બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / fundamental column Systematic training should be provided for fights

ફન દા'મેન્ટલ / ઝઘડાં માટે પદ્ધતિસરની તાલિમ આપવાનો સમય આવી પહોંચ્યો છે!

Kavan

Last Updated: 01:13 PM, 16 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આપણી સંસ્કૃતિમાં શાંતિને ઘણું મહત્ત્વ આપવામાં આવ્યું છે પણ બોલબાલા તો ઝઘડાંની જ રહી છે.

-ફન દા'મેન્ટલ (પરાગ દવે)

બે જણ શાંતિથી બેઠાં-બેઠાં વાતો કરતા હોય તો તેઓ શું વાત કરે છે તે જાણવામાં કોઇને રસ હોતો નથી પરંતુ એ જ બંને વ્યક્તિ જો ઝઘડો ચાલુ કરે તો જાણીતા લોકો તો સ્વાભાવિક જ દોડી આવે છે, અજાણ્યાં પણ બંનેના ઝઘડાંનો મુદ્દો જાણવા માટે ત્યાં થોભી જાય છે. જાહેર માર્ગો પર થતાં ઝઘડાં વખતે આ મનુષ્યવૃત્તિ વધારે પ્રબળ બને છે.

આપણાં પરેશભાઇને ઝઘડાં જોવાનો ઘણો શોખ છે. ઓફિસે પહોંચવામાં ગમે એટલું મોડું થતું હોય તો પણ જો તેઓ રોડ પર કોઇને ઝઘડતાં જુએ તો ચોક્કસ થોભી જાય છે. ઝઘડો કરી રહેલા લોકોને શાંત પાડવાની તેમની કોઇ ઇચ્છા હોતી નથી પણ ઝઘડો કેટલો ઊગ્ર બને છે એ જોવામાં જ તેમને રસ હોય છે. નિરાંતે પારકો ઝઘડો માણ્યાં પછી એ ઘણાં મોડાં ઓફિસ પહોંચે ત્યારે વિલંબ બદલ બોસ સાથે થનારો ઝઘડો તેમની રાહ જોતો હોય છે.

ઝઘડો કરતી વખતે વ્યક્તિની બોડીલેંગ્વેજ બહુ મહત્ત્વની સાબિત થતી હોય છે. આમ તો કુદરતી રીતે જ ઝઘડો કરતી વખતે વ્યક્તિનો અવાજ તથા આંખો મોટાં બની જાય છે અને હાથ વારંવાર લાંબા થતાં હોય છે. આમ આંખોના સ્નાયુઓને તથા ગળામાં આવેલા વોકલ કોડ્સને ઝઘડા વખતે કસરતનો લાભ પણ મળે છે. વળી, ઝઘડા વખતે માનવીની શ્રવણશક્તિ પણ ખિલતી જોવા મળે છે. માની લો કે એક સાથે સાત-આઠ જણ ઝઘડો કરી રહ્યા હોય અને દરેક જણ અવિરતપણે બોલતો જતો હોય તેમ છતાં બાકીના લોકો શું બોલ્યાં એ પણ એના ધ્યાનમાં તરત જ આવી જાય છે. કેટલાય ધ્યાનબહેરા ગણાતા લોકો પણ ઝઘડાં વખતે અચાનક શતાવધાની હોય એવું પ્રતિત થાય છે.

અમારા સુરેન્દ્રનગરમાં એવા બનાવો સામાન્ય છે જેમાં સવારે લગભગ અઢીથી ત્રણ કલાક સુધી ભયાનક ઝઘડો કરનારી બે પાડોશી ગૃહિણી સાંજે એક જ ઓટલા પર સાથે બેસીને શાક સમારતી હોય. કોઇપણ શાંતિપ્રિય શહેર માટે આ સ્થિતિ આદર્શ કહી શકાય. અગાઉના ઝઘડાંમાં કોલાહલ વધારે રહેતો પણ મોટાભાગના લોકો અહિંસાના આગ્રહી હતા. સામેની વ્યક્તિના હાથ કે પગની સ્થિતિમાં પરિવર્તન લાવી દેવાની ધમકીઓનું પ્રમાણ ચોક્કસ સવિશેષ રહેતું પણ મોટાભાગે સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે ઝઘડાં થતાં. કેટલાય દિવસો સુધી દરરોજ નિશ્ચિત સમયે ઝઘડાં પણ જોવા મળતા હતા. સાંજે સાત વાગ્યે એટલે શેરીના લોકો જાતે જ બહાર આવી જતા કે હવે થોડી વારમાં પરેશભાઇ અને રમણભાઇના ફેમિલી વચ્ચે ઝઘડો થશે. હવેના ઝઘડાંમાં પૂરતો કોલાહલ કર્યાં વગર જ લાકડી-પાઇપ-ધોકાના ઉપયોગ થાય છે. અગાઉ મહિલાઓ વચ્ચે ઝઘડો થતો ત્યારે બધી મહિલાઓ કલાકો સુધી ઘણાં મોટા અવાજે બોલતી રહેતી પણ એક-બીજાની હેરસ્ટાઇલને નુકસાન નહોતી કરતી, હવે તો એવો સમય છે કે ઝઘડો કરતાં પહેલાં જ મહિલાઓએ પોતાનો ચોટલો સાચવવાનો પ્રબંધ કરવો પડે છે. પહેલાંના ઝઘડાં પોલિસ સ્ટેશન સુધી નહોતાં પહોંચતા પણ હવે તો એક-બીજા સામે ફરિયાદ લખાવવા પહોંચેલા પરિવારો પોલિસ સ્ટેશનમાં પણ ઝઘડી લે એવા સમાચારો સામાન્ય બની ગયા છે.

રમણકાકા માને છે કે પહેલાંના સમયમાં લોકોના મનમાં એ ડર રહેતો કે જેની સાથે વારંવાર ઝઘડીએ છીએ એ નહીં હોય તો આપણે ઝઘડો કોની સાથે કરીશું. આમ વિચારીને તેઓ દુશ્મન પર શારિરિક પ્રહાર નહોતાં કરતા. હવે તો કોઇને કોઇની પડી નથી એ કારણે લોકો પોતાની સાથે ઝઘડો કરનારાની કિંમત પણ કરતા નથી.

હકિકતમાં તો ઝઘડાં વિશે વ્યવસ્થિત તાલિમ આપે એવા કોઇ ક્લાસિસની જરૂર છે. બેઝિકલી આપણે સૌએ એ સમજવાની જરૂર છે કે ઝઘડાંના કારણો અનેક છે તેથી તે દરેકમાં ઝઘડો કરવાની પદ્ધતિ પણ અલગ હોવી જોઇએ. પાણી ભરવા માટે પાડોશીઓ ઝઘડો કરે ત્યારે તેઓ જે શબ્દો કે ભાવભંગિમાનો ઉપયોગ કરે તે એક-બીજાના ઘરની બહાર કચરો નાંખવા બાબતે થતાં ઝઘડાં કરતા બિલકુલ અલગ હોવા જોઇએ. છોકરાંના તોફાન બાબતે બે પરિવારો ઝઘડે ત્યારે જોનારને તરત ખ્યાલ આવી જવો જોઇએ કે કયા કારણે ઝઘડો થયો છે. દરેક ઝઘડાં માટે કોઇ સ્ટાન્ડર્ડ સેટ કરવાની આવશ્યકતા છે. જો એમ થશે તો આપણા સૌના સમય અને શક્તિની બચત થશે.

સંકળાયેલા મુદ્દાઓ

Vtv Exclusive fundamental column modipravas પરાગ દવે ફન દા'મેન્ટલ fundamental
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