New Parliament Building News: દિલ્હી ખાતે નવા સંસદ ભવનનું 28મી મેના રોજ ઉદ્ઘાટન, તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓને સહિત આ લોકોને આપવામાં આવ્યું આમંત્રણ
દિલ્હી ખાતે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન 28મી મેના રોજ યોજાનાર છે. જેને લઈ લોકસભા અને રાજ્યસભાનાં પૂર્વ સ્પીકર સહિત દેશભરનાં વિવિધ નેતાઓને આમંત્રણ મોકલવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને લોકસભાના સ્પીકર ઓમ બિરલા 28 મેના રોજ નવું સંસદ ભવન રાષ્ટ્રને સમર્પિત કરશે. મહત્વનું છે કે, બંને ગૃહોના સાંસદોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે.
સમાચાર એજન્સી ANIએ સૂત્રોને ટાંકીને કહ્યું કે, તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. સૂત્રોએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, બંને ગૃહોના સંસદસભ્યો ઉપરાંત લોકસભાના ભૂતપૂર્વ અધ્યક્ષ અને રાજ્યસભાના ભૂતપૂર્વ અધ્યક્ષને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે.
File Photo
આ દિગ્ગજો રહેશે હાજર
નવા સંસદ ભવનના ઉદ્ઘાટનમાં રાજ્યસભાના વર્તમાન ઉપસભાપતિ હરિવંશ નારાયણ સિંહ રવિવારે સમારોહમાં હાજર રહે તેવી શક્યતા છે. આ સિવાય ભારત સરકારના તમામ મંત્રાલયોના સચિવોને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. નવા સંસદ ભવનનાં મુખ્ય આર્કિટેક્ટ બિમલ પટેલ અને જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાને પણ નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સાથે ફિલ્મ સ્ટાર્સ અને સ્પોર્ટ્સપર્સન સહિત કેટલીક અગ્રણી હસ્તીઓને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે.
FILE PHOTO
મહત્વનું છે કે, ટાટા પ્રોજેક્ટ્સે સંસદની નવી ઇમારતના બાંધકામ માટે ટેન્ડર જીત્યું હતું, જે કેન્દ્રની સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ યોજનાનો એક ભાગ હતો. ટાટા પ્રોજેક્ટ્સે લાર્સન એન્ડ ટુબ્રોને પાછળ છોડી દીધા હતા. ટાટા પ્રોજેક્ટ્સે રૂ. 861.9 કરોડમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાની ઓફર કરી હતી.
રાષ્ટ્રપતિ-ઉપરાષ્ટ્રપતિ અભિનંદન સંદેશ જાહેર કરી શકે
સૂત્રોએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર 28 મેના રોજ નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન પ્રસંગે અભિનંદન સંદેશા જારી કરે તેવી શક્યતા છે.
File Photo
PM મોદી આપી શકે છે ભાષણ
સૂત્રોએ જણાવ્યું હતું કે ઉદ્ઘાટન સમારોહ દરમિયાન લોકસભા અધ્યક્ષ દ્વારા ભાષણ આપવામાં આવશે. આ પ્રસંગે પીએમ મોદી પણ ભાષણ આપે તેવી શક્યતા છે. સંસદના તમામ સભ્યો નવા સંસદ ભવનની લોકસભા ચેમ્બરમાં બેસશે, જેમાં 800 થી વધુ લોકો બેસી શકે છે. આ એ જ ખંડ છે જેનો ઉપયોગ બજેટ સત્ર અને અન્ય આવા પ્રસંગો દરમિયાન સંયુક્ત સંસદીય સંબોધન માટે કરવામાં આવશે.
File Photo
જાણો કેમ નવું સંસદ ભવન બનાવવું પડ્યું ?
નવું સંસદ ભવન આત્મનિર્ભર ભારતની ભાવનાનું પ્રતીક છે અને 28 મેના રોજ પીએમ મોદી દ્વારા રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે. સંસદની હાલની ઇમારત 1927માં બનીને પૂર્ણ થઈ હતી, જે હવે લગભગ 100 વર્ષ જૂની થવા જઈ રહી છે. હાલની જરૂરિયાત મુજબ આ બિલ્ડીંગમાં જગ્યાનો અભાવ અનુભવાઈ રહ્યો હતો. બંને ગૃહમાં સાંસદો માટે અનુકૂળ બેઠક વ્યવસ્થાનો પણ અભાવ હતો જેના કારણે સભ્યોની કાર્યક્ષમતા પર અસર પડી રહી હતી.
આ બાબતોને ધ્યાનમાં રાખીને,લોકસભા અને રાજ્યસભા બંનેએ સંસદ માટે નવી ઇમારત બાંધવા સરકારને વિનંતી કરતા ઠરાવો પસાર કર્યા. પરિણામે 10 ડિસેમ્બર 2020ના રોજ PM મોદી દ્વારા સંસદની નવી ઇમારતનો શિલાન્યાસ કરવામાં આવ્યો. નવનિર્મિત સંસદ ભવન ગુણવત્તાયુક્ત બાંધકામ સાથે રેકોર્ડ સમયમાં પૂર્ણ થયું છે.
કેવું હશે નવું સંસદ ભવન ?
હવે સંસદનું નવનિર્મિત ભવન જે ભારતની ભવ્ય લોકતાંત્રિક પરંપરાઓ અને બંધારણીય મૂલ્યોને વધુ સમૃદ્ધ બનાવવાનું કામ કરશે, તે પણ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. જે સભ્યોને તેમના કાર્યો વધુ સારી રીતે કરવામાં મદદ કરશે. નવા સંસદ ભવનમાંથી 888 સભ્યો લોકસભામાં બેસી શકશે. ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સંસદના નવનિર્મિત ભવનમાં લોકસભામાં 888 અને રાજ્યસભાના 384 સભ્યોની બેઠક માટે વ્યવસ્થા કરવામાં આવી છે. બંને ગૃહોનું સંયુક્ત સત્ર લોકસભા ચેમ્બરમાં યોજાશે.