દિવાળીના પાવન પર્વ નિમિતે આજે અમદાવાદની પાચકુંવા કાપડ માર્કેટ ખાતે વેપારીઑએ 100થી વધુ ચોપડાનું એક સાથે પૂજન કર્યું હતું.
દિવાળીના પાવન પર્વમાં વેપારીઓએ કર્યું ચોપડા પૂજન
દિવાળીના પર્વમાં ચોપડા પૂજન માટે વિશેષ માન્યતા
અમદાવાદના કાપડ માર્કેટના વેપારીઓએ કર્યું ચોપડા પૂજન
દિવાળીના પર્વની રાજ્યભરમાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. દિવાળીના દિવસે વેપારી વર્ગ દ્વારા ચોપડા પૂજનનું વિશેષ મહત્વ હોય છે. ખાસ કરીને વેપારીઓ આખા વર્ષનો હિસાબ રાખવા માટે ચોપડા બનવતા હોય છે જેનું પૂજન કરે છે ત્યારે અમદાવાદના પાચકુંવા કાપડ માર્કેટ ખાતે પણ કાપડ માર્કેટના વેપારીઓ દ્વારા જૂની પરંપરા જાળવી રાખવામાં આવી હતી. આ માટે એક સાથે વેપારીઑ દ્વારા 100થી વધુ ચોપડાઓનું પૂજન કરવામાં આવ્યું હતું.
આવનારુ વર્ષ ફળદાયી નિવડે તે માટે વેપારીઓ કરે છે ચોપડા પૂજન
આ ઉપરાંત શહેરના મોટા ભાગના વેપારીઓ દ્વારા પણ પોતાની દુકાન અને ઓફિસમાં ચોપડા પૂજન કરવામાં આવ્યું હતું. વેપારીઑએ વિધિ-વિધાન અનુસાર ચોપડાનું પૂજન કરી પરંપરાને જાળવી રાખી હતી. નવા વર્ષમાં વેપાર-ધંધામાં બરકત આવે અને આવનારૂ વર્ષ ફળદાયી નિવડે તે માટે વેપારીઓએ ચોપડા પૂજન કર્યુ હતું. બીજી તરફ દિવાળીના તહેવાર નિમિતે મણિનગર સ્વામિનારાયણ મંદિર દ્વારા ચોપડા પૂજન યોજાયું હતું જેમાં પણ મોટી સંખ્યામાં વેપારીઑ જોડાયા હતા. જેમાં અમુક વેપારીઑએ ચોપડાની સાથે લેપટોપનું પણ પૂજન કર્યું હતું.
આજે સોમવારે સોમવતી અમાસ
દિવાળી 2022માં ખુબ જ શુભ સંયોગ સર્જાયો છે. આજે સોમવાર એટલે કે 24 ઓક્ટોબરના રોજ દિવાળી ઉજવવામાં આવી રહી છે. આ શુભ પ્રસંગે અક અદ્ભૂત સંયોગ સર્જાયો છે. દિવાળી દિવસે સાંજના સમય પ્રદોષ કાળમાં લગભગ 5ને 28 મિનીટે અમાવસ તિથી બેસે છે જેનું એક અદ્ભૂત મહિમા છે. એવામાં સોમવાર અને અમાસ તિથી એક જ દિવસ હોવાથી એક અનોખુ સંયોગ સર્જાયો છે. શાસ્રોમાં જણાવ્યું છે કે સોમવારના દિવસે અમાસ તિથી થોડીક્ષણ માટે બેસી જાય તો પણ તેને સોમવતી અમાસ કહેવાય છે. દિવાળીની દિવસે સોમવતી અમાસ હોવાથી તેને દુર્લભ સંયોગ ગણવામાં આવે છે.
આજ રાતથી જ સૂર્યગ્રહણનું સૂતક શરુ
વર્ષ 2022 નું છેલ્લું સૂર્યગ્રહણ 25 ઓક્ટોમ્બરે થવા જઈ રહ્યું છે. આજે દેશભરમાં દિવાળીની ઉજવણી કરવામાં આવી રહી છે અને આજ રાતથી જ સૂર્યગ્રહણનું સૂતક શરુ થશે. આ સૂર્યગ્રહણથી ધણી રીતે વિશેષ છે. સૂર્યમંડળની આ ખૂબ જ ખાસ ઘટના વિશે વાત કરીએ તો 2022 નું આ પહેલું સૂર્યગ્રહણ છે જે ભારતમાં જોવા મળશે. તેથી તેનો સુતક સમયગાળો પણ માન્ય રહેશે. શાસ્ત્રો અનુસાર સૂર્યગ્રહણ દરમિયાન કંઈપણ ખાવાથી નકારાત્મક અસર થાય છે. આવી પરિસ્થિતિમાં આ સમય દરમિયાન રાંધેલો ખોરાક ખાવાની મનાઈ છે. આ દરમિયાન કાપવા અને છોલવાનું કામ પણ વર્જિત માનવામાં આવે છે. આ સમયે નખ કાપવા, કાંસકો લગાવવો પણ શુભ માનવામાં આવતો નથી. બીજી તરફ એક વાતનું પણ ધ્યાન રાખવું કે ગ્રહણ દરમિયાન નકારાત્મક ઉર્જા વધે છે. તેથી ગ્રહણ દરમિયાન કોઈપણ નવું કે શુભ કાર્ય શરુ ન કરવું જોઈએ.