ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે જાહેરાત કરી હતી કે તેઓ અનશન પર ઉતરશે અને જ્યાં સુધી એમના ગામથી પાણી નહિ આવે ત્યાં સુધી પાણી નહીં પીવે. એવામાં દિલ્લી-ગાઝીપુર બોર્ડર પર તેમના સમર્થનમાં હજારોની સંખ્યામાં ખેડૂતો એકઠા થયા છે અને ટિકૈત માટે એમના ગામથી પાણી લાવવામાં આવ્યું છે.
- પોતાના ગામનું પાણી પીને રડી પડ્યા રાકેશ ટિકૈત
- અનશન પર ઉતરતાં કહ્યું હતું કે જ્યાં સુધી મારા ગામથી પાણી નહિ આવે ત્યાં સધી પાણી નહીં પીઉ
- દિલ્લી-ગાઝીપુર બોર્ડર પર હજારોની સંખ્યામાં ખેડૂતોનો મેળાવડો
રાકેશ ટીકૈતની હુંકાર
મુજફફરનગરમાં મહાપંચાયત થવા જઈ રહી છે તે પહેલા નેતા રાકેશ ટીકૈતે મોટી જાહેરાત કરતાં કહ્યું છે કે અમે અહિયાં જ રહીશું અને યુપી સરકાર પાસે માંગ કરીએ છે કે પ્રદર્શનસ્થળ પર સુવિધાઓ આપવામાં આવે. અમે સરેન્ડર નહીં કરીએ અને સરકાર સાથે વાત કરીશું. હજારોની સંખ્યામાં ખેડૂતો બોર્ડર તરફ કૂચ કરી રહ્યા છે ત્યારે રાકેશ ટીકૈતના ઘરેથી પાણી આવી રહ્યું છે. નોંધનીય છે કે રાકેશ ટીકૈતે ગઇકાલે જ જાહેરાત કરી હતી કે હવે તેઓ પોતાના ગામનું જ પાણી પીશે. રાકેશ ટિકૈતે કહ્યું કે જો જરૂર પડી તો ખેડૂતો જાતે જ જમીન ખોદીને પાણી કાઢી લેશે. દિલ્હીથી અમારા માટે ટેન્કર આવી ગયા પણ તે દિલ્હી તરફ જ ઊભા રહેશે અમે તો યુપીનું પાણી પીશું. સામે ખેડૂતોએ કહ્યું કે પોલીસે ભલે પાણી બંધ કરી દીધું હોય અમે આખા ગાઝિયાબાદને પાણી પાણી કરી દઇશું.
પોતાના ગામનું પાણી પીને થયા ભાવુક
પોતે અનશન પર ઉતરશે અને જય સુધી એમન ગામનું પાણી નહીં આવે ત્યાં સુધી પાણી નહિ પીવે એવી જાહેરાત કર્યા બાદ ટિકૈત માટે હજારોની સંખ્યામાં આજુબાજુના ગામડાઓમાંથી સમર્થકો હાજર થઇ ગયા હતા. પોતાના ગામથી આવેલું પાણી પીને ટિકૈત આજે ફરી ભાવુક થઈ ગયા હતા.
UP સરકારના પ્રદર્શન દાબી દેવાના પ્રયત્નો
આંદોલનકારીઓને હટાવવા માટે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ગાઝીપુર બોર્ડર પર પાણી અને વીજળીની સુવિધા બંધ કરી દેવામાં આવી હતી. આસ્થાઈ શૌચાલયો પણ હટાવી દેવામાં આવ્યા હતા. પરંતુ ખેડૂતોએ હટવાની ના પડી દીધી હતી.
કેજરીવાલનું ખુલ્લુ સમર્થન
ગાજીપુર બોર્ડર પર ખેડૂતોનું આંદોલન મોટું રૂપ લઈ રહ્યું છે અને રાકેશ ટીકૈત સતત બાજી સાંભળી રહ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ખેડૂતો માટે પાણીની વ્યવસ્થા કરી રહ્યા છે જેના પર મનીષ સિસોદિયાએ કહ્યું કે સીએમએ રાત્રે જ આદેશ આપી દીધા હતા જે બાદ હું હાલમાં આવ્યો છું. નોંધનીય છે કે ગાજીપુર બોર્ડર પર એક બાદ એક નેતાઑ પહોંચી રહ્યા છે ત્યારે દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા પહોંચ્યા હતા અને આમ આદમી પાર્ટીએ ખેડૂતોને ખુલ્લુ સમર્થન આપી દીધું છે.