Farmers of 125 villages in Banaskantha demanding for water
પાણી આપો /
બનાસકાંઠામાં પાણી માટે ખેડૂતોએ સરકાર સામે ચઢાવી બાંયો, 25 હજારથી વધુ ખેડૂતો મહારેલીમાં જોડાયાનો દાવો
Team VTV09:43 AM, 26 May 22
| Updated: 10:25 AM, 26 May 22
બનાસકાંઠામાં ખેડૂતોએ પાણી માટે અપનાવ્યો આંદોલનનો માર્ગ, 125 ગામના 25હજારથી વધુ ખેડૂતો થઇ રહ્યા છે એકઠા , પાલનપુરમાં સભા સંબોધીને રેલી સ્વરૂપે કરશે કલેક્ટરને રજૂઆત
બનાસકાંઠામાં ખેડૂતોની મહારેલી
ખેડૂતો ઢોલ-નગારા સાથે રેલીમાં જવા નીકળ્યા
કરમાવદ તળાવ,મુક્તેશ્વર ડેમમાં પાણી આપવાની માંગ
બનાસકાંઠામાં પાણીની માંગ હવે ઉગ્ર બની છે. ખેતી બચાવવા, ઢોરોની તરસ છીપાવવા તથા પીવાના પાણી માટે ખેડૂતોએ હવે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે.ત્યારે બનાસકાંઠામાં મોટી સંખ્યામાં ખેડૂતોએ પાલનપુર તરફ કૂચ કરી છે. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર લઇને મહારેલીમાં જોડાવા નીકળી પડ્યા છે.
125 ગામના ખેડૂતો નીકળ્યા રેલીમાં જોડાવા
ભારતીય કિસાન સંઘ પ્રેરિત ખેડૂતોની મહારેલીની શરુઆત થઇ ગઇ છે. 125 ગામના ખેડૂતો ટ્રેક્ટર ભરીને પાલનપુર જવા નીકળ્યા છે. ખેડૂતો ઢોલ નગારા સાથે રેલીમાં જોડાવા એકઠા થયા છે. ઢોલ નગારા વગાડીને લોકોને રેલીમાં જોડાવા આહવાન કરવામાં આવી રહ્યું છે. ખેડૂતોની બસ એક જ માંગ છે કે કરમાવદ તળાવ અને મુક્તેશ્વર ડેમ નર્મદાના પાણીથી ભરવામાં આવે. મહત્વનું છે કે ખેડૂતો છેલ્લા 25 વર્ષથી કરમાવદ તળાવ તેમજ મુક્તેશ્વર ડેમમાં નર્મદાનું પાણી ભરવાની માંગ કરી રહ્યાં છે પરંતુ સરકાર દ્વારા આજદિન સુધી પાણી ન અપાતા ખેડૂતોએ સરકાર સામે બાંયો ચઢાવી છે.
પાલનપુરમાં ખેડૂતોની મહાસભા
આ અંગે વીટીવીના સંવાદ દાતાને એક ખેડૂતે જણાવ્યું હતું કે કે 'જો આ તળાવ અને ડેમમાં પાણી ભરવામાં આવે તો 125 ગામ તથા આજુબાજુના વિસ્તારોને લાભ થવાનો છે. આથી લોકો ઉત્સાહપૂર્વક રેલીમાં જોડાઇ રહ્યા છે. 25 હજારથી પણ વધારે લોકો રેલીમાં જોડાશે તેવી શક્યતા છે'.125 ગામના ખેડૂતો પાલનપુરમાં આદર્શ સ્કૂલ ખાતે એકઠા થઇ રહ્યા છે. ખેડૂતોની સભા બાદ તમામ ખેડૂતો રેલી સ્વરૂપે કલેક્ટરને આવેદન પત્ર આપીને કરમાવદ તળાવ અને મુક્તેશ્વર ડેમ ભરવા મુદ્દે રજૂઆત કરશે.
અનેક સંગઠનોએ ખેડૂતોને આપ્યુ છે સમર્થન
અંદાજે 25 હજારથી વધુ ખેડૂતો એકત્ર થઇ પાણીની માંગણીને સરકારના કાન સુધી પહોંચાડશે. ખેડૂતોના જળ આંદોલનને પાલનપુર માર્કેટ યાર્ડ એગ્રો એસોસિએશોન, વડગામ કાપડ બજાર વેપારી, હાર્ડવેરના વેપારી, સ્ટેમ્પ વેન્ડર સહિતનાં વેપારીઓએ પણ સમર્થન આપ્યું છે. જે અંતર્ગત આજે તમામ વેપારીઓ પોતાના પોતાના ધંધા-રોજગાર બંધ રાખશે.