બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / દીકરાએ કરી બાપની હત્યા, સગા મામાએ ભાણિયાને મારી નાખ્યો, ભાઇએ ભાઇનું કાસળ કાઢી નાખ્યું, મહારાણા પ્રતાપને ગાદીંએ બેસવા ન દેવા માટે કોણે કુટીલ દાવ ખેલ્યો?

વિવાદ / દીકરાએ કરી બાપની હત્યા, સગા મામાએ ભાણિયાને મારી નાખ્યો, મહારાણા પ્રતાપને રાજગાદીએ બેસવા ન દેવા માટે કોણે કુટીલ દાવ ખેલ્યો?

Last Updated: 10:07 AM, 30 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાનના મેવાડમાં નવા મહારાણાના રાજ્યાભિષેકને લઈને થયેલો વિવાદ તાજો છે. રાજસ્થાનમાં મહારાણા પ્રતાપના વંશજ અને ઉદયપુરના રાજવી પરિવારના સભ્ય પૂર્વ સાંસદ મહેન્દ્ર સિંહ મેવાડના અવસાન બાદ સોમવારે તેમના મોટા પુત્ર વિશ્વરાજ સિંહ અને તેમના કાકાના પરિવાર વચ્ચે રાજ્યાભિષેકને લઈને વિવાદ વકર્યો હતો. મહેન્દ્ર સિંહ મેવાડના ભાઈ અરવિંદ સિંહ મેવાડના પરિવારે વિશ્વરાજસિંહના રાજ્યાભિષેક પર નારાજગી વ્યક્ત કરી હતી. આ તો થઇ આજની વાત પણ ઇતિહાસના પન્ના ઉલટાવીએ ત્યારે જેનું નામ સાંભળીને દુશ્મનોની છાતીના ધબકારા વધી જાય એવા મહારાણા પ્રતાપ, રાણા સાંગા, રાણા કુંભા, મહારાણી કર્માવતી જેવા વીર અને મહાન ચરિત્રોથી ઉજળા એવા મેવાડમાં રાજગાદી હડપવા માટે કેવા કેવા ષડયંત્રો રચાયેલા હતા? ખુદ મહારાણા પ્રતાપસિંહને રાજગાદી પર બેસવા ન દેવા માટે કોણ કુટીલ ચાલ ચાલી રહ્યું હતું?

ઓમ નમ: શિવાય...ઓમ નમ: શિવાય...ઓમ નમ: શિવાય...
કુંભલગઢના શિવ મંદિરના ગર્ભગૃહની દિવાલોમાં એ તેજસ્વી વીરપુરુષનો ઘેઘુર નાદ પડઘાઇ રહ્યો હતો. ભગવાન શિવજીની પૂજામાં એકરૂપ બની ગયેલા એ વીરપુરુષની તલવાર મેવાડ સામે આંખ ઉંચી કરનારના દાંત ખાંટા કરી નાખતી હતી. એ વીરપુરુષ હતા મહારાણા કુંભા.

મેવાડ સિસોદીયા રાજવંશના પરાક્રમી શાસકોમાં મહારાણા કુંભકર્ણની ગણના થાય છે. રાણા કુંભા એટલે સિસોદીયા રાજવંશના રત્ન. વીરતા અને વિદ્વતાનો સમન્વય. મહારાણા કુંભકર્ણ મહારાણા મોકલના પુત્ર હતા. મહારાણા મોકલની દગાથી હત્યા થઇ હતી. મહારાણા કુંભાએ એમના પિતાના મામા રણમલ રાઠોડની મદદથી પિતા મોકલની હત્યાનો બદલો લીધો. મહારાણા કુંભાને ત્રણ સંતાનો હતા જેમાં બે પુત્રો ઉદાસિંહ, રાણા રાયમલ અને રાણાને એક પુત્રી રમાબાઈ (વાગીશ્વરી) હતી.

