બ્રેકિંગ ન્યુઝ
VTV / Flood in North India, cars, bridges, houses, bridges all started flowing in water.! Apocalypse in Himachal, Uttarakhand, Punjab
Vishal Khamar
Last Updated: 12:17 AM, 10 July 2023
ADVERTISEMENT
દિલ્લી, હિમાચલ, પંજાબ સહિત દેશના ઉત્તરીય રાજ્યોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે દિલ્લીમાં વરસાદે 41 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. 1982 થી, જુલાઈમાં એક જ દિવસમાં સૌથી વધુ 153 મીમી વરસાદ નોંધાયો છે. મુશળધાર વરસાદ પડતા રાજધાની દિલ્લી પાણી-પાણી થઈ ગઈ. ધોધમાર વરસાદને કારણે દિલ્લીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. મુશળધાર વરસાદને કારણે દોડતી દિલ્લીની રફતાર જાણે થંભી ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ભારે વરસાદને કારણે અમુક વિસ્તારોમાં વીજપુરવઠો ખોરવાયો છે. તો કેટલાક વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવા પણ પ્રભાવિત થઈ છે. આ દરમ્યાન હવામાન વિભાગે હજુ પણ દિલ્હી-NCRમાં ભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે. જેનાથી દિલ્લીવાસીઓની મુશ્કેલીઓ વધી શકે છે.
ADVERTISEMENT
હિમાચલ પ્રદેશના કુલ્લુ અને મંડીમાં ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદને પગલે નદીઓમાં પૂરની સ્થિતિ ઉભી થઈ છે. બિયાસ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા કુલ્લુમાં બિયાસ નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં કેટલાક લોકો ફસાયા હતા. જેને NDRFની ટીમે રેસ્ક્યૂ કરીને બચાવ્યા હતા. તો બીજી તરફ મનાલીમાં તારા મિલ ખાતે નેશનલ હાઈવે 3 નો એક ભાગ બિયાસ નદીમાં ધોવાઈ ગયો. ધોધમાર વરસાદને કારણે મંડીના ઓટ-બંજર ખાતેનો જૂનો પુલ તૂટી પડ્યો હતો. અને પાણીના પ્રવાહમાં તણાઈ ગયો હતો. સિમલામાં પણ વરસાદે કહેર વરસાવ્યો. સિમલામાં ધોધમાર વરસાદ પડતા ચાબા પાવર પ્લાન્ટમાં બંધ થયો છે. પાવરપ્લાન્ટમાં પાણી ઘૂસી જતા મશીન બંધ થયા છે. ધોધમાર વરસાદની સાથે સાથે હિમાચલમાં હિમવર્ષાએ પણ કહેર વરસાવ્યો. હિમાચલના લાહૌલ-સ્પીતિના લોસરમાં હિમવર્ષાને કારણે તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો છે.
આ તરફ હરિયાણાના અંબાલા, ગુરૂગ્રામમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો. અંબાલા જિલ્લામાં છેલ્લા 24 કલાકથી સતત વરસાદ પડી રહ્યો છે. સતત મુશળધાર વરસાદને કારણે અંબાલા કેન્ટ અને શહેરમાં જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ છે. પાણીના નિકાલના અભાવે રસ્તાઓ તળાવ બની ગયા છે. ગુરૂગ્રામમાં પણ ધોધમાર વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાયા. રસ્તાઓ પર પાણી ભરાઈ જતા ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. હવામાન વિભાગે સોમવાર સુધી જમ્મુ-કશ્મીર, હિમાચલ પ્રદેશ, હરિયાણા સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે.
