Farmers annoyed by not getting adequate source of electricity in Khambhaliya village
ઊર્જાવિભાગ /
ઊર્જા મંત્રીને કહેવું છે ખંભાળિયાના ગામડાની મુલાકાત કરો, હવે લાઈટ નહીં આવે તો ઉગ્ર આંદોલન થશેઃ ખેડૂત
Team VTV06:05 PM, 19 Aug 21
| Updated: 06:47 PM, 19 Aug 21
ખંભાળિયા તાલુકાના જાકસીયા ગામમાં છેલ્લા ઘણા સમયથી વીજળીના પ્રશ્નોને લઈ ખેડૂતોને હાલાકી થઈ રહી છે, આ ગામમાં માત્ર 2 કલાક જ વીજળી અપાતી હોવાનું ખેડૂતોએ જણાવ્યું
10 કલાકની વીજળી આપવાની જાહેરાત કાગળ પર!
ખંભાળિયાના જાકસીયા ગામમાં 2 કલાક મળે છે વીજળી
વીજળી ન મળતા ખેડૂતો થયા છે પરેશાન
સરકાર દ્વારા 10 અને 12 કલાક વીજળી આપવાની જાહેરાત કરવામાં આવે છે. જોકે હજુ પણ કેટલાક એવા ગામ છે, જેમાં વીજળી ન મળવાના કારણે લોકો પરેશાન થાય છે. ખંભાળિયા તાલુકાના જાકસીયા ગામમાં છેલ્લા ઘણા સમયથી વીજળીના પ્રશ્નોને લઈ ખેડૂતોને હાલાકી થઈ રહી છે. આ ગામમાં માત્ર 2 કલાક જ વીજળી અપાતી હોવાનું ખેડૂતોએ જણાવ્યું. ત્યારે આજે ખેડૂતોએ ખંભાળિયાના કાર્યપાલ ઈજનેરને રજૂઆત કરી. કાર્યપાલ ઈજનેર તાત્કાલિક વીજળીના પ્રશ્નના નિરાકણનું આશ્વાસન આપ્યું છે.
ખેડૂતોએ આપી ઉગ્ર આંદોલનની ચીમકી
ખેડૂતોએ કહ્યું કે, અમારા ગામ સહિત આસપાસના વિસ્તારમાં માત્ર 2 કલાક લાઈટ મળે છે. ઊર્જા મંત્રી ટીવી પર તો સુફિયાણી વાત કરે છે. ગામડાઓમાં 10 કલાક લાઈટ મળતી હોવાની વાત કરી રહ્યા છે. પરંતુ ઊર્જા મંત્રીને અમે કહેવા માગીએ છીએ કે, ગામડામાં આવીને જુઓ કેટલા કલાક લાઈટ આવે છે. અમે છેલ્લી વખત રજૂઆત કરવા માટે પહોંચ્યા છીએ. હવે જો અમારી માગણી સ્વિકારી નહીં તો, કોઈપણ રજૂઆત વગર ઉગ્ર આંદોલન થશે.