વર્ષ 1437 રાણા કુંભાએ સારંગપુર પાસે માળવાના સુલતાન મહમૂદ ખિલજીને ખરાબ રીતે હરાવ્યો અને આ વિજયના સ્મારક તરીકે ચિત્તોડના પ્રખ્યાત વિજય સ્તંભનું નિર્માણ કર્યું . સિંહાસન સંભાળ્યાના સાત વર્ષની અંદર, રાણા કુંભાએ સારંગપુર, નાગૌર, નારાણા, અજમેર, મંડોર,માંડલગઢ, બુંદી વગેરેના મજબૂત કિલ્લાઓ જીતી લીધા અને દિલ્હીના સુલતાન સૈયદ મુહમ્મદ શાહ અને ગુજરાતના સુલતાન અહેમદ શાહને પણ રણમેદાનમાં ભૂંડી હાલના હરાવ્યા.

રાણા કુંભાના દુશ્મનોએ એમની કારમી હારનો બદલો લેવા બહું હવાતિયા મારી જોયા પણ રાણાની પ્રચંડ પરાક્રમશક્તિ અને રણનીતિ આગળ કોઇ ફાવ્યા નહીં. મોટાભાગના રાજસ્થાન અને ગુજરાતના કેટલાક ભાગો જીતીને રાણા કુંભાએ મેવાડને મહારાજ્ય બનાવ્યું.

વીરતા અને વિદ્વતા
એકલિંગજી મહાદેવમાં પ્રચંડ આસ્થા ધરાવતા મહારાણા કુંભકર્ણ વેદ, સ્મૃતિ, મીમાંસા, ઉપનિષદ, વ્યાકરણ, રાજનીતિ અને સંગીતમાં નિપુણ હતા. સંગીત પર એમણે સંગીતરાજ, સંગીત મીમાંસા અને સૂડપ્રબંધ નામના ઉત્કૃષ્ટ કોટીના ગ્રંથોની રચના કરી છે. વીણા વાદન સારું કરી શકતા. ચાર નાટકોનું એમણે સર્જન કર્યું હતું જેમાં મહારાષ્ટ્રી, કર્ણાટકી અને મેવાડી ભાષાનો પ્રયોગ છે.

મેવાડના રાણા કુંભાના સ્થાપત્ય યુગને સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. એમણે મેવાડના 84 કિલ્લાઓમાંથી 32 કિલ્લાઓ બંધાવ્યા, મંદિરો અને તળાવો બનાવ્યા. કુંભલગઢનો પ્રખ્યાત કિલ્લો તેમની દેણ છે. તેમણે બંસતપુરની પુનઃ સ્થાપના કરી અને શ્રી એકલિંગજીના મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો. ચિત્તોડનો કીર્તિસ્તંભ એ વિશ્વની અનન્ય રચનાઓમાંની એક છે. ચિત્તોડ કિલ્લામાં જ વિષ્ણુને સમર્પિત કુંભશ્યામજી મંદિર પણ રાણા કુંભાએ બનાવ્યું હતું. રાણા કુંભા ચિતોડના એક શ્રેષ્ઠ શાસક હતા.

Maharana_Kumbhakarna_of_Mewar

વીરતા અને વિદ્વતા બંનેનો જેમનામાં સંયોગ હતો એવા મહારાણા કુંભા

અને એક દિવસ…
એક દિવસ રાણા કુંભા શિવજીની આરાધનામાં એકાકાર હતા ત્યારે પાછળથી એક ઓળો એમની પાછળ ચૂપકીદીથી બિલ્લીપગે ધસી આવ્યો. એણે હળવેકથી કટાર કાઢી અને રાણા કુંભા પર પ્રહાર કરીને એમની હત્યા કરી નાખી. એક પણ ક્ષણ માટે એના હાથ ન થડક્યા. એની આંખમાં મેવાડની રાજગાદીની લાલસા ટપકતી હતી. રાણા કુંભાની હત્યા કરનાર એનો સગ્ગો દીકરો હતો. એનું નામ ઉદયસિંહ. ઉદયસિંહ પ્રથમ. આખી જિંદગીમાં એક પણ યુદ્ધ ન હાર્યાનું જેમના માટે કહેવાય છે એ રાણા કુંભાનું પોતાના જ સગા દીકરાના હાથે મૃત્યું થયું. માત્ર રાજગાદી વહેલી મેળવવાની ઉતાવળમાં એણે એના સગા બાપનું માથુ વાઢતા વિચાર ન કર્યો. મેવાડના સિસોદીયા રાજવંશનું આ એક કલંકિત પ્રકરણ છે.

