કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ખેડૂતોના આંદોલનને લઈને કોંગ્રેસ પર જોરદાર હુમલો કર્યો છે. અમિત શાહે કોંગ્રેસે પૂછ્યું કે આખરે કોંગ્રેસે ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયા કેમ ન આપ્યા?
કૃષિ કાયદા મુદ્દે ફરીથી તેમણે કહ્યું કે નવા કૃષિ કાયદાથી ખેડૂતોની આવકમાં વધારો થશે. તેમણે કહ્યું કે હું તે કોંગ્રેસ નેતાઓને પૂછવા માંગુ છું જે ખેડૂતોના પક્ષમાં વાત કરી રહ્યા છે. તમે ખેડૂતોને છ હજાર રૂપિયા કેમ ન આપ્યા? જયારે તમે તો સત્તામાં હતા.
અમિત શાહે કહ્યું કે નરેન્દ્ર મોદી સરકાર ખેડૂતોનું કલ્યાણ કરવા માટે કટિબદ્ધ છે. ત્રણ કૃષિ કાયદાથી ખેડૂતોની આવકમાં વધારો થવાનો છે અને હવે તો ખેડૂતો દેશ અને દુનિયામાં કોઇ પણ જગ્યાએ પાક વેચી શકશે. તેમણે કહ્યું કે ભારત સરકારની પ્રાથમિકતા છે કે ખેડૂતોની આવક વધારવામાં આવે.
નોંધનીય છે કે કૃષિ કાયદાના વિરોધમાં અત્યારે પણ આંદોલન ચાલી રહ્યું છે. એક તરફ જ્યાં સરકાર અને ખેડૂત અગ્રણીઓ વચ્ચે વાતચીત ચાલી રહી છે અને બીજી તરફ સુપ્રીમ કોર્ટમાં પણ મામલો ચળાઈ રહ્યો છે. ત્યારે મુદ્દાનો અંત ક્યારે આવશે તેના પર કોઇ જ રસ્તો દેખાઈ રહ્યો નથી ત્યારે કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ફરીવાર કહ્યું છે કે સરકાર ખુલ્લા મનથી વાતચીત કરવા માટે તૈયાર છે.
નોંધનીય છે કે હવે 19મી જાન્યુઆરીએ ફરીથી ખેડૂતો અને સરકાર વચ્ચે ચર્ચા થવાની છે ત્યારે કૃષિ મંત્રીએ કહ્યું છે કે કૃષિ કાયદા પર વિગતવાર ચર્ચા કરીશું સાથે સાથે તેમણે ફરીવાર કહ્યું કે કૃષિ કાયદા તો રદ નહીં જ થાય.