Find out which Big leaders lost their sons, brothers and nephews
હમણા જરૂર નથી! /
ચૂંટણીમાં સગાવાદને જાકારો, જાણો કયા-કયા દિગ્ગજ નેતાઓના પુત્ર, ભાઈ અને ભત્રીજાની થઈ હાર
Team VTV06:19 PM, 02 Mar 21
| Updated: 07:14 PM, 02 Mar 21
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોની જાહેરાત સાથે સ્પષ્ટ થઈ ગયું છે કે, દિગ્ગજ નેતાઓના સગા-સંબંધિઓને જનતાએ જાકારો આપી દીધો છે.
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સગાવાદને જાકારો
નેતાઓના પુત્ર, ભાઈ, ભત્રીજાઓને મળી હાર
જાણો કયા નેતાઓના સગાઓની થઈ હાર
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની જીત અને કોંગ્રેસની હાર સ્પષ્ટ થઈ ચૂકી છે. આ તમામની વચ્ચે આમ આદમી પાર્ટીની ન તો જીત થઈ છે. ન તો હાર થઈ છે. પરંતુ હકિકતે આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ છે. આ તમામ સમીકરણ વચ્ચે એક મુદ્દો સૌ કોઈની ચર્ચામાં છે. નેતાઓના સગા-સંબંધિઓને જનતાએ જાકારો આપી દીધો છે.
કોંગ્રેસના દિગ્ગજ નેતા વિક્રમ માડમ. 2004થી માંડીને 2014 સુધી સતત બે ટર્મ જામનગરથી સાંસદ રહ્યા. 2017થી ખંભાળીયાના ધારાસભ્ય છે. વિક્રમ માડમના પુત્ર કરણ માડમ આ વખતે દ્વારકાની વાડત્રા બેઠક પરથી જિલ્લા પંચાયતની ચૂંટણી લડ્યા. પરંતુ રાજકારણના પ્રથમ પગથીયે જ પ્રજાના અવિશ્વાસની ઠોકર વાગી ગઈ.
ખેડબ્રહ્માથી કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલ 2007, 2012 અને 2017માં સતત ચૂંટણી જીતતા આવ્યા છે. કોટવાલના વધતા કદને જોતા 2018માં જ તેમણે વ્હીપની જવાબદારી સોંપવામાં આવી હતી. આ દિગ્ગજ નેતાના પુત્ર યશ કોટવાલ સાબરકાંઠાની વિજયનગર તાલુકા પંચાયતથી ચૂંટણી લડ્યા. પરંતુ રાજકીય રીતે આટલું વર્ચસ્વ હોવા છતાં અશ્વિન કોટવાલના પુત્રને હારનો સામનો કરવો પડ્યો.
પેટલાદ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને જીત મળે તે માટે ખુદ ધારાસભ્ય નિરંજન પટેલ 2 બેઠકથી ચૂંટણી લડ્યા. આટલું જ નહીં નિરંજન પટેલે તેમના પુત્રને પણ ટિકિટ અપાવડાવી. તેમ છતાં કુલ ત્રણેય બેઠકો પર હારનો સામનો કરવો પડ્યો. કોંગ્રેસના ધારાસભ્ય પુંજા વંશ જૂનાગઢ તેમજ ગીર સોમનાથમાં રાજકીય રીતે સારું એવું વર્ચસ્વ ધરાવે છે. પરંતુ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પુંજા વંશના પુત્ર પરેશ વંશને વંશવાદ નડ્યો અને હારનો સામનો કરવો પડ્યો. આવી જ રીતે જૂનાગઢમાં કોંગ્રેસના ધારાસભ્ય ભીખા જોશીના પુત્રવધુની પણ સાસણ બેઠક પરથી હાર થઈ છે.
કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા એક સમયે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ હતા. અર્જુન મોઢવાડિયાનું રાજકીય વર્ચસ્વ માત્ર પોરબંદર સુધી સીમિત ન રહીને દિલ્લી સુધી ફેલાયેલું છે. ગુજરાત કોંગ્રેસના નામી નેતાઓની યાદીમાં તેમની ગણતા તો થાય છે. તાલુકા પંચાયતથી ચૂંટણીમાં અર્જુન મોઢવાડિયાના ભાઈ રામદેવ મોઢવાડિયાએ ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ રામદેવ મોઢવાડિયાને ભાઈના નામ અને પોતે કરેલા વાયદા પર પ્રજાએ ભરોસો ન દાખવ્યો. કિંદરખેડા બેઠક પરથી રામદેવ મોઢવાડિયાને હારનો સામનો કરવો પડ્યો.
કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોષિયારા ભિલોડા બેઠક પરથી છેલ્લી પાંચ ટર્મથી ચૂંટણી જીતતા આવ્યા છે. પરંતુ ભિલોડા તાલુકા પંચાયતની ચૂંટણીમાં તેમના પુત્ર કેવલ જોષિયારા પાર્ટીની અપેક્ષા મુજબ પ્રદર્શન ન કરી શક્યા. ભાજપ તરફી વંટોળ વચ્ચે કેવલ જોષિયારાને જીત ન મળી શકી.
એક સમયે આણંદ સહિત આખા ચરોતરને કોંગ્રેસનો ગઢ ગણવામાં આવતો હતો. પરંતુ હાલના ચૂંટણી પરિણામોથી સોજીત્રાથી કોંગ્રેસના ધારાસભ્ય પુનમ પરમારને એક મોટો ઝટકો લાગ્યો છે. આણંદ જિલ્લા પંચાયતની તારાપુર બેઠક પરથી ધારાસભ્ય પુનમ પરમારના ભત્રીજા નિકુંજ પરમારની હાર થઈ છે. આટલું જ નહીં પુનમ પરમારના દીકરા વિજય પરમાર પણ તારાપુર તાલુકા પંચાયતની ચૂંટણી હારી ગયા.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોથી માત્ર કોંગ્રેસ જ નહીં, આદિવાસી વિસ્તારમાં વર્ષોથી વર્ચસ્વ ધરાવતા છોટુ વસાવાને પણ મોટો ઝટકો લાગ્યો છે. છોટુ વસાવાની પાર્ટી BTPએ ચૂંટણીમાં ઓવૈસીની પાર્ટી AIMIM સાથે ગઠબંધન કર્યું હતું. પરંતુ નવાઈની વાત એ છે કે ભરૂચ જિલ્લાની રાજપારડી બેઠક પરથી છોટુ વસાવાના પુત્ર દિલિપ વસાવા જ જીતી ન શક્યા.
છેલ્લા કેટલાક વર્ષોથી એવી ધારણા ઉભી થઈ હતી કે કોંગ્રેસ ગ્રામ્ય વિસ્તારોમાં જ્યારે ભાજપ શહેરી મતદારોને આકર્ષવામાં સફળ રહે છે. પરંતુ આ વખતે કોંગ્રેસના માઠા પ્રદર્શનથી એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે ગુજરાત ભરમાં ગ્રામ્ય સ્તરે રાજકીય સમીકરણ બદલાયા છે. જનાધાર ખસી રહ્યો છે. અને તેનો સીધો ફાયદો ભાજપે ઉઠાવ્યો. ભાજપની જીતની આંધીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પાર્ટીના અન્ય ઉમેદવારો તો ઠીક પરંતુ પોતાના જ પરિવારના લોકોને જીતાડી ન શક્યા. રાજકીય મહાત્વાકાંક્ષા કાજે કોંગ્રેસને આ મુદ્દે મનોમંથન કરવું જ રહ્યું.