THUMB-2

પ્રખ્યાત કુંભલગઢનો કિલ્લો કે જેનું નિર્માણ મહારાણા કુંભાએ કર્યું હતું.

ઉદયસિંહનું મૃત્યુ: વીજળી પડી કે પછી…
રાણા કુંભાના મૃત્યુ બાદ ઉદયસિંહ પ્રથમ ગાદીએ તો આવ્યો પણ ઘણા સામંત સરદારોમાં તેના પ્રત્યે નારાજગી હતી. સામાન્ય રીતે એવો મત છે કે ઉદયસિંહનું વીજળી પડવાથી મૃત્યુ થયું હતું પરંતુ ઇતિહાસના બીજા એક મત પ્રમાણે રાણા કુંભાના દીકરા રાયમલ ઉદયસિંહના મૃત્યુ પાછળ જવાબદાર બન્યા હતા.

મહારાણા કુંભકર્ણસિંહ બાદ એમના પુત્ર રાયમલ મહારાણાનો રાજયાભિષેક થયો. માળવાના સુલતાન ગ્યાસશાહે ચિતોડ પર હુમલો કર્યો. રાયમલે ગ્યાસશાહની સેનાને ધૂળ ચાટતી કરી દીધી. ગ્યાસા શાહના મર્યા બાદ એનો પુત્ર નાસિરશાહ માળવાનો સુલતાન બન્યો. પોતાના પિતાના પરાજયનો બદલો લેવા માટે એણે મહારાણા રાયમલ પર ચડાઇ કરી. નાસિર શાહની પણ એના બાપ જેવી હાલત કરી નાખી મહારાણા રાયમલે. નાસિર શાહની સેનાને પારોઠના પગલા ભરવા પડ્યા અને એ માંડૂ પરત આવી ગયો.


મહારાણા સાંગા: જેનું નામ સાંભળીને દુશ્મનોના હાજા ગગડી જતા!
મહારાણા રાયમલનો સૌથી મોટો પુત્ર પૃથ્વીરાજ પણ પરાક્રમી અને સાહસી હતો. બાજની જેમ દુશ્મન પર આક્રમણ કરતા પૃથ્વીરાજને રાજસ્થાનના ઇતિહાસમાં ઉડણા પૃથ્વીરાજ તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વીરાજ બાદ દ્વિતીય રાજકુમાર સંગ્રામસિંહ મેવાડની ગાદીએ આવ્યા. સંગ્રામસિંહ ઇતિહાસમાં રાણા સાંગા તરીકે ઓળખાય છે.

રાણા સાંગાએ ઇબ્રાહીમ લોદીને ટક્કર આપી. હાડૌતી (કોટા-બૂંદી) ક્ષેત્રમાં ખાતોલી સ્થાનમાં બંને સેનાઓ વચ્ચે ભીષણ યુદ્ધ લડાયું. જેમાં મેવાડે વિજયના વાવટા ફરકાવ્યા. સુલતાન ઇબ્રાહીમ લોદી રણમેદાન છોડીને ભાગવા મજબૂર થયો. જોકે આ યુદ્ધમાં મહારાણા સાંગાનો એક હાથ તલવારના પ્રહારથી કપાઇ ગયો. અને પગના ઘૂંટણમાં તીર લાગવાથી હંમેશા માટે તેઓ ખોડંગાતા ચાલતા રહ્યા. અલબત આમ છતા પણ એમની હાજરી માત્રથી રણમેદાનના દુશ્મનોના હાજા ગગડી જતા હતા!

