For the first time in the history of the ACB, such a crime was reported.
ફરિયાદ /
ACBના ઈતિહાસમાં પ્રથમ વખત નોંધાયો આવો ગુનો, પ્રાધ્યાપક મહિલા તબીબો પાસે કરતો હતો આ કામ
Team VTV01:18 AM, 26 Nov 20
| Updated: 01:19 AM, 26 Nov 20
ACBના ઈતિહાસમાં પ્રથમ વખત જાતીય સતામણી અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સરકારી મેડિકલ કોલેજમાં પ્રાધ્યાપક તરીકે ફરજ બજવતા શૈલેષ નાગર પર જાતીય સતામણી અને પૈસા માંગવાનો આરોપ લાગતા એન્ટી કરપ્શન બ્યુરો એ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે
ACB ના ઈતિહાસમાં પ્રથમ બનાવ
આરોપી પર લાંચની સાથે જાતીય સતામણીનો પણ આરોપ લાગ્યો
લાંચિયા બાબુઓ પર કાર્યવાહી કરતી હોય ACB
સામાન્ય સંજોગોમાં એન્ટી કરપ્શન બ્યુરો ACB લાંચિયા બાબુઓ પર કાર્યવાહી કરતી હોય છે અને આવક કરતા વધુની ગેરકાયદે મેળવેલી બાબુઓની મિલકત પર નજર રાખતી હોય છે અને પકડતી હોય છે, પરંતુ ગુજરાત ACB માં પ્રથમ એવો કેસ સામે આવ્યો કે જેમા આરોપી પર લાંચ લેવાની સાથે જાતીય સતામણી કરવાનો આરોપ લાગ્યો છે.
ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો
આરોપી શૈલેષ નાગર વિરુદ્ધ ગુનો દાખલ થતા ACB એ તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, હાલ તો આ આરોપી વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988 ની કલમ 7,કલમ 13 તથા IPC કલમ 354 (C) હેઠળ ગુનો દાખલ કરવામા આવ્યો છે, અને કાર્યવાહી ચાલુ કરી દેવામાં આવી છે.
ACB ની કસ્ટડીમાં રહેલ આરોપી અગાઉ વડોદરાની મેડિકલ કોલેજમાં એનાટોમી વિભાગમા વડા અને પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતો, પરંતુ ત્યારે મહિલા પ્રોફેસરો પાસેથી વાર્ષિક અહેવાલ લખવા માટે એક અહેવાલના ₹ 1.50 લાખ માંગતો હોવાનો પણ આક્ષેપ છે, એટલું જ નહિ પણ આરોપી શૈલેષ નાગર મહિલા તબીબો સાથે બિભત્સ માંગણી કરતો હોવાથી જાતીય સતામણી કરવાની ફરિયાદો પણ ઉઠી હતી
FSL તપાસમાં ઓડિયો વિડીયો સાચા પુરવાર થયા
આ અંગે મહિલા તબીબો દ્વારા રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને શૈલેષ નાગરનો ઓડિયો વીડિયો મોકલ્યા બાદ ACB માં ફરિયાદ નોંધાઈ હતી. ઉલ્લેખનીય છે કે આરોપી શૈલેષ નાગર એ તબીબો પાસે નાણાં માંગતા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા કેસની તપાસ ACB ને સોંપાઈ હતી. જોકે ACB પ્રાથમિક તપાસ શરૂ કરી હતી અને FSL દ્વારા ઓડિયો વિડીયો સાચા હોવાનું સામે આવતા આરોપીની અટકાયત કરવામાં આવી છે.
અમદાવાદ, સુરત, જામનગર વગેરેમાં ફરજ બચાવી ચૂક્યો છે આરોપી
આરોપી વિરુદ્ધ લાગેલા આક્ષેપ બાદ તેની બદલી કરી જામનગર એમ પી શાહ મેડીકલ કોલેજ મુકવામાં આવ્યો હતો. પકડાયેલ પ્રાધ્યાપક શૈલેષ નાગર આ અગાઉ અમદાવાદની બી જે મેડીકલ કોલેજ ઉપરાતં સુરત,પાટણ,વડોદરા જામનગર ખાતે ફરજ બજાવી ચુક્યો છે, ત્યારે તે જગ્યાએ પણ લાંચ માંગવામા આવી હતી કે કેમ તપાસનો વિષય છે.
ACBની અપીલ છે કે શૈલેષ નાગર દ્વારા અન્ય લોકો પાસેથી પણ જો નાણાની માંગણી કરવામા આવી હોય તો તેઓ ACB નો સંપર્ક કરી શકે છે. હવે જોવાનુ એ રહે છે કે આરોપી વિરુદ્ધ વધુ ફરિયાદો આવે છે કે કેમ?.