Team VTV08:40 PM, 13 May 20
| Updated: 08:41 PM, 13 May 20
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગત રાતે રાષ્ટ્રજોગ સંબોધન કરીને લૉકડાઉન-4.0 અને દેશ માટે 20 લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે. ત્યારે આ રાહત પેકેજમાં નોકરિયાત વર્ગ માટે કઇ-કઇ બાબતનો સમાવેશ કરવામાં આવ્યો છે તે અંગે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે વાત કરી હતી.
સરકારે જાહેર કરેલા કોરોના સામેના રાહત પેકેજમાં નોકરિયાત વર્ગને રાહત મળે તે માટે નાણામંત્રી નિર્મલા સીતારમણે અગત્યની 5 જાહેરાતો કરી છે.
1. ઇન્કમ ટેક્સના રિટર્ન ભરવાની તારીખ લંબાવીને 31 જુલાઈને બદલે 30 નવેમ્બર કરી નાખવામાં આવી છે.
2. નોન સેલરી પેમેન્ટ્સના TDS અને TCSના દરો 31 માર્ચ 2021 સુધી 25% ઘટાડી દેવાયા છે. FMનો દાવો છે કે આમ કરવાથી 50000 કરોડ જેટલા નાણાં છુટા કરી શકાશે. આમ કરવાથી ટેક્સ ભરનાર લોકોને આર્થિક ફાયદો થશે.
આ પેમેન્ટ્સમાં કોન્ટ્રાકટ, પ્રોફેશનલ ફી, વ્યાજદર,ભાડું, કમિશન, બ્રોકરેજ, ડિવિડન્ડ વગેરેનો સમાવેશ થાય છે.
3. હાલ EPF એટલે કે એમ્પ્લોઈ પ્રોવિડન્ટ ફંડમાં કમર્ચારી અને તેની કંપની બંનેએ પગારમાંથી 12%-12% જેટલી રકમ જમા કરાવવાની હોય છે. આ દર હાલ ઘટાડીને 10%-10% કરી દેવાયો છે. આમ કરવાથી કર્મચારીના હાથમાં મહિનાના અંતે વધુ નાણાં આવશે અને કંપનીને આ સંકટના સમયમાં ઓછો ખર્ચ કરવો પડશે. જો કે સરકારી PSUs માટે હજુ પણ 12%નો દર જ ચાલુ રહેશે.
4. સરકારે 100થી ઓછા કર્મચારીઓ ધરાવતી અને 90% કે તેથી વધુ કર્મચારીઓનો પગાર 15000થી ઓછો હોય તેવી કંપનીઓના 15000થી ઓછા પગાર ધરાવતા કર્મચારીઓના માસિક પગારના 24% રકમ તેમના EPFના એકાઉન્ટમાં પોતાના ખર્ચે જમા કરાવવાની જાહેરાત કરી હતી. આ યોજના 3 મહિના માટે હતી જયારે હવે તે વધુ ત્રણ મહિના માટે વધારી દેવાઈ છે અર્થાત તેને ઓગસ્ટ સુધી લાગુ કરી દેવાઈ છે.
5. EPFના આ નિર્ણયથી 6.5 લાખ કંપનીઓને અને તેમના આશરે 4.3 કરોડ કર્મચારીઓને સીધો લાભ થશે અને તેમને 6750 કરોડ રૂપિયાની લીકવીડિટી 3 મહિનાના ગાળામાં મળશે.