મહારાણા સંગ્રામસિંહના કાર્યકાળમાં યુદ્ધના ઇતિહાસમાં એક નવું પરિવર્તન આવ્યું. મોગલ બાદશાહ બાબરે કાબુલથી ભારત પર ચડાઇ કરી. એ સૌ પહેલા ભારતમાં તોપ લઇને આવ્યો હતો. બાબર અને ઇબ્રાહમ લોદી વચ્ચે પાણીપતના મેદાનમાં યુદ્ધ થયું કે જે પાણીપતના યુદ્ધ તરીકે ઓળખાય છે. આ યુદ્ધમાં ઇબ્રાહીમ લોદીની હાર થઇ. બાબર દિલ્હીની ગાદીએ બેઠો. એ સમયે રાણા સાંગા સૌથી શક્તિશાળી હિન્દુ રાજા હતા.

રાણા સાંગા અફઘાનોની સત્તા ઉથલાવીને દિલ્હીમાં હિન્દુઓની સત્તા સ્થાપિત કરવા માગતા હતા. દિલ્હી પર વર્ચસ્વ માટે જંગ ખેલાયો ખાનવાના મેદાનમાં. તારીખ 16 માર્ચ, 1527ના રોજ આગરાથી 35 કિમી દૂર આવેલા ખાનવા ગામમાં થયેલા આ યુદ્ધમાં બાબરની જીત થઇ અને મોગલ સામ્રાજયના પાયા નખાયા.

451px-Photo_of_Rana_Sanga_from_Udaipur_Museum_(From_my_Camera)

ઉદયપુર મ્યુઝિયમમાં મહારાણા સાંગાનું ચિત્ર

રતનસિંહ, રત્નજડિત તાજ અને કિંમતી કમરપટ્ટો
મહારાણા સંગ્રામસિંહના ભોજરાજ, રતનસિંહ, વિક્રમાદિત્ય અને ઉદયસિંહ(દ્વિતીય) નામના ચાર પુત્રો હતા. ભોજ રાજાના વિવાહ પ્રસિદ્ધ કૃષ્ણ ભક્ત કવિયત્રી મીરાબાઇ સાથે થયા હતા. મહારાણા સંગ્રામસિંહના નિધન બાદ એમના બીજા પુત્ર રતનસિંહ મેવાડના રાજા બન્યા. રતનસિંહને એમના ભાઇ વિક્રમાદિત્ય સાથે મતભેદ હતા. સંગ્રામસિંહે વિક્રમાદિત્યને સાંઠ લાખ રૂપિયા વાર્ષિક આવક વાળા રણથંભૌરના કિલ્લાનું સુકાન સોંપ્યું હતું. રતનસિંહ નિર્ભિક અને સાહસી હતા. એમના રાજમાં લોકોને ચોરી અને લૂંટનો કોઇ ભય  ન હતો. જોકે રતનસિંહના ભાગ્યમાં એમના જ સગા મામાના હાથે મૃત્યુ લખાયું હતું.

રતનસિંહના મામા મહારાણા સૂરજમલ હાડા કે જેઓ મહારાણા સાંગાની મહારાણી કર્માવતીના ભાઇ હતા. સાંગાના સ્વર્ગવાસ બાદ બે રાજકુમાર વિક્રમાદિત્ય અને ઉદયસિંહની રક્ષા માટે રણથંભોરના કિલ્લામાં રહેતા હતા. મહારાણી કર્માવતી પણ એ જ કિલ્લામાં રહેતા હતા.  હવે મહારાણા સાંગા સાથેના યુદ્ધમાં હાર પામ્યા બાદ બાદશાહ મહમૂદે એના રત્નજડિત તાજ અને કિંમતી કમરપટ્ટો આપેલો. આ બંને કિંમતી વસ્તુઓ રણથંભોરના કિલ્લામાં સૂરજમલ પાસે હતી. રતનસિંહે રાવત પૂર્ણમલને મોકલીને આ વસ્તુઓ પાછી માગી તો મહારાણી કર્માવતીએ મનાઇ કરી. રતનસિંહ સૂરજમલ પર કોપાયમાન થયા. એ સમયે બુન્દી રાજ્ય મેવાડને આધીન હતું. રતનસિંહે મહારાણા સૂરજમલને ચિતૌડ બોલાવ્યા પણ વિશ્વાસઘાતથી મારી નાખવાની આશંકાથી સૂરજમલે ત્યાં જવાનું ટાળ્યું.

