Sunday, May 26, 2019

Friendship Day 2018: ડાયરેક્ટ દિલ સુધીનો સંબંધ એટલે દોસ્તી

Friendship Day 2018: ડાયરેક્ટ દિલ સુધીનો સંબંધ એટલે દોસ્તી
" દોસ્ત ભલે તારી સાથે ઝઘડું પણ તું કંઈક ખાસ છો
સાચું કહું તું મારો વિશ્વાસ છો "
- કવન આચાર્ય 'સ્નેહ '


હેલ્લો ફ્રેન્ડસ મારા પોતાના કોપીરાઇટ્સ વાળા શબ્દોમાં રજુ થયેલી મિત્ર પ્રત્યેની લાગણી મારા કેટલાક ખાસ મિત્રોને અર્પણ કરી વિશ્વ મિત્રતા દિવસ (ફ્રેન્ડશીપ ડે)ની દિલથી સુભેચ્છાઓ પાઠવું છું..!!!!! આજનો દિવસ દોસ્તો માટે નો દિવસ છે આજના ખાસ દિવસે અનેક મિત્રો પોતાના મિત્રોને ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધી ભેટ આપી પોતાની મિત્રતાને 'Renew' કરે છે.

The greatest gift of life is friendship and I have received it. - Hubert
અંગ્રેજી વાક્ય મિત્રતા વિશે ઘણું બધુ કહી જાય છે. બાળપણમાં ભાઈબંધ સાથે કરેલા તોફાનો આજે પણ યાદ છે. ગામડાની એ શાળાના પાછળના દરવાજે આવેલ આંબલીના ઝાડ પર લટકતા કાતરા ખાવા માટે થઇને કચરામાં કોઈ એ ફેંકી દીધેલા જૂના સ્લીપરને ઉઠાવી આંબલીના ઝાડ પર ફેંકવાની મજા આજે પણ યાદ છે.

આંબલીમાંથી ખરેલા કાતરા વીણીને સરખે ભાગે વહેંચીને ખાવાના દિવસો યાદ આવે ત્યારે બાળપણ તાજુ થઇ જાય છે. અમારે મન તો રોજ ફ્રેન્ડશીપ ડે જેવી જ મજા હતી. આજના ફ્લેવર્ડ અને પોલ્શનીયા જમાના કરતા એ જલસાનો જમાનો ખરેખર વાસ્તવિક હતો. આજે તો ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધી ને મિત્રો થવાની પ્રથા છે ત્યારે કાતરા સરખે ભાગે વહેંચીને મિત્રો થવાનો આનંદ અનેરો હતો.

ચાલુ ક્લાસમાં છેલ્લી પાટલી પર બેઠેલા મિત્ર પાસે રહેલા પોપટા (લીલા ચણા) અને શેકેલી મગફળીની કોથળી આખા ક્લાસમાં ફેરવતા અને આનંદ કરતા બધું યાદ આજે વિશ્વ મિત્રતા દિવસ પર સાંભરે છે. 

મિત્રો દોસ્તી એ તો ડાઈરેક્ટ દિલ સુધી નો સંબંધ છે કાતરા અને મગફળી વહેંચવાનો સંબંધ છે એકબીજા સાથે કિટ્ટા કરી મનાવવાનો સંબંધ છે. એક-બીજાના લંચબોક્ષમાંથી નાસ્તો કરી જવાનો સંબંધ છે. નાની અમથી બાબત માટે એક-બીજાની સ્લેટમાં લીટા પાડી દેવાનો સંબંધ છે. ખરેખર દોસ્તી એ દોસ્તના દુઃખને કીધા વિના જ સમજી જવાનો સંબંધ છે.

થોડા દિવસ અગાઉ સુરેન્દ્રનગર જવાનું થયું ત્યારે વાત્સલ્ય વડલો વૃધ્ધાશ્રમમાં પરિવાર સાથે ગયો. તે દિવસે સ્થાનિક એક મંદ બુદ્ધિના બાળકોની એક સંસ્થા પણ પ્રવાસમાં આવી હતી અમે પહોંચ્યા ત્યારે તે સંસ્થાના બાળકો નાસ્તો કરી રહ્યા હતા. આ બાબત હું જોઇ રહ્યો હતો ત્યાં 2 બાળકો પર મારી નજર કેન્દ્રિત થઇ એક દિવ્યાંગ બાળક બીજા બાળકને જમાડી રહ્યો હતો. મેં પૂછ્યું કેમ નથી જામતો ભાઈ...?? 

તેણે જવાબ આપ્યો ' આ મારો મિત્ર જાતે જમી શકતો નથી એટલે પેલા એને જમાડીશ અને પછી જ હું જમવાનો..' વાત બહુ જ સામાન્ય છે પણ એક મિત્રતાની વ્યાખ્યા શું હોઈ શકે તેની અનુભૂતિ આ બાળકે કરાવી અને ત્યાં જ કોઈ ના સેલફોનની રિંગટોન વાગતી સંભળાઈ...' यारी हे ईमान मेरा यार मेरी जिंदगी '.

કવન આચાર્ય VTV News Websiteનાં કોપી એડિટર પણ છે.
( નોંધ: ઉપરોક્ત વિચારો લેખકના વ્યક્તિગત અભિપ્રાય છે. ફોટો: હિરેન જોશી)
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