ઉત્તર પશ્ચિમ ભારતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ યથાવત છે. ત્યારે પંજાબમાં પણ આકાશમાંથી આફત વરસી. પંજાબના અનેક વિસ્તારોમાં અવિરત વરસાદે તબાહી મચાવી છે. ચંડીગઢમાં છેલ્લા 24 કલાક દરમિયાન 322 મીલીમીટર વરસાદ નોંધાયો છે, જેણે 23 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. ડેરા બસીમાં રસ્તાઓ પર બોટ ચાલી રહી છે. પંજાબના ડેરા બસ્સીમાં સ્થિત ખાનગી હાઉસિંગ કોલોનીમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી હતી, અને પાણી ભરાયેલા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવામાં આવી રહ્યાં છે. તો વરસાદના કારણે ફતેહગઢ સાહિબ, મોહાલી, રૂપનગર અને પટિયાલામાં સતત બીજા દિવસે સ્થિતિ ખરાબ છે. મોહાલીના જીરકપુર વિસ્તારમાં ભારે વરસાદને કારણે એક મકાન જોતજોતામાં ધરાશાયી થઈ ગયું. તો હોશિયારપુરમાં ડેમ તૂટતા પૂરની સ્થિતિ ઉભી થઈ છે. ડેમ તૂટવાને કારણે નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા. હજુ પણ હવામાન વિભાગે રાજ્ય માટે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કર્યું છે. જેને કારણે લોકોની મુશ્કેલી વધી શકે છે.
આ તરફ ધરતી પરનું સ્વર્ગ ગણાતા કાશ્મીરમાં વરસાદે વિનાશ વેર્યો છે. ધોધમાર વરસાદને કારણે ઝેલમ અને તેની ઉપનદીઓમાં પાણીનું સ્તર ઝડપથી વધી ગયું છે. નદીઓ બે કાંઠે વહી રહી છે. તો ભારે વરસાદને પગલે હાઈવે ધોવાયા છે. રામબન જિલ્લામાંથી પસાર થતો જમ્મુ-શ્રીનગર હાઈવે ધોવાઈ જતા અનેક વાહન ચલાકો અટવાયા છે. તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રસ્તો ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તો અમરનાથ ગુફા નજીક ભારે બરફ વર્ષા થતા અમરનાથ યાત્રા પ્રભાવિત થઈ છે. બરફ વર્ષા થતા તાપમાન પણ ખુબ જ નીચું ગયું છે.
રાજસ્થાનના અજમેર, અલવર, બાંસવાડા, ભરતપુર, ભીલવાડામાં મુશળધાર વરસાદ વરસ્યો. સીકર જિલ્લામાં પણ છેલ્લા 3 દિવસથી સતત વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ છે. ધોધમાર વરસાદને કારણે શહેરના નવલગઢ રોડ, રેલ્વે સ્ટેશન રોડ અને લોહારૂ બસ સ્ટેન્ડ પર પાણી ભરાઈ ગયા. સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો. જ્યાં જૂઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.
થોડા દિવસોના વિરામ બાદ ફરી મેઘરાજાએ મધ્યપ્રદેશમાં ધમાકેદાર બેટિંગ કરી છે. મધ્યપ્રદેશના મહાકૌશલ વિસ્તારને ભીંજવી દીધો. બે-ત્રણ દિવસથી અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ધોધમાર વરસાદને કારણે છત્તરપુરમાં આવેલા જટાશંકર ધામ ખાતે ધોધ વહેતો થયો છે. ધોધમાં પૂષ્કળ પ્રમાણમાં પાણીની આવક થતા અહીં પ્રકૃતિ સોળે કળાએ ખીલતી જોવા મળી.
આ તરફ ઉત્તરપ્રદેશના વારાણસી અને મુરાદાબાદમાં પણ વરસાદ વરસ્યો. ઉત્તરપ્રદેશના વારાણસીમાં હળવો વરસાદ વરસ્યો. જોકે સામાન્ય વરસાદમાં જ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા. તો મુરાદાબાદમાં મુશળધાર વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું. રસ્તાઓ પર પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું. જોકે આ બધાની વચ્ચે હજુ પણ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જેને કારણે લોકોની મુશ્કેલી વધી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
કાઉન્ટ ડાઉન શરૂ / ગુજરાતમાંથી ચોમાસું ક્યારે લેશે વિદાય? હવામાન વિભાગે જણાવી દીધો સમય
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
કાઉન્ટ ડાઉન શરૂ / ગુજરાતમાંથી ચોમાસું ક્યારે લેશે વિદાય? હવામાન વિભાગે જણાવી દીધો સમય
ADVERTISEMENT