Wednesday, July 17, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

સ્કૅમ / ખાતરકાંડઃ ખેડૂતોની કમાણીમાં ખાતર પાડવાનાં કારસા, વિવાદમાં ભળ્યો રાજકીય રંગ

ખાતરકાંડઃ ખેડૂતોની કમાણીમાં ખાતર પાડવાનાં કારસા, વિવાદમાં ભળ્યો રાજકીય રંગ

રાજ્યમાં મગફળીકાંડ અને તુવેરકાંડ બાદ હવે પ્રકાશમાં આવેલા ખાતર કૌભાંડનો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. ખાતર કૌભાંડ રાજ્યમાં દરેક જિલ્લામાં હાલ વિવાદનું કારણ બન્યું છે. જૂનાગઢથી પ્રકાશમાં આવેલું આ કૌભાંડ ધીમે-ધીમે વડોદરા, રાજકોટ અને બનાસકાંઠામાં પણ બહાર આવ્યું. જૂનાગઢમાં ખાતરકાંડ મામલે રાજ્યભરમાં ખેડૂતોમાં રોષ જોવાં મળી રહ્યો છે. જેને લઈને આજે પાંચમા દિવસે પણ ખાતરનું વેચાણ બંધ છે.

રાજ્યમાં મગફળીકાંડ અને તુવેરકાંડ બાદ હવે પ્રકાશમાં આવેલા ખાતર કૌભાંડનો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. ડીએપી ખાતરની પ્રતિબોરી દીઠ છસો થી આઠસો ગ્રામ વજન ઓછું હોવાનું સામે આવ્યાં બાદ ખાતર એક વ્યવસ્થિત પણે ચાલતા કૌભાંડ સામે શંકા ઉભી થઈ રહી છે. ખાતર કંપનીઓ દ્વારા એક આયોજિત રીતે કૌભાંડ આચરાતું હોવાની શંકા ખેડૂત વર્ગમાં પ્રબળ બની રહી છે ત્યારે હવે આ કૌભાંડમાં રાજકીય રંગ પણ ભળ્યો છે. ત્યારે જોઈએ આ ખેડૂતોની કમાણીમાં ખાતર પાડવાનાં એક કારસાનો આ અહેવાલ.

રાજ્યમાં ખેડૂતોની આવક બમણી કરી દેવાનાં દાવાઓ કરવામાં આવી રહ્યાં છે. લોન માફી અને વીજબીલ માફી અને પાકવીમા વળતરનાં વિવિધ પગલાંઓ દ્વારા ખેડૂતોનાં રોષ શમાવવાનાં પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ત્યારે હજુ આમાં સરકારને સફળતા મળે ન મળે તે પહેલાં ખેડૂતોમાં ફરીવાર અસંતોષ વ્યાપે તેવું ખાતરનું કૌભાંડ બહાર આવ્યું.

ડીએપી ખાતરની પ્રતિ બેગ દીઠ છસોથી આઠસો ગ્રામ ખાતરની ઘટ હોવાનું માત્ર કોઈ એક ડેપોમાં નહીં પરંતુ રાજ્યનાં તમામ વિસ્તારોમાં હોવાનું બહાર આવ્યું છે. આટલી મોટી ઘટ સામે આવી ત્યારે પહેલાં તો ખાતર કંપનીએ આ ઘટ કોઈ વચેટિયાઓનાં કારણે હોવાનું જણાવી હાથ અદ્ધર કરી દીધાં હતાં. પરંતુ રાજ્યવ્યાપી ખાતરઘટ સામે આવ્યાં બાદ ખાતર કંપનીએ આ માટેનું કારણ મશીનરી અને ટેકનિકલ જણાવ્યું છે.

ત્યારે હવે ખાતરઘટની માત્રાનો સવાલ તો ઊભો જ છે સાથે સાથે તેનાં સમયગાળાનો પણ સવાલ ઊભો થયો છે. ભલે આયોજિત રીતે ચાલતું ખાતરઘટ કૌભાંડ હાલ પ્રકાશમાં આવ્યું હોય પરંતુ આજથી દોઢ કે બે વર્ષ પહેલાની ડીએપી ખાતરની થેલીનું વજન કરવામાં આવે તો પણ તેમાં છસો ગ્રામ જેટલું ઓછું વજન હોવાંની વાત સામે આવી છે.

