Farmers protest against purchase of chickpeas at Babra Marketing Yard in Amreli
કૃષિ વિભાગ /
અમરેલીના બાબરાના માર્કેટિંગ યાર્ડમાં ચણાની ખરીદીમાં હોબાળો, આ કારણે ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ
Team VTV11:09 PM, 20 Mar 21
| Updated: 11:13 PM, 20 Mar 21
અમરેલી જિલ્લામાં ટેકાના ભાવે ચણાની ખરીદીમાં ચણા રિજેક્ટ થતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો.
બાબરા માર્કેટિંગ યાર્ડમાં ચણાની ખરીદીમાં હોબાળો
ચણા રિજેક્ટ થતા હોબાળો
5 ખેડૂતોના ચણા કરાયા રિજેક્ટ
અમરેલીના બાબરાના માર્કેટિંગ યાર્ડમાં ચણાની ખરીદીમાં હોબાળો થયો હતો. ટેકાના ભાવે ચણાની ખરીદીમાં ચણા રિજેક્ટ થતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. માર્કેટિંગ યાર્ડ ખાતે 48 જેટલા ખેડૂતોને બોલાવામાં આવ્યા હતા. જેમાંથી 5 ખેડૂતોના ચણા રિજેકટ કરવામાં આવ્યા હતા. ખેડૂતોએ વિરોધ કરતા મામલતદાર પણ માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચી ગયા હતા.
મહત્વનું છે કે, રાજ્યના 188 કેન્દ્ર પર 8 માર્ચથી સરકાર દ્વારા ચણાની ખરીદી શરૂ કરવામાં આવી હતી. છેલ્લા એક મહિનાથી ચણાનો પાક ખેડૂતોના ખેતરમાં તૈયાર થઈ ગયો હતો. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને કારણે એક તરફ ચણાની મોડી ખરીદી થઇ રહી હતી.
તો બીજી બાજુ સરકાર દ્વારા માત્ર 50 મણ ચણાની જ ખરીદી કરવામાં આવી હતી. ખરીદી પહેલા જ ખેડૂતોનું કહેવું હતું કે, ગામડેથી જૂના માર્કેટિંગ યાર્ડ સુધી લઈ આવવાનો ભાડાનો ખર્ચ એક મણે જ પચાસ રૂપિયા થઈ જાય છે. સરકાર દ્વારા 125 મણ કે તેથી વધુ ચણાની ખરીદી કરવામાં આવવી જોઈએ. રાજ્ય અને કેન્દ્ર સરકારની નેમ છે કે, ખેડૂતોની આવક 2022 સુધીમાં ડબલ થઈ જાય પરંતુ જો ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળશે તો જ ખેડૂતોની આવકમાં વધારો થઈ શકે તેમ છે.