એકવાર મહારાણા રતનસિંહ શિકાર માટે બુંદી તરફ જવા રવાના થયા. સૂરજમલ અને રતનસિંહે બાજણામાં મળવાનું નક્કી કર્યું. મહારાણા સૂરજમલ ઘોડા પર સવાર હતા ત્યારે રતનસિંહે પોતાના હાથીને સૂરજમલ તરફ દોડાવ્યો. જોકે સદમનસીબે મહારાણા સૂરજમલ બચી ગયા. રતનસિંહે મહારાણા સૂરજમલ પર તલવારથી હુમલાનો પ્રયાસ કર્યો. એ સમયે રાવત પૂર્ણમલે પણ સૂરજમલની સામે એક તીર છોડ્યું. જે સૂરજમલની છાતી સોંસરવું નીકળી ગયું. જોકે ગંભીર ઇજાગ્રસ્ત હોવા છતા પણ સૂરજમલે દોડીને પૂર્ણમલને કટાર મારી દીધી. રતનસિંહે ફરી વાર પ્રહાર કરવાની કોશિશ કરી તો સૂરજમલસિંહે મહારાણા રતનસિંહ પર કટારથી પ્રહાર કર્યો જેમાં રતનસિંહ મૃત્યુ પામ્યા.

ચિતોડ પર ગુજરાતના સુલતાન બહાદુરશાહનું આક્રમણ
રતનસિંહના મૃત્યુ પામ્યા બાદ વિક્રમાદિત્ય ગાદીએ આવ્યા. અલબત વિક્રમાદિત્યમાં વહીવટી ક્ષમતાનો અભાવ હતો. એક શાસક તરીકે તેઓ બિલકુલ અયોગ્ય હતા. મેવાડના સામંતો વિક્રમાદિત્યને રાજા તરીકે સ્વીકારવા તૈયાર ન હતા. સામંતોમાં નારાજગી પ્રવર્તતી હતી. રાજ્ય વ્યવ્સથા અને શાસન સંચાલનની કથળેલી પરિસ્થિતિનો લાભ લીધો ગુજરાતના સુલતાન બહાદુરશાહે. બહાદુરશાહે એક વિશાળ સેના એકત્રિત કરીને ચિતોડ પર ચડાઇ કરી.  ઉમરાવોની સલાહ પ્રમાણે મહારાણા વિક્રમાદિત્ય અને નાના ભાઇ ઉદયસિંહને ચિતોડથી એમના મોસાળ બૂંદી મોકલી દેવામાં આવ્યા અને યુદ્ધની જવાબદારી પ્રતાપગઢના શાસક મહારાવત બાઘસિંહને સોંપવામાં આવી. બહાદુરશાહની તોપો ચિતોડના કિલ્લા પર ગોળાઓ વરસાવી રહી હતી.

