Former Chief Minister of Gujarat Vijaybhai has done a love marriage with Anjali Rupani
વેલેન્ટાઇન સ્પેશિયલ /
કંઇક આવી છે પૂર્વ CM રૂપાણીની પ્રેમ કહાની, પહેલાં દિકરાનું સાડા ત્રણ વર્ષની ઉંમરે મૃત્યુ થયું પણ ટ્રસ્ટરૂપે આજેય હજારો બાળકોમાં છે જીવંત
Team VTV09:04 AM, 12 Feb 23
| Updated: 01:58 PM, 20 Feb 23
સંવેદનશિલ મુખ્યપ્રધાન તરીકે દેશભરમાં પોપ્યુલર થનારા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને સંઘ સાથે સંકળાયેલા અંજલીબહેન આજે પોતાની લવસ્ટોરી વિશે વાત કરતાં સહેજ સંકોચ અનૂભવે એ સ્વભાવિક છે પણ સાથોસાથ એ પણ એટલું જ સાચું છે કે વિજયભાઈ-અંજલીબહેન આજે પણ પ્રેમની પહેલી નિશાની એવા પુજિતને સહેજ પણ વિસર્યા નથી.
વિજયભાઈએ અંજલી રૂપાણી સાથે કર્યા છે લવમૅરેજ
વડીલોની સહમતીથી બન્નેએ કર્યા છે વિવિધત મૅરેજ
દીકરી બ્રિટન અને દીકરો રહે છે અમેરિકામાં
વિજય રૂપાણી. આ નામ જ્યારે આંખ સામે આવે ત્યારે સૌથી પહેલો શબ્દ મનમાં જે આવે એ છે, સંવેદનશિલ મુખ્યપ્રધાન. હા, પક્ષીઓ અને પશુઓ માટે...
વિજયભાઈએ અંજલી રૂપાણી સાથે કર્યા છે લવમૅરેજ
વડીલોની સહમતીથી બન્નેએ કર્યા છે વિવિધત મૅરેજ
દીકરી બ્રિટન અને દીકરો રહે છે અમેરિકામાં
વિજય રૂપાણી. આ નામ જ્યારે આંખ સામે આવે ત્યારે સૌથી પહેલો શબ્દ મનમાં જે આવે એ છે, સંવેદનશિલ મુખ્યપ્રધાન. હા, પક્ષીઓ અને પશુઓ માટે એમ્બ્યુલન્સ હોવી જોઈએ એવો વિચાર દેશમાં જો કોઈ મુખ્યપ્રધાનને આવ્યો હોય તો એ વિજય રૂપાણી છે. ગુજરાતના રાજકોટ શહેરની બે-નંબરની બેઠક પરથી પહેલી જ વાર ઇલેકશન લડીને રાજ્યની સત્તા સંભાળનારા વિજયભાઈ 1960માં ફૅમિલી સાથે રાજકોટ આવ્યા. હા, એ રાજકોટના નથી. બહુ ઓછા લોકો જાણે છે કે બર્મામાં જન્મેલા વિજયભાઈ ભલે જન્મે બર્મિસ હોય પણ કર્મે ગુજરાતી હતાં અને કાયમ રહેશે. ચૂસ્ત જૈન પરિવાર સાથે સંકળાયેલા વિજયભાઈએ અંજલી રૂપાણી સાથે લવમૅરેજ કર્યા છે. મૅરેજ પહેલાં બન્ને વચ્ચે પ્રેમ હતો અને એ પછી બન્નેએ મૅરેજ કર્યા. વિજયભાઈ અને અંજલીબહેનને એક દીકરો અને એક દીકરી છે. દીકરી મૅરેજ પછી બ્રિટન સ્થાયી થઈ છે તો દીકરો રુષભ અમેરિકા સેટલ થયો છે.
આરંભ-એ-લવસ્ટોરી...
