ચોટીલાના શેખાલીયા ગામમાં ચૂંટણીની અદાવતમાં માજી સરપંચની કુહાડીના ઘા મારી હત્યા કર્યાની ઘટના ઘટતા ચકચાર મચી જવા પામી છે. મૃતકના પરિવારે ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ચોટીલાના શેખાલીયામાં હત્યા
ચૂંટણીની અદાવતમાં આધેડની હત્યા
3 વ્યક્તિ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના શેખલીયા ગામે પૂર્વ સરપંચની હત્યાનો બનાવ સામે આવ્યો છે. ચૂંટણીનો ખાર રાખીને પૂર્વ સરપંચ ગોવિંદભાઈ ગોળીયાની હત્યા કરવામાં આવી હોવાનું પરિવારજનો જણાવી રહ્યા છે. મીડિયા સાથેની વાતચીતમાં મૃતકના પુત્ર જેરામ ગોળીયા અને અન્ય પરિવારજનોએ જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયતમાં ચૂંટણી સમયે ફોર્મ પાછું ખેંચવા સહિતની બાબતનો ખાર રાખી હત્યા કરવામાં આવી છે.
પ્રતિકાત્મક તસવીર
ઉગ્ર બોલાચાલી મારામારી સુધી પહોંચી
ગ્રામ પંચાયતની ચૂંટણીના મનદુઃખમાં એક જ સમાજના બે આગેવાનો વચ્ચે વેર બંધાયું હતું. ત્યારે આજે શેખલીયા ગામના માજી સરપંચ ગોવિંદભાઈ કાળાભાઈ ગોળીયા સાથે રજનીભાઇ કુમારખાણીયાની ઉગ્ર બોલાચાલી થઈ હતી, આ બાદ ઉગ્ર બોલાચાલી મારામારી સુધી પહોંચી ગઈ હતી.
ચૂંટણીની અદાવતમાં હત્યા
જેમાં ગોવિંદભાઇ કાળાભાઇ ગોળીયા ઉપર રજનીભાઇ કુમારખાણીયા સહિત ત્રણ શખ્સોએ કુહાડી વડે હુમલો કરતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, આથી તેઓને સારવાર માટે કુવાડવા ખાતે લઇ જવામાં આવ્યા હતા. પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેમણે દમ તોડી દીધો હતો.
મૃતકના પરિવારે ત્રણ શખ્સો વિરુદ્ધ નોંધાવી ફરિયાદ
મૃતકના પરિવારે ગાડુંભાઈ, રજની અને ભરત નામના વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પરિવારના જણાવ્યા મુજબ, ગાંડુભાઈ તેમજ તેનો પુત્ર રજની અને ભરત નામના શખ્સો દ્વારા હત્યા કરવામાં આવી છે. કુહાડીના ઘા મારી હત્યા નીપજાવવામાં આવી હોવાનું પરિવારજનોએ જણાવ્યું છે. ત્યારે સમગ્ર મામલે મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવ્યો છે. પોલીસે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
ચૂંટણીની અદાવતમાં ભાજપના કોર્પોરેટરના પતિની કરાઈ હતી હત્યા!
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત 10 જાન્યુઆરીએ વિરમગામમાં ચૂંટણીની અદાવતમાં ખુનીખેલ ખેલાયો હતો. વિરમગામ નગરપાલિકાના વોર્ડ નં.2 ના ભાજપના મહિલા કોર્પોરેટર સોનલબેન ગામોટના પતિ હર્ષદકુમાર ગામોટ પર અજાણ્યા હુમલાખોરો તિક્ષ્ણ હથિયારો સાથે તૂટી પડી નિર્મમ ઘાતકી હત્યા કરતા શહેરભરમાં ચકચાર મચી ગઈ હતી. જે બાદ તેમની હત્યા ચૂંટણી અદાવતમાં થઈ હોવાનું લોકો અનુમાન લગાવી રહ્યા હતા. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.