જબ આંચ વતન પેં આતી હૈ!
આ યુદ્ધમાં મહારાણા સંગ્રામસિંહની રાઠોડ મહારાણી જવાહરબાઇ પુરુષ સૈનિકનો વેશ ધારણ કરીને રણમેદાનમાં ચડી આવી. જવાહરબાઇ માતૃભુમિની રક્ષાકાજે લડતા-લડતા વીરગતિ પામી. બહાદુરશાહની મહાકાય સેના સામે બાથ ભીડવી આસાન ન હતી. રાજમાતા કર્માવતીની આગેવાનીમાં હજારો રજપૂતાણીઓએ પોતાના સન્માનની રક્ષા માટે અગનકૂંડમાં સામૂહિક રીતે જૌહર કર્યું. આ ચિતોડનું બીજુ જોહર કહેવામાં આવે છે. રાવત બાઘસિંહ સહિત અસંખ્ય રાજપૂતોના કેસરિયા બલિદાનોથી ચિતોડની માટી લાલ બની. કિલ્લા પર બહાદુરશાહનો અધિકાર થયો. જોકે પછી મેવાડના યુદ્ધમાં બચેલા રજપૂતોએ પોતાની સેનાને સંગઠિત કરીને બહારથી ચિતોડ પર આક્રમણ કર્યુ અને બહાદુરશાહની સેનાને હરાવીને કિલ્લા પર પુન: અધિકાર મેળવ્યો.

Rani_karnavati

મહારાણી કર્માવતીએ જ્યારે પોતાના સન્માનના રક્ષણ માટે જૌહર કર્યું

જ્યારે ઉત્સવના માહોલમાં વિક્રમાદિત્યની હત્યા થઇ!
1535માં હાર બાદ પણ વિક્રમાદિત્યનો સ્વભાવ સુધર્યો ન હતો. એક દિવસ તેણે એક આદરણીય વૃદ્ધ સરદારનું અપમાન કર્યું. આનાથી ઉશ્કેરાયેલા મેવાડના ઉમરાવોએ વિક્રમાદિત્યને કેદ કર્યા. ઉદયસિંહ(દ્વિતીય)ની મેવાડ રાજગાદીના વારસદાર તરીકે પસંદગી થઇ. આ દરમિયાન વનવીર સિંહે(પૃથ્વીરાજ અને એની ઉપપત્નીનું સંતાન) વિક્રમાદિત્ય વિરુદ્ધ સૈનિકોને ભડકાવ્યા. પોતાને સિંહાસનનો યોગ્ય હકદાર માનતો વનવીર વિક્રમાદિત્યનું કાસળ કાઢી નાખવા માગતો હતો.

વર્ષ 1537ની એક સાંજે રાજ્યમાં ‘દીપદાન’ નામનો મહાઉત્સવ યોજાયો હતો. વનવીરે આ ઉત્સવનો લાભ લઇને જેલમાં બંધ વિક્રમાદિત્યની હત્યા કરી નાખી. સત્તામાં અંધ બનેલો વનવીર હવે ઉદયસિંહને સત્તા આડેથી દૂર કરવાની વેતરણમાં હતો.

આપણે જૂનાગઢના રા'નવઘણને બચાવવા  દેવાયત બોદર- સોનબાઇએ આપેલા દીકરા ઉગાની બલિદાનની કથાથી સારી પેઠે વાકેફ છીએ. મેવાડમાં આવું જ એક પ્રકરણ પન્નાદેવીનું છે. પન્ના દેવી ઉદયસિંહની ધાઇ માતા(આયા) હતી. મેવાડ પ્રત્યેની પોતાની વફાદારીને પહેલા ક્રમે મુકતા પન્નાદેવીએ વનવીરથી બચાવવા માટે ઉદયસિંહને સ્થાને પોતાના દીકરા ચંદનને સુવડાવી દીધો અને ઉદયસિંહને વિશ્વસનીય સેવકો દ્વારા કુંભલગઢની બહાર મોકલી દીધા. વનવીરે પન્નાદેવીના પુત્રને ઉદયસિંહ સમજીને તલવારથી મારી નાખ્યો!

