કોરોનાકાળમાં લોકો ખૂબ જ સજાગ થઈ ગયા છે અને સતર્કતા સાથે કોઈપણ કામ કરી રહ્યાં છે. લોકો ઘરથી બહાર જવાથી લઈને કોઈ સામાન લાવવા માટે પણ ખૂબ જ સાવધાની રાખી રહ્યાં છે. ત્યારે હાલમાં જ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) તરફથી જાણકારી આપવામાં આવી છે કે કોરોનાકાળમાં પ્લાસ્ટિકના પેકેટમાં મળનાર દૂધ ઘરે લાવતી વખતે અને લાવીને તેને ઉકાળતી વખતે અને ઉપયોગ કરતી વખતે કઇ વાતોનું ધ્યાન રાખવું જોઇએ. FSSAI તરફથી કહેવામાં આવ્યું છે કે, તમારે એ વાતનું ધ્યાન રાખવું જોઇએ કે તમે પોતે પણ માસ્ક પહેરો અને દૂધવાળાએ માસ્ક પહેર્યુ છે કે નહીં એ વાતનું પૂરું ધ્યાન રાખો.
જ્યારે તમે દૂધનું પેકેટ બજારથી ઘરે લાવો ત્યારે તેનો તરત ઉપયોગ ન કરો, રસોડામાં અથવા બાથરૂમનો નળ ચાલુ કરી તેને વહેતા પાણીમાં સારી રીતે ધોઇ લો.
જો તમને જરૂરી લાગે તો તમે આ પેકેટને સાબુથી પણ ધોઇ શકો છો. જોકે વહેતા પાણીમાં સારી રીતે પેકેટને ધોયા બાદ હાથ સાબુથી ધોઈ લેવા.
પેકેટ ધોયા બાદ સૌથી પહેલાં હાથ ધુવો અને પછી આ પેકેટને સાફ કાતરની મદદથી કાપીને વાસણમાં દૂધ નીકાળી લો.
એ વાતનું ધ્યાન રાખો કે દૂધને વાસણમાં નાખતી વખતે પેકેટ પર લાગેલું પાણી દૂધમાં પડે નહી.
આ સ્થિતિથી બચવા માટે તમે દૂધને વાસણમાં નાખતાં પહેલાં તે પેકેટને કપડાંથી સાફ કરી લો.
પેકેટમાં આવનાર દૂધ પ્રોસેસ્ડ મિલ્ક હોય છે. જેથી તમે તેને ગરમ કર્યા વિના પર ઉપયોગમાં લઈ શકો છો. પરંતુ આ સામાન્ય દિવસોમાં સારું રહેશે.
કોરોનાના ખતરાથી બચવા માટે જરૂરી છે કે તમે દૂધને સારી રીતે ગરમ કર્યા બાદ જ તેનો ઉપયોગ કરો.
જો તમે હાઇઝિનને લઇને શ્યોર છો તો પેકેટમાં આવેલા દૂધનો સીધો ઉપયોગ કરી શકો છો.