ગ્રાહકોની સુવિધા માટે અને બેંકિંગ સિસ્ટમને વધુ મજબૂત બનાવવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ KYC અપડેટ સંબંધિત નવા નિયમો જાહેર કર્યા છે. આ નિયમોનો ઉદ્દેશ્ય ગ્રાહકો તેમની KYC પ્રક્રિયા સમયસર પૂર્ણ કરે તે સુનિશ્ચિત કરવાનો છે અને બેંકોએ ખાતા ફ્રીઝ કરતા પહેલા ગ્રાહકોને પૂરતી સૂચના આપવી જરૂરી છે. આ નવી માર્ગદર્શિકા RBI KYC નિર્દેશો 2025 હેઠળ છે અને 1 જાન્યુઆરી 2026થી લાગુ થશે.
આ નવા નિયમો જન ધન યોજના, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) અને ઇલેક્ટ્રોનિક બેનિફિટ ટ્રાન્સફર (EBT) સાથે જોડાયેલા તમામ બેંક ખાતા ધારકોને લાગુ પડશે. RBI એ અવલોકન કર્યું છે કે KYC અપડેટમાં મોડું થાય છે, ખાસ કરીને સરકારી યોજનાઓ સાથે જોડાયેલા ખાતાઓમાં. આથી બેંકોને હવે ગ્રાહકોને વારંવાર જાણ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.
- KYC અપડેટ માટે વારંવાર રીમાઇન્ડર્સ
- KYCની નિયત તારીખ પહેલા: બેંકોએ KYC અપડેટની છેલ્લી તારીખ પહેલા ઓછામાં ઓછા ત્રણ વખત ગ્રાહકોને જાણ કરવી પડશે. આ સૂચનાઓમાંથી એક પોસ્ટ દ્વારા મોકલવામાં આવેલ ફિઝિકલ લેટર હશે, જ્યારે અન્ય બે સૂચનાઓ SMS, ઇમેઇલ અથવા બેંકની મોબાઇલ એપ્લિકેશન દ્વારા મોકલી શકાશે.
- KYCની નિયત તારીખ બાદ: જો ગ્રાહક નક્કી કરેલ તારીખ સુધીમાં KYC અપડેટ નહીં કરે તો બેંકોએ વધુ ત્રણ રિમાઇન્ડર મોકલવા પડશે. તેમાં પણ ફિઝિકલ લેટર ફરજિયાત રહેશે.
- સ્પષ્ટ અને સરળ માહિતી :દરેક સૂચનામાં KYC અપડેટ માટેની માર્ગદર્શિકા, સહાયની પદ્ધતિઓ અને પાલન ન કરવાના પરિણામો સ્પષ્ટપણે જણાવવા પડશે. તેનાથી ગ્રાહકોને પ્રક્રિયા સમજવામાં સરળતા રહેશે.
- ઓડિટ હેતુઓ માટે રેકોર્ડ જાળવવું ફરજિયાત : બેંકોએ મોકલવામાં આવેલી દરેક સૂચનાનો રેકોર્ડ જાળવવો પડશે, જેથી ભવિષ્યના ઓડિટ દરમિયાન તેની તપાસ કરી શકાય. આ પગલાથી પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત થશે.

- ગ્રામીણ વિસ્તારો માટે ખાસ જોગવાઈઓ
- બિઝનેસ કોરસપોન્ડન્ટની ભૂમિકા: ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં રહેતા ગ્રાહકોની સુવિધા માટે બેંકના બિઝનેસ કોરસપોન્ડન્ટ્સ (BC) હવે KYC અપડેટમાં મદદ કરશે. જો ગ્રાહકની માહિતીમાં કોઈ ફેરફાર થયો ન હોય અથવા ફક્ત સરનામું બદલાયું હોય તો ગ્રાહક સેલ્ફ ડિક્લેરેશન આધારે KYC અપડેટ કરાવી શકે છે. BC તેને બેંકની સિસ્ટમમાં ડિજિટલ રીતે દાખલ કરશે.
- જાગૃતિ અભિયાન: RBIએ બેંકોને ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં KYC જાગૃતિ શિબિરો અને ઝુંબેશ ચલાવવાનો નિર્દેશ આપ્યો છે કારણ કે આ વિસ્તારોમાં KYC અપડેટનુ સ્ટેટસ ચિંતાજનક છે.
- લો રિસ્ક ગ્રાહકો માટે ડિસ્કાઉન્ટ : ઓછા જોખમ ધરાવતા ગ્રાહકોને રાહત આપતા RBIએ જણાવ્યું છે કે જો તેમના KYC અપડેટ બાકી હોય તો પણ બેંકો તેમની ટ્રાન્ઝેક્શન સુવિધા બંધ નહીં કરે. જોકે તેમને 30 જૂન 2026 સુધીમાં અથવા KYC ની નિયત તારીખના એક વર્ષની અંદર KYC અપડેટ કરવું પડશે.
- અન્ય નિયમો
RBI એ એક્ટિવ એકાઉન્ટ્સ અને ક્લેમ વગરની ડિપોઝિટ સંબંધિત નિયમોમાં પણ કેટલાક ફેરફારો કર્યા છે, પરંતુ તેમના વિશે વિગતવાર માહિતી બાદમાં શેર કરવામાં આવશે. આ નવા નિયમો સાથે RBIનો ઉદ્દેશ્ય ગ્રાહક સુરક્ષા વધારવા, બેંકિંગ સેવાઓમાં વધુ સુધારો કરવા અને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં KYC પ્રક્રિયાને સરળ બનાવવાનો છે.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