First case of H3N2 reported in one more district of Gujarat
BIG BREAKING /
ગુજરાતના વધુ એક જિલ્લામાં નોંધાયો H3N2નો પ્રથમ કેસ, 65 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર થયું દોડતું
Team VTV07:39 AM, 22 Mar 23
| Updated: 07:47 AM, 22 Mar 23
આણંદ જિલ્લામાં 65 વર્ષીય મહિલાનો H3N2 વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર સતર્ક થયું છે.
દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર સહિત દેશના ઘણા રાજ્યોમાં H3N2 વાયરસનો ખતરો વધી ગયો છે. આ વાયરસને કારણે દેશમાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા છે. જોકે, આ વાયરસની સૌથી વધુ અસર મહારાષ્ટ્રમાં છે. અત્યાર સુધીમાં અહીં વાયરસના 352 કેસ નોંધાયા છે. આ વચ્ચે હવે ગુજરાતમાંથી ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે.
65 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ
આણંદ જિલ્લામાં H3N2નો પ્રથમ કેસ નોંધાયો છે. આણંદની 65 વર્ષીય મહિલાનો H3N2 વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જિલ્લામાં H3N2 વાયરસનો પ્રથમ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર સતર્ક થયું છે.
આરોગ્યની ટીમ થઈ દોડતી
આણંદમાં H3N2નો પ્રથમ કેસ નોંધાતા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ ગઈ છે. સંક્રમિત દર્દીને હાલ સારવારમાં ખસેડાયા છે. તેમના પરિવારજનોના ટેસ્ટ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે આ પહેલા ભાવનગરમાં પણ H3N2 વાયરસનો કેસ નોંધાયો હતો. ભાવનગરના સુભાસનગરમાં 22 વર્ષીય યુવતીનો H3N2નો રિપોર્ટ પોઝિટવ આવ્યો હતો. જેને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.
H3N2ની તપાસ ક્યારે કરાવવી જોઈએ?
આરોગ્ય નિષ્ણાંતો જણાવી રહ્યા છે કે, કેસ વધવા લાગે તે સમયે H3N2ની તપાસ કરાવવી જોઈએ. પરંતુ દર્દી સાજા ના થાય અને આ વાયરસ પકડમાં ના આવે ત્યારે પણ તપાસ કરાવવી જોઈએ. ડૉકટર જણાવી રહ્યા છે કે, આ વર્ષે સૂકી ખાંસીના સૌથી વધુ દર્દીઓ સામે આવ્યા છે, મોટાભાગના દર્દીઓ ઈલાજ વગર સાજા થઈ રહ્યા છે.
H3N2 વાયરસના લક્ષણો
નાકમાંથી પાણી નીકળવું
તાવ આવવો
પહેલા શરૂઆતમાં કફવાળી ખાંસી અને પછી લાંબા સમય સુધી સૂકી ખાંસી
છાતીમાં દુખાવો
માથામાં દુખાવો
માંસપેશી અને સાંધામાં દુખાવો
થાક અનુભવવો
ગળામાં ખરાશ
H3N2થી રિકવરી
H3N2 વાયરસ થયા બાદ તાવ એક સપ્તાહમાં જ મટી જાય છે. શર્દી અને ખાંસીને મટવામાં વધુ સપ્તાહનો સમય લાગે છે. આ કારણોસર આ બિમારી દરમિયાન સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે.
ઈન્ફ્લુએન્ઝાના કેસમાં વધારો
કોરોનાને કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી પડી ગઈ છે. આ પરિસ્થિતિમાં ખૂબ જ તેજીથી વાયરલ ઈન્ફેક્શનના કેસ વધી રહ્યા છે. માનવામાં આવી રહ્યું હતું કે, કોરોના પછી ઈન્ફ્લુએન્ઝા જેવી બિમારીઓ ઓછી થઈ જશે, પરંતુ વાયરલ ઈન્ફેક્શનમાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે રેસ્પિરેટરી સિસ્ટમ પર અસર થાય છે.
H3N2 વાયરસ કેટલો ખતરનાક?
મોટાભાગના લોકો મેડિકલ કેયર વગર સાજા થઈ રહ્યા છે. ગંભીર કેસમાં આ વાયરસ જીવલેણ સાબિત થઈ શકે છે. WHO અનુસાર વધુ જોખમ ધરાવતા દર્દીઓના કેસ જીવલેણ હોય છે.
H3N2થી સૌથી વધુ કોને જોખમ?
તમામ ઉંમરના લોકોને આ વાયરસ થઈ શકે છે. ગર્ભવતી મહિલાઓ અને 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને વૃદ્ધ વ્યક્તિઓને આ બિમારી થવાનું સૌથી વધુ જોખમ છે. જો કોઈ વ્યક્તિ સતત બિમાર રહેતી તેણે પણ સાવધાની રાખવી જોઈએ. હેલ્થ કેયર વર્કર્સને ઈન્ફ્લુએન્ઝા થવાનું સૌથી વધુ જોખમ છે.
H3N2થી કેવી રીતે બચી શકાય?
WHO અનુસાર ભીડભાડવાળી જગ્યાએ જવાથી તમને આ બિમારી થઈ શકે છે. ઈન્ફ્લુએન્ઝાથી સંક્રમિત વ્યક્તિ ખાંસી અથવા છીંક ખાય તો અન્ય વ્યક્તિને પણ આ ઈન્ફ્લુએન્ઝા થઈ શકે છે. આ કારણોસર ખાંસી ખાતા સમયે અને છીંક ખાતા સમયે મોંછુ ઢાંકવું જોઈએ. સ્વચ્છતા જાળવી રાખો અને વારંવાર હાથ ધોતા રહેવું જોઈએ.
H3N2થી કેવી રીતે બચી શકાય?
ભીડભાડવાળી જગ્યાએ ના જશો. હાથ ના મિલાવો અને માસ્ક પહેરો.