Fake circular of Gujarat Secondary Board goes viral, Clarification of Board of Education regarding the result of standard 10-12 board
ખુલાસો /
ધોરણ 10-12 બોર્ડના પરિણામ અંગે શિક્ષણ બોર્ડની મોટી સ્પષ્ટતા, બનાવટી પરિપત્ર વાયરલ થતાં ફરિયાદ દાખલ
Team VTV09:46 PM, 16 May 22
| Updated: 09:51 PM, 16 May 22
બોર્ડના ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ (સામાન્ય પ્રવાહ) પરીક્ષાના પરિણામની તારીખની જાહેરાત બાબતે સોશિયલ મિડીયામાં વાયરલ થયેલ બિન સત્તાવાર પરિપત્ર વિશે સ્પષ્ટતા
ગુજરાત માધ્યમિક બોર્ડનો ફેક પરિપત્ર વાયરલ
17 મેએ બોર્ડના પરિણામ જાહેર થવાનો બોગસ પરિપત્રમાં ઉલ્લેખ
ધોરણ 10 અને 12ના પરિણામ અંગે ખોટી માહિતીનો ઉલ્લેખ
કોઈ ઈસમે બનાવટી અખબાર યાદી વાયરલ કરી
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે, તા.૧૬/૦૫/૨૦૨૨ ના રોજ બોર્ડના ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ (સામાન્ય પ્રવાહ) પરીક્ષા માર્ચ-૨૦૨૨ નું પરિણામ તા.૧૭/૦૫/૨૦૨૨ ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે પ્રસિધ્ધ થવાની જાહેરાત બાબતે સોશિયલ મિડીયામાં બિન સત્તાવાર બનાવટી અખબારી યાદી કોઈ અજાણ્યા ઈસમ દ્વારા વાયરલ કરવામાં આવેલ છે.
બોર્ડ દ્વારા શું કરવામાં આવી સ્પષ્ટતા
માર્ચ-૨૦૨૨ ના ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના પરિણામની તારીખની જાહેરાત બોર્ડ દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલ નથી. જેથી ઉક્ત વાયરલ થયેલ પરિણામની તારીખ અંગેની અખબારી યાદી બનાવટી છે. જેથી વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાના આચાર્યશ્રીઓએ ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ તા.૧૭/૦૫/૨૦૨૨ ના રોજ પ્રસિધ્ધ થનાર નથી તેની નોંધ લેવી.
સાયબર ક્રાઈમમાં ગુનો નોંધાયો
વધુમાં જણાવવાનું કે, પરિણામની તારીખ દર્શાવતી બનાવટી અખબારી યાદી સોશિયલ મિડીયામાં વાયરલ કરીને વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાના આચાર્યઓને ગેરમાર્ગે દોરનાર અજાણ્યા ઈસમ સામે કાયદાની જોગવાઈ અનુસાર બોર્ડ દ્વારા સાયબર ક્રાઈમમાં પોલીસ ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવનાર છે.