Folk literature writer Devayat Khawad is absconding
વિવાદ /
લોક સાહિત્યકાર દેવાયત ખવડ ફરાર! ઘરે તાળાં અને ફોન પણ સ્વીચ ઑફ, જાહેરમાં એક વ્યક્તિ પર કરી હતી ધોકાવાળી
Team VTV01:24 PM, 09 Dec 22
| Updated: 05:04 PM, 09 Dec 22
લોક સાહિત્યકાર દેવાયત ખવડ અને તેમના સાથીદારો વિરુદ્ધ હત્યાનો પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જે બાદ પોલીસ તેમના ઘરે તપાસ કરવા જતા તેમના ઘરે તાળું જોવા મળ્યું હતું.
લોક સાહિત્યકાર દેવાયત ખવડ અને સાથીદારો વિરુદ્ધ ફરિયાદ
દેવાયત ખવડે એક વ્યક્તિ પર કર્યો હતો જાહેરમાં હુમલો
ગુનો નોંધાયા પછી પણ દેવાયત ખવડ પોલીસ પકડથી દૂર
ગુજરાતના લોક સાહિત્યકાર દેવાયત ખવડ એક વખત ફરીથી વિવાદમાં સપડાયા છે. હકીકતમાં દેવાયત ખવડે રાજકોટના સર્વેશ્વર ચોક નજીક મયુરસિંહ રાણા નામના યુવક પર જીવલેણ હુમલો કર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ પોલીસે ચોપડે ગુનો નોંધાયો હતો. જે બાદ તપાસ માટે જ્યારે પોલીસની ટીમ તેમના ઘરે પહોંચી, ત્યારે પોલીસને તેમના ઘરના મેન ગેટ પર તાળુ જોવા મળ્યું હતું અને દેવાયત ખવડનો ફોન પણ સ્વીચ ઓફ આવી રહ્યો હતો. આ ઉપરાંત ઇજાગ્રસ્ત યુવકના પરિવારે દેવાયત ખવડ સહિત તેમના સાથીદારોની તાત્કાલિક ધરપકડ કરી કાર્યવાહી કરવાની માંગ કરી છે. ઈજાગ્રસ્ત યુવકના પરિવાર અને ક્ષત્રિય સમાજની મહિલાઓએ આજે પોલીસ કમિશનરને રજૂઆત કરી છે.
શું છે સમગ્ર મામલો?
દેવાયત ખવડ અને તેમના સાથીદારોએ થોડા દિવસ અગાઉ એક વ્યક્તિ પર જાહેરમાં હુમલો કર્યો હતો. હુમલામાં યુવકને હાથ અને પગમાં ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવકે દેવાયત ખવડ પર ગંભીર આરોપ લગાવ્યો હતો. સર્વેશ્વર એપાર્ટમેન્ટ નજીક યુવક પર હુમલો કરાયો હતો. આ અંગેની જાણ પોલીસને થતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.
ફરિયાદી મયુરસિંહ રાણાએ જણાવ્યું હતું કે, આજથી એકાદ વર્ષ પૂર્વે દેવાયત ખવડની બાજુમાં રહેતા મારા મામાને ત્યાં પાર્કિંગ બાબતે માથાકૂટ થઈ હતી. જે બાબતનો ખાર રાખી દેવાયત ખવડ સહિત બે લોકોએ મારા પર હુમલો કર્યો હતો. જ્યારે કે અન્ય એક વ્યક્તિ કાર ચાલક તરીકે મદદગારીમાં હતો. સમગ્ર બનાવ બાદ લોક સાહિત્યકાર દેવાયત ખવડ સહિત કુલ ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હત્યાની પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
વિવાદમાં ઘેરાયેલા રહે છે દેવાયત ખવડ
આપને જણાવી દઈએ કે, દેવાયત ખવડ અનેક વાર અવનવા વિવાદમાં ઘેરાયેલા રહે છે, આ પહેલીવાર નથી બન્યું કે તેઓ વિવાદમાં આવ્યાં છે પરંતુ પહેલા શાબ્દિક પ્રહાર જ કરતા હતા અને અત્યારે ખુલ્લેઆમ દાદાગરી કરતા નજરે ચડ્યા છે. આ પહેલા પણ રાજપૂત અને આહિર સમાજની લાગણી દુભાયાની બે ઘટનામાં ખાવડ પર ગુસ્સો હતો. જે બાદ તેમણે માફી માગતો વીડિયો પણ જાહેર કર્યો હતો. ઘણા સમય પહેલા પણ ટિકટોક સ્ટાર કિર્તી પટેલ અને ખવડ વચ્ચે સોશિયલ મીડિયાનો જંગ દરેક ગુજરાતી સોશિયલ મીડિયા યુઝર સુધી પહોંચ્યો હતો. ત્યારે પણ બેફામ વાણીવિલાસ થયો હતો.