જો સમય અને ખાતરઘટની સરાસરી કાઢવામાં આવે તો એક મોટો જથ્થો ખેડૂતોને આપ્યાં વગર જ તેમની પાસેથી નાણાં ખંખેરી લીધાં હોવાનું બહાર આવે તેમ છે. આ બાબતે હાલ રાજકીય રૂપ ધારણ કર્યું છે. ખાતરની દોઢ વર્ષ જૂની થેલી લઈને ધારાસભ્ય હર્ષદ રિબડીયા આજે સ્વર્ણિમ સંકુલ પહોંચ્યાં હતાં. તે થેલીમાં પણ છસો ગ્રામ ખાતર ઓછું હોવાનો દાવો કર્યો હતો. જો કે, સ્વર્ણિમ સંકુલમાં વિરોધ પ્રદર્શન કરતા કોંગ્રેસનાં ધારાસભ્ય હર્ષદ રિબડીયા અને તેમનાં સમર્થકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

ખાતર કૌભાંડ રાજ્યમાં દરેક જિલ્લામાં હાલ વિવાદનું કારણ બન્યું છે. જૂનાગઢથી પ્રકાશમાં આવેલું આ કૌભાંડ ધીમે-ધીમે વડોદરા, રાજકોટ અને બનાસકાંઠામાં પણ બહાર આવ્યું. જૂનાગઢમાં ખાતરકાંડ મામલે રાજ્યભરમાં ખેડૂતોમાં રોષ જોવાં મળી રહ્યો છે. જેને લઈને આજે પાંચમા દિવસે પણ ખાતરનું વેચાણ બંધ છે. તો આ તરફ રાજકોટનાં જેતપુરમાં પણ પાંચમા દિવસે પણ ખાતરનું વેચાણ બંધ છે.

તોલ-માપ વિભાગે તપાસ કર્યા બાદ વેચાણ બંધ કરવામાં આવ્યું છે. ચોમાસું નજીક હોવાંથી ખાતર ન મળતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયાં છે. તો આ બાજુ  અમરેલીમાં કોંગ્રેસ દ્વારા હોબાળો કરવામાં આવ્યો. ખેડૂતો છકડો રિક્ષામાં બેસી અને ખાતર ડેપો પહોંચ્યાં હતાં. ત્યાંથી ખેડુતો અને કોંગ્રેસનાં આગેવાનો કલેક્ટર કચેરીએ પહોંચીને ખાતરધટ બદલ વળતરની માંગ કરી હતી. વડોદરામાં પણ ખેડૂતોમાં ઉગ્ર રોષ જોવાં મળી રહ્યો છે. વડોદરામાં ખાતર મુદ્દે કોંગ્રેસનાં કાર્યકરો દ્વાર મળીને દરોડા પાડવામાં આવ્યાં. જ્યાં ખાતરનાં ગોડાઉન પર જતા સમયે 50 જેટલાં કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

ખાતર કૌભાંડ બાદ ખેડૂતોમાં વ્યાપક બનતા જતા રોષને જોતાં હવે આ મુદ્દે ચૂપ બેઠેલી સરકારે હવે ધીમી ગતિએ સક્રીય જણાઈ રહી છે. આ મામલે હવે સીએમ વિજય રૂપાણીએ રિપોર્ટ મગાવ્યો હતો જે આદેશ બાદ GSFCનાં MD ઉપરાંત મુખ્ય સચિવ, કૃષિ અગ્ર સચિવે એક બેઠક યોજી હતી. જેમાં હાલ તો ખેડૂતોને ઓછાં વજનવાળી ખાતરની બેગ બદલી આપવાનો અને જે તે ડેપો પરથી વજન કર્યા બાદ જ ખેડૂતોને ખાતર આપવાનો નિર્ણય લેવાયો છે. જો કે આ નિર્ણયને ખેડૂતો પોતાની કમાણીમાં પડેલા ખાતરની ભરપાઈ તરીકે જુએ છે કે કેમ તે તો ખેડૂતોનાં ભાવિ પગલાં પરથી ખબર પડશે.

 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