અમદાવાદ: પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે પણ પેટ્રોલના ભાવમાં 35 પૈસાનો વધારો થયો છે. જ્યારે ડીઝલના ભાવમાં પણ આજે 24 પૈસાનો વધારો થયો છે.
ત્યારે અમદાવાદમાં પેટ્રોલની કિંમત 80.74 રૂપિયાએ પહોંચી છે. જ્યારે ડીઝલનો ભાવ પ્રતિ લીટર 78.99 રૂપિયાએ પહોંચ્યો છે. છેલ્લા 14 દિવસમાં પેટ્રોલના ભાવમાં 3.13 રૂપિયા જ્યારે ડીઝલના ભાવમાં 3.75 રૂપિયાનો વધારો થયો છે.
આપને જણાવી દઇએ કે આ પૂર્વે સરકાર દ્વારા કિંમતો પર અંકુશ રખાતો હતો. જોકે હવે માર્કેટ વેલ્યુ પ્રમાણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો-ઘટાડો થઈ રહ્યો છે તેવું જોવા મળી રહ્યું છે. આ મુદ્દે વિપક્ષ પણ મૌન થઈને આ તમાસો જોઈ રહ્યું છે અને ન તો કોઈ વિરોધ નોંધાવી રહ્યું છે ન તો સરકાર સામે કોઈ અવાજ. જેને લઈને વિપક્ષની ભૂમિકા પણ શંકાસ્પદ લાગી રહી છે.
એક તરફ લોકસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે. ત્યારે લોકોને એવી આશા છે કે ચૂંટણી પહેલા સરકાર પેટ્રોલ-ડીઝલ પર કોઈ રાહત આપી શકે છે.એવી પણ માગ થઈ રહી છે કે પેટ્રોલ-ડીઝલને GSTમાં સમાવવામાં આવે તો નાગરિકોને રાહત મળી શકે છે. પરંતુ કેન્દ્ર સરકાર તેને GSTમાં લાવવા માગતી નથી. ત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવ લોકોને કેવા દિવસો દેખાડે છે તે આગામી દિવસોમાં જોવા મળી શકે છે.
Petrol at Rs 81.63/litre (increase by Rs 0.35/litre) and diesel at Rs 73.54/litre (increase by Rs 0.24/litre) in Delhi. Petrol at Rs 89.01/litre (increase by Rs 0.34/litre) and diesel at Rs 78.07/litre (increase by Rs 0.25/litre) in Mumbai. pic.twitter.com/6nkdd1bRaG
છેલ્લા કેટલાક દિવસથી સતત વધી રહેલા ભાવ વધારાને કારણે સામાન્ય માનવી પર મોટો બોજો દિવસેને દિવસે વધી રહ્યો છે. પેટ્રોલ-ડીઝલમાં સતત ભાવ વધારાને કારણે પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે.
જો કે આ તમામ બાબતો વચ્ચે ગઇકાલે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પેટ્રોલ-ડીઝલ પર લાદવામાં આવેલ ટેક્સ નહીં ઘટાડવાની વાત કરી હતી. ત્યારે આજે ફરી એકવાર ભાવ વધારો થતો અમદાવામાં પેટ્રોલ 80ને પાર પહોંચી ગયું હતું.