Friday, May 24, 2019

અહીં ખેડૂતો ખેતરો માટે પાણી માંગવા નહીં પરંતુ રોકવા માટે બૂમો પાડી રહ્યાં છે

અહીં ખેડૂતો ખેતરો માટે પાણી માંગવા નહીં પરંતુ રોકવા માટે બૂમો પાડી રહ્યાં છે
રાજ્યમાં અનેક વિસ્તારોમાં પાણીની અછતને લઈને સમસ્યાઓ જોવા મળે છે અને પાણીના અભાવે ખેડૂતોથી માંડી દરેક વર્ગમાં અસંતોષ જોવા મળે તે સ્વાભાવિક છે. પરંતુ મહીસાગરના એક ગામમાં ખેડૂતો પાણી છતના કારણે પરેશાન થઈ ગયા છે! વધુ પડતાં પાણીથી પાયમાલ થવાના આરે હોવાનો આક્રોશ ખેડૂતોમાં જોવા મળી રહ્યો છે.

શું છે પાણીની છતની ગંભીર સમસ્યાની હકીકત?

તંત્રની બેદરકારીના કારણે 10 વર્ષથી પાણી લીકેજ યથાવત છે 
રાજ્યમાં એક તરફ અનેક ખેતરો પિયતના અભાવે સૂકાભઠ્ઠ પડ્યા છે. ખેડૂતો સિંચાઈના પાણી માટે આક્રોશ ઠાલવી રહ્યા છે. પિયતના અભાવે પાક સુકાઈ રહ્યા છે ત્યારે મહિસાગર જિલ્લાના કડાણા ગામના ખેતરોમાં વિપરિત સ્થિતિ જોવા મળી રહી છે. અહીં ખેડૂતોના ખેતરમાં વણ માગ્યું પાણી આવી રહ્યું છે. પરંતુ ખેડૂતોને હાલ આવા કોઈ જ પાણીની જરૂર નથી. ઉલટાનું ખેતરમાં આવેલા આ પાણીએ ખેડૂતોની ઊંઘ હરામ કરી નાખી છે. કેમ કે આ પદ્ધતિસરની સિંચાઈનું પાણી નથી. હકીકતમાં આ પાણી કેનાલમાંથી લિકેજ થઈને ખેડૂતોના ઉભા પાકમાં ફેલાઈ રહ્યું છે. જેના કારણે ખેડૂતોનો પાક નુકસાની તરફ જઈ રહ્યો છે. મહિસાગર જિલ્લાના હડમતીયા ગામમાં જ્યાં કડાણા ડેમની મુખ્ય નહેર જાય છે. તેમાંથી હડમતીયા સબમાઈનોર કેનાલ પણ જાય છે પરંતુ તેનાથી અહીંના ખેડૂતોને લાભ થવાની જગ્યાએ નુકસાન થઇ રહ્યું છે. આ બંને કેનાલોમાં છેલ્લા દસ વર્ષમાં બે વાર 6 કરોડથી વધુ રકમ ફાળવી રીપેરીંગ કરવામાં આવ્યું છે. છતાંય ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના પાપે છેલ્લા 10 વર્ષથી પાણી લીકેજ થાય છે. આ પાણી આજુબાજુના ખેતરોમાં ભરાઈ જાય છે જેથી ચોમાસા સિવાય બીજી સિઝનમાં અહીંના ખેડૂતો પોતાના ખેતરમાં ખેતી કરી શકતા નથી.

કડાણા મેઇન કેનાલમાં  વારંવાર ચણતરનું કામ કરવામાં આવ્યું હતું. પરંતુ એમાંથી પણ પાણી લીકેજ થાય છે અને હડમતીયા સબમાઈનોર કેનાલમાં તો એટલું બધું લીકેજ થાય છે કે કેનાલમાં પાણી છોડતાં જ આજુબાજુના ખેતરોમાં પાણી ભરાઈ જાય છે. જેથી ખેતી કરેલ હોય તે પણ બગડી જાય છે. સરકાર કેનાલ રિપેરિંગ માટે રકમ ફાળવે છે. પરંતુ તેની દેખરેખ રાખનાર કોન્ટ્રાક્ટર અને કર્મચારીઓ મળી યોગ્ય રીતે રિપેરિંગ કરતા નથી. ચોમાસામાં ખેતી થાય છે પરંતુ તેમાં પણ વધુ પાણીના લીધે મજૂરી ખર્ચ વધી જાય છે. સરકાર ખેડૂતોની આવક બમણી કરવાનું કહે છે પરંતુ અહીં આ ખેડૂતોને બમણો ખર્ચ કરવો પડી રહ્યો છે.2009થી અત્યાર સુધીમાં 6 કરોડથી વધુ રકમ ખર્ચાઈ 
પાણી લિકેજના કારણે પાણીનો ખોટો વેડફાટ થઇ રહ્યો છે. જે વિસ્તારમાં પાણી નથી પહોંચતું તે વિસ્તારના લોકો કદાચ આ દ્રશ્યો જોઈને જીવ બાળશે. પાણી વેડફાટ બાબતે આ કર્મચારીઓને વારવાર રજૂઆતો કરવા છતાં કોઈ રજૂઆત ધ્યાને લેવામાં આવતી નથી. પાણી પુરવઠા અધિકારીઓને આ લીકેજ નોર્મલ લાગે છે. 2009થી અત્યાર સુધીમાં 6 કરોડથી વધુની રકમ માત્ર 1800 મીટરની કેનાલ રીપેરીંગ પાછળ વાપરી નખાયા છે. દર વખતે રીપેરીંગ કર્યા પછી દાવો કરવામાં આવે છે કે કે હવે સો ટકા લીકેજ બંધ થઈ જશે પરંતુ તેમ થતું નથી. આ બાબતે આખરે સિંચાઈમંત્રીને રજૂઆત કરી તો સરકારે ચીકન મેસ પ્લાસ્ટર કરવાનું નક્કી કર્યું. પરુંત તેમાં પરંતુ તેમાં પણ ભ્રષ્ટાચાર આચરાયો. જાળીઓ લગાવ્યા વગર આડેધડ કામ પૂરું કરી દેવામાં આવ્યુ તંત્રની ઉદાસીનતા અને ઘોર બેદરકારીથી ખેડૂતોને નુકસાન થવાનો સિલસિલો હજુ પણ યથાવત રહ્યો છે. આ સ્થિતિ અંગે કડાણા ડાબા કાંઠા નહેર અને હડમતીયા વી શાખા કેનાલના સેક્શન ઓફિસર ઉલટાના ખેડૂતોને જવાબદાર ઠેરવી રહ્યા છે. બાકીની જવાબદારી લીલ અને સેવાળ પર ઠાલવી રહ્યા છે.

પાણી કૃષિ અને માનવ જીવન માટે જરૂરી છે. પરંતુ તંત્રની બેદરકારી અને શાસકોના આંખ મીચામણાના કારણે પાણીના વિતરણમાં સપ્રમાણતા જળવાતી નથી. વિકાસના નામે કરોડોનો ખર્ચ કરીને સિદ્ધિના વાજા વગાડતા શાસકોને ભ્રષ્ટાચારના આબાદ નમૂના જેવા કામોની ગુણવત્તા ચકાસવાનો સમય નથી.
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