તમે વિચાર કરો કે જો ઉદયસિંહ દ્વિતીયને એ દિવસે પન્ના ધાઈ દ્વારા બચાવવામાં આવ્યા ન હોત તો? રાષ્ટ્રભક્તિ અને દેશપ્રેમનું પન્ના ધાઇ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. પન્ના ધાઇનો ઇતિહાસ ગવાહી આપે છે કે રાષ્ટ્રના ભાવિની રક્ષાકાજે આ દેશની માતાઓ પોતાના સગા દીકરાનું બલિદાન આપતા પણ અચકાતી નથી!

Maharana_Pratap_By_Surendra_Singh_Shaktawat

કોણ મહારાણા પ્રતાપને રાજા બનાવવા માગતુ ન હતું?
આગળ જતા મહારાણા ઉદયસિંહ પણ મેવાડની શાનના રક્ષણાર્થે હંમેશા મોખરે રહ્યા. મહારાણા ઉદયસિંહના સૌથી મોટા પુત્ર એટલે  વીર પ્રતાપી મહારાણા પ્રતાપસિંહ. મહારાણા પ્રતાપની માતા એટલે જયવંતાબાઇ. ઉદય સિંહ તેમના પ્રથમ પુત્રના જન્મ પછી જયવંતા બાઈથી અલગ થઈ ગયા હતા. ઉદય સિંહ સૌથી નાની રાણી ધીરબાઈ ભાટિયા પ્રત્યે વધુ ઝુકાવ ધરાવતા હતા, આથી ધીરબાઇની ચડવણીથી મહારાણા પ્રતાપને બદલે  તેમણે ધીરબાઈના પુત્ર જગમાલ સિંહને તેમના અનુગામી તરીકે જાહેર કર્યા. જોકે મહારાણા પ્રતાપની કુશળતા જોઈને મોટા ભાગના સિસોદિયા રાજપૂતો તેમને ગાદી માટે લાયક માનતા હતા.

ઇતિહાસકાર ડૉ.ચંદ્રશેખર શર્મા કહે છે એ પ્રમાણે ધીરબાઇ ભટિયાણીએ હંમેશાં મહારાણા ઉદયસિંહને મહારાણા પ્રતાપ અને જયવંતાબાઇ વિરુદ્ધ ભડકાવવાની કોશિશ કરી હતી. જગમાલને ઉદય સિંહે મેવાડના ઉત્તરાધિકારી તરીકે ઘોષિત કર્યો. જ્યારે મહારાણા ઉદય સિંહનું અવસાન થયું ત્યારે મેવાડના સામંતો અને જનતાએ ગોગુંદાના સ્મશાનમાં રાણા પ્રતાપને જોયા. તેમણે પ્રતાપને સ્મશાનમાં હાજર રહેવાનું કારણ પૂછ્યું, કારણ કે નિયમ મુજબ રાજગાદી ખાલી ન રહે એ માટે જેનો રાજ્યાભિષેક થવાનો હોય એ સૌથી મોટા પુત્રએ પિતાના અગ્નિ સંસ્કારમાં હાજરી ન આપવાની હોય.  

રાણા પ્રતાપે કહ્યું,‘ભાઇ જગમાલનો રાજ્યાભિષેક થાય એવો પિતાજીનો આદેશ હતો. એટલે અત્યારે હું અહીં છું.’ મહારાણા પ્રતાપે પોતે સર્વશ્રેષ્ઠ હોવાની વાત પણ ન ઉચ્ચારી. મેવાડની આમ જનતા અને મેવાડના હિતેચ્છુ સામંતોએ જ્યારે આ સાંભળ્યું ત્યારે સ્મશાનમાં આવેલા મહાદેવ મંદિરના ચબૂતરો પાસે બેસાડીને મહારાણા પ્રતાપનું રાજતિલક કર્યું. કહ્યું,'જગમાલ નહીં, પણ તમે અમારા રાજા છો'. મહારાણા પ્રતાપની રાજા તરીકેની પસંદગી મેવાડની જનતાએ કરી હતી. વિશ્વના ઇતિહાસમાં આ અભૂતપૂર્વ દાખલો છે!

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Maharana Pratap Lakshyarajsingh Mewar Mewar dynasty controversy
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