finance minister pc infra project 105 lakh crore completed by government next five years
નવી દિલ્હી /
2019ના છેલ્લા દિવસે નાણામંત્રીની મોટી જાહેરાત, નવા વર્ષમાં આ પ્રોજેક્ટથી આપણને સીધો લાભ મળશે
Team VTV04:46 PM, 31 Dec 19
| Updated: 05:12 PM, 31 Dec 19
વર્ષ 2019ના અંતિમ દિવસે નાણામંત્રી નિર્મલા સીતારમણે એલાન કર્યું છે કે, આવતા પાંચ વર્ષમાં દેશના ઇન્ફ્રા પાઇપલાઇન માટે 105 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવશે. આ વિશે બનેલા ટાસ્ક ફોર્સની રિપોર્ટ પણ મંગળવારે જાહેર કરવામાં આવી છે.
નોંધનીય છે કે, દેશની અર્થવ્યવસ્થામાં મંદીને જોતા એ વાતની જરૂરિયાત હતી કે સરકારી ખર્ચ વધારવામાં આવે. હવે નાણામંત્રીના આ એલાનથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલી કંપનીઓના વેપારમાં તેજી આવશે. પીએમ મોદીએ પોતાના સ્વતંત્રતા દિવસના ભાષણમાં સૌથી પહેલા આ વાત કહી હતી કે, આવનારા 5 વર્ષમાં દેશના પાયાકીય સેક્ટરમાં 100 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, તેમાંથી મોટા ભાગના પ્રોજેક્ટ્સ હેલ્થ, રેલવે, શહેરી, સિંચાઇ, ડિજીટલ વગેરે સેક્ટર સાથે જોડાયેલા હશે. તેઓએ આગળ કહ્યું કે, ટાસ્ક ફોર્સે ગત ચાર મહીનામાં 70 સ્ટેકહોલ્ડરના સૂચનો લેવા માટે કુલ 70 બેઠકો કરી છે. તેઓએ એમ પણ એલાન કર્યું કે, દેશમાં પહેલીવાર એક નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન (NIP) કોઓર્ડિનેશન મેકેનિઝમની શરૂઆત કરવામાં આવશે.
ગ્લોબલ ઇન્વેસ્ટર્સ મીટનું આયોજન
તેઓએ કહ્યું કે દર વર્ષે એક ગ્લોબલ ઇન્વેસ્ટર્સ મીટ આયોજીત કરવામાં આવશે. આવી પહેલી મીટ 2020ના બીજા અર્ધ વાર્ષિક ગાળામાં થશે. તેઓએ જણાવ્યું કે, 102 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ કેન્દ્રના હશે અને 3 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ રાજ્યોના હશે. જે સ્ટેકહોલ્ડર સાથે વાત કરવામાં આવી છે, તેમા મંત્રાલય, રાજ્ય સરકાર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની, ડેવલપર, બેન્ક વગેરે સામેલ હતા.
નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે, તેમાંથી 39 ટકા કેન્દ્રનો, 39 ટકા ભાગ રાજ્યોનો અને 22 ટકા ભાગ ખાનગી ક્ષેત્રનો હશે. ખાનગી ક્ષેત્રનો ભાગ 2025 સુધીમાં વધારીને 30 ટકા સુધી કરવાની કોશિશ કરવામાં આવશે. તેઓએ જણાવ્યું કે, તેમાંથી 43 ટકા પ્રોજેક્ટ પર કામ શરૂ થઇ ગયું છે.