અમદાવાદ /
ગુજરાત યુનિવર્સિટીમાં લાગી આગ, શોર્ટ સર્કિટ જવાબદાર હોવાની આશંકા
Team VTV09:11 PM, 27 May 19
| Updated: 09:11 PM, 27 May 19
અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં આગ લાગવાની ઘટના બની. મળતી માહિતી મુજબ ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિના ચેમ્બરમાં આગ લાગી હતી. ત્યારે આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની શંકા સેવાઈ રહી છે. જો કે ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, સુરતની ઘટના બાદ પણ તંત્રની પોલંપોલના એક બાદ એક બનાવો સામે આવી રહ્યા છે. અમદાવાદમાં પણ તંત્ર ફાયર સેફ્ટીમાં ઉણુ ઉતર્યું હોવાનું સામે આવ્યુ છે. ગુજરાત યુનિવર્સિટીમાં જ ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો છે.
રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટીમાં જ ફાયર સેફ્ટીના સાધનો નથી. વીટીવીના રિયાલિટી ચેકમાં આ વાતનો ખુલાસો થયો છે. કુલપતિની ચેમ્બરમાં આગ લાગતા નાસભાગ થઈ હતી અને તંત્રની આબરૂના લીરેલીરા ઉડ્યા હતા.
ત્યારે સવાલ એ છે કે ખાનગી ટ્યુશન ક્લાસીસ સામે તો કાર્યવાહી કરવામાં આવી છે. પણ શુ તંત્ર યુનિવર્સિટી સામે પણ કાર્યવાહી કરશે?? આગની ઘટના અંગે જ્યારે યુનિવર્સિટીના કુલપતિને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કોઈ પણ પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું.
મહત્વનું છે કે, યુનિવર્સિટીમાં પ્રોફેસરોની ભરતી માટેના ઇન્ટરવ્યુ ચાલી રહ્યા હતા ત્યારે અચાનક આગ લાગી હતી. જોકે, સમગ્ર મામલે કુલપતિએ મૌન સેવી લીધું હતું.