ પત્રમાં લખવામાં આવ્યું છે કે, 'મોરબી ઝુલતો પુલ તૂટવાનો અકસ્માત એ દુઃખદ દુર્ઘટના હતી. સૌને તેનું દુઃખ છે. મૃતકોના પરિવાર પ્રત્યે સૌને સહાનુભૂતિ છે. ઓરેવા ગ્રુપના જયસુખભાઈ પટેલ સર્વ સમાજના અગ્રગણ્ય સામાજિક આગેવાન છે. સૌરાષ્ટ્ર ભરમાં ગ્રામવિકાસ, જળસંચય, ચેકડેમ-તળાવ નિર્માણ, કૂવા-બોર રીચાર્જ, શિક્ષણ-આરોગ્ય - સામાજિક સેવાકાર્યો વિગેરેમાં અગ્રેસર દાતા છે. વિશ્વમાં સૌથી મોટા ઘડિયાળ ઉત્પાદક અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે અગ્રેસર ઉદ્યોગપતિ છે. અગ્રણી ઉદ્યોગપતિની સાથે સાથે ઓરેવા-ઓરપેટ પરિવાર તેમની સામાજિક જવાબદારી અને રાષ્ટ્રીય ફરજ નિભાવવામાં અગ્રેસર છે.'
જયસુખ પટેલને સપોર્ટ કરવાની કરી હતી અપીલ
પત્રમાં વધુમાં લખવામાં આવ્યું છે કે, 'સામાજિક જવાબદારી પ્રત્યે જાગૃત રહી તેને પોતાની ફરજ સમજી સ્વીકારવાનો અને તેને ખંતથી નિભાવવાનો સ્વભાવ ધરાવતા જયસુખભાઈ મોરબીની ધરોહરને જાળવવા સામાજિક ફરજના ભાગરૂપે ઝુલતા પુલનું સંચાલન સંભાળેલ. 10-15 રૂપિયાની ટિકિટમાંથી ખર્ચ પણ ન નીકળે. પુલના રીપેરીંગમાં પોતાના લાખો રૂપિયાનો ખર્ચ કરેલ હોય ત્યારે ટિકિટમાંથી કમાણી કરી લેવાનો પ્રશ્ન જ નથી. હાં, બનેલી દુર્ઘટનાનું દુઃખ સૌને છે, પરંતુ એક સન્માનનીય સમાજસેવક, સામાજિક અગ્રણી અને ફરજનિષ્ઠ અગ્રગણ્ય ઉદ્યોગપતિના સમાજ સેવાની જવાબદારી નિભાવતાના શુભ આશય અને શુભ ભાવના ધ્યાને તેઓને સપોર્ટ કરવાની સૌની ફરજ છે. અન્યથા ભવિષ્યમાં કોઈ સામાજિક અગ્રણી-અગ્રગણ્ય ઉદ્યોગપતિ સામાજિક જવાબદારી-સામાજિક કાર્યો માટે આગળ નહીં આવે. જે ભવિષ્યમાં સામાજિક વ્યવસ્થા માટે ઘાતક સાબિત થશે. આપણે સૌ જયસુખભાઈને સપોર્ટ કરીએ એ જ અભ્યર્થના... પ્રાર્થના...'
પૂર્વ ધારાસભ્ય બાવનજી મેતલીયાએ પણ આપ્યું સમર્થન
આ ઉપરાંત ભાજપના પૂર્વ ધારાસભ્ય બાવનજી મેતલીયાએ પણ જયસુખ પટેલને સમર્થન આપ્યું છે. તેમણે ગતરોજ જણાવ્યું હતું કે, 'સોશિયલ મીડિયામાં જયસુખ પટેલને ખોટા ચીતરવામાં આવ્યા છે. ઉમિયાધામ સિદસર સહિત અનેક એનજીઓ પણ જયસુખ પટેલના સમર્થનમાં છે. જયસુખ પટેલ અને તેમના પિતાની ગણના ગુજરાતના ભામાશાઓમાં થાય છે.'