વિજય રૂપાણીની જેમ અંજલીબહેન પણ પહેલેથી રાજકારણ સાથે સંકળાયેલા હતાં અને જનસંઘ માટે કામ કરતાં. વિજયભાઈ કાર્યકર કમ સંઘના જૂના પ્રચારક. સીતેરના દશકની આ વાત છે. એ સમયે એવી પ્રથા કે, પ્રચારક જ્યાં પણ પ્રચારાર્થે જાય ત્યાં તેણે મુખ્ય કાર્યકરના ઘરે જમવા જવાનું અને આ પ્રથાને લીધે જ તેઓ અંજલીબહેનના સંપર્કમાં આવ્યા. બન્યું એમાં એવું કે વિજયભાઈ અવારનવાર પ્રચાર માટે અમદાવાદ આવે. અંજલીબહેનના પપ્પા પણ સંઘના જૂના અને મુખ્ય કાર્યકર, જેને કારણે વિજયભાઈ તેમને ત્યાં અનેક વખત જમવા ગયા અને એ લંચ/ડિનર-ડિપ્લોમસીએ જ વિજયભાઈ અને અંજલીબહેન વચ્ચે પહેલાં ઓળખાણ અને પછી પ્રેમનો પ્રારંભ કરાવ્યો. અલબત, વિરોધ અને વિદ્રોહ વિના, વડીલોની સહમતી-મંજૂરી સાથે બન્નેએ પછી વિધિવત મૅરેજ કર્યા. વિજયભાઈ આ લવસ્ટોરી વિશે વધારે કહેવા રાજી નથી પણ અંજલીબહેન કહે છે, ‘સહમતિ હોય એવા સમયે લવમૅરેજને એરેન્જ-લવ મૅરેજનું બિરુદ મળતું હોય છે. અમારી સાથે પણ એવું જ થયું હતું.’
ગુમાવ્યો પહેલો દીકરો...
વિજયભાઈના પહેલાં દીકરા પુજિતનું માત્ર સાડા ત્રણ વર્ષની ઉંમરે મૃત્યું થયું હતું. સહપરિવાર અમદાવાદ સસરાની ઘરે ગયા હતા એ વખતે થર્ડ ફ્લોરની ગૅલેરીમાંથી નીચે ઝૂક્યા પછી બેલેન્સ નહીં રહેતાં દીકરો પુજિત પડી ગયો અને તેનું મૃત્યુ થયું. જેની યાદમાં વિજયભાઈએ શ્રી પુજિત મેમોરીયલ ટ્રસ્ટ બનાવ્યું છે અને આ ટ્રસ્ટમાં જરૂરિયાતમંદ બાળકોની જરૂરિયાત પૂરી કરવામાં આવે છે તો મોટી દીકરી રાધિકાના મૅરેજ નીતિન મિશ્રા સાથે થયા છે. આગળ કહ્યું એમ, રાધિકા અને નીતિન લંડનમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે તો વિજય રૂપાણીનો દીકરો રુષભ નિરમા યુનિવર્સિટીમાં મિકેનિકલ એન્જિનિયરિંગ કરી અમેરિકા સ્થાયી થયો છે. જૂજ લોકોને ખબર છે કે રુષભ અને ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’માં ટપુનું કૅરેક્ટર કરનારા ભવ્ય ગાંધી વચ્ચે પાક્કી ભાઈબંધી છે. હજુ દોઢ વર્ષ પહેલાં જ રુષભના મૅરેજ થયા છે.
આજ ભી હૈ યાદ-એં-ગમ
દીકરા પુજિતની યાદ આજે પણ વિજયભાઈ અને અંજલીબહેનના હૈયામાં અકબંધ છે. 12મી જાન્યુઆરી એટલે કે પુજિતના જન્મદિવસે સ્થાપનામાં કરવામાં આવેલા ટ્રસ્ટમાં રસ્તા પર કચરો વીણતાં અને રસ્તે રખડતા બાળકોનું બાળપણ એ જ અવસ્થામાં વેડફાઇ નહીં તે પણ બાળપણ માણે એવો હેતુ વિજયભાઈ અને અંજલીબહેનના મનમાં છે. મુખ્યપ્રધાન હતાં એ દરમ્યાન પણ તેમણે આ ટ્રસ્ટને સંપૂર્ણપણે સમય આપ્યો હતો તો પુજિતના જન્મદિવસે ગરીબ બાળકો સાથે પગંતમાં બેસીને તેમણે ભોજન લેવાનું સદ્કાર્ય ચાલુ રાખ્યું હતું. આ ટ્રસ્ટ બાળકોના ઉત્થાનના હેતુથી શરૂ થયું પણ એ પછી જરૂરીયાતમંદ લોકો માટે એનો વિસ્તાર વધારવામાં આવ્યો, જેને કારણે આજે રાજકોટના હજારો લોકો સુધી ટ્રસ્ટ દ્વારા સહાય પહોંચી છે. હકીકત એ છે કે એ સહાય પ્રેમના પ્રથમ ચિહ્નની છે અને યાદ રાખજો, પ્રેમની પહેલી નિશાની ક્યારેય વિસરાતી નથી હોતી.