એક સમયે ચાંદી જેવા ચળકતા પાણીની હવે આવી હાલત થઈ છે અને આ માટે ભૂપ્રદૂષણ જવાબદાર છે. નહીંતર સાત પાતાળમાંથી ગળાઈને આવતા પાણીના કંઈ આવા રંગો હોય? પરંતુ આ પાણીને બેનૂર બનાવવા પાછળ ફેક્ટરી માલિકોની મેલીમુરાદ અને પ્રદૂષણતંત્રની મિલિભગત જવાબદાર છે. સાબરકાંઠા જિલ્લાનાં પ્રાંતિજ તાલુકામાં આવેલા સોનાસણ અને દલપુરા ગામના ખેડૂતો છતે પાણીએ ખેતી કરી શકતા નથી.
સાબરકાંઠા જિલ્લામાં જ્યાં એક તરફ ભૂગર્ભ જળનું સ્તર દિવસે ને દિવસે નીચે જઈ રહ્યું છે. ત્યાં તેની સામે હવે જળપ્રદૂષણની નવી સમસ્યા માથું ઊંચકી રહી છે. સાબરકાંઠા જિલ્લામાં મનમાની કરવા ટેવાયેલા ફેક્ટરી માલિકોએ હવે જાણે ભૂગર્ભ જળ દૂષિત કરવાનું બીડું ઝડપ્યું છે. પ્રાંતિજ વિસ્તારમાં પોલ્યુશન કંટ્રોલ બોર્ડની રહેમ નજર હેઠળ ફેક્ટરી માલિકોએ કેવી રીતે જમીનને બનાવી દીધી છે કેમિકલનું ડમ્પિંગ સ્ટેશન અને જળને કેવા બનાવી દીધા છે બેરંગ જોઈએ અમારા આ અહેવાલમાં.
એક સમયે ચાંદી જેવા ચળકતા પાણીની હવે આવી હાલત થઈ છે અને આ માટે ભૂપ્રદૂષણ જવાબદાર છે. નહીંતર સાત પાતાળમાંથી ગળાઈને આવતા પાણીના કંઈ આવા રંગો હોય? પરંતુ આ પાણીને બેનૂર બનાવવા પાછળ ફેક્ટરી માલિકોની મેલીમુરાદ અને પ્રદૂષણતંત્રની મિલિભગત જવાબદાર છે. સાબરકાંઠા જિલ્લાનાં પ્રાંતિજ તાલુકામાં આવેલા સોનાસણ અને દલપુરા ગામના ખેડૂતો છતે પાણીએ ખેતી કરી શકતા નથી.
કારણ કે તેમનાં ખેતરના બોરને હવે પ્રદૂષણનો એરું આભડી ગયો છે. જે પાણી એક સમયે અહીં હરિયાળી લહેરાવતા હતા તે જ પાણી હવે એ હરિયાળીના વિનાશ માટે વેરી બની ગયા છે. .કેમ કે, સોનાસણ અને દલપુર ગામની આજુબાજુ આવેલી ફેકટરીઓના માલિકો દ્વારા બેરોકટોક ભૂગર્ભમાં દુષિત પાણી ઉતારવામાં આવી રહ્યું છે જેનો ભોગ ખેડૂતો અને તેમની ખેતી બની રહ્યાં છે.
આ વિસ્તારના 10થી વધુ બોરમાં આ રીતે કલરયુક્ત પાણી આવી રહ્યું છે. તો આ ઉપરાંત અન્ય બોર એવા પણ છે કે જેમાં દુર્ગંધ મારતુ પણ પાણી આવે છે. જેને લઈને ખેડૂતોને બિયારણના પૈસા પણ માથે પડી રહ્યાં છે. પોતાની આ હાલાકી બાબતે તેમણે અનેકવાર પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં રજુઆતો કરી છે. પણ જી.પી.સી.બીનાં અધિકારીઓના રૂવાડુંય ફરકતું નથી તેવા આક્ષેપ સ્થાનિક ખેડૂતો કરી રહ્યાં છે.
પ્રાંતિજના આજુબાજુના ગામડાઓમાં ભૂમિ પ્રદૂષણ દ્વારા થઈ રહેલા જળપ્રદૂષણથી ખેતી ચોપટ બની ગઈ છે. એ દીવા જેવી વાત છે કે ખેડૂતોના બોરમાં ઝેરી કેમિકલ ભળી ચૂ~યા છે. છતાં તંત્રને આ ઝેર ભેળનારા કંપની માલિકો વિરુદ્ધ પગલાં ભરવાનું કોઈ કારણ જણાતું નથી. ખેડૂતોની અરજી બાદ તંત્રએ બોરના પાણીના સેમ્લ લેવાની તસદી તો લીધી પરંતુ આવા પ્રદૂષિત જળ માટે કોઈ કંપનીની જવાબદારી ફિક્સ કરવાનું હિંમત કરી શક્યું નથી.
સાબરકાંઠા જિલ્લામાં છાકટા બનેલા ફેક્ટરી માલિકો સામે જી.પી.સી.બી પગલાં લેવાની જગ્યાએ જાણે તેમની કદમબોશી કરી રહી છે. તેવા આક્ષેપ સ્થાનિક લોકો કરી રહ્યા છે તો સામેપક્ષે અધિકારીઓ યોગ્ય કાર્યવાહી કરી હોવાની દુહાઈ દઈ રહ્યા છે. તો હવે જોવું એ રહ્યું કે ક્યારે આ વિસ્તારના ભૂગર્ભ જળ ફરી વાર ક્યારે પોતાનો ચાંદી જેવો મૂળ રંગ ધારણ કરી શકે છે.