બ્રેકિંગ ન્યુઝ
Shalin
Last Updated: 04:07 PM, 1 October 2020
છેલ્લા ૧૦ મહિનાથી દુનિયાભરમાં ચાલી રહેલી કોરોના વાઇરસની મહામારી વચ્ચે દુનિયાની આ સૌથી મોટી ચૂ્ંટણી હશે. કેટલાયે દેશોમાં નાની-મોટી ચૂંટણીઓ યોજાય છે અને અનેક સ્થળોએ ચૂંટણી ટાળવામાં પણ આવી છે. બિહારમાં ત્રણ તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. ર૮ ઓકટોબર, ૩ નવેમ્બર અને ૭ નવેમ્બરે મતદાન યોજાયા બાદ ૧૦ નવેમ્બરે મતગણતરી થશે.
ADVERTISEMENT
નકસલ પ્રભાવિત ક્ષેત્રો સિવાય સમગ્ર રાજ્યમાં મતદાનનો સમય એક કલાક વધુ રહેશે
મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ ર૪૩ સભ્યોના વિધાનગૃહની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરતાં જણાવ્યું હતું કે નકસલ પ્રભાવિત ક્ષેત્રો સિવાય સમગ્ર રાજ્યમાં મતદાનનો સમય એક કલાક વધુ રહેશે. સવારે ૭-૦૦થી સાંજે ૬-૦૦ સુધી મતદાન યોજાશે. કોવિડ-૧૯ના દર્દીઓ છેલ્લા એક કલાકમાં મતદાન કરી શકશે. સંક્રમિત લોકો માટે એક ખાસ પ્રોટોકોલ તૈયાર કરવામાં આવ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી પણ આજ સમયગાળામાં યોજાનાર છે અને આમ દુનિયાની બે સૌથી મોટી ચૂંટણી કવાયત એક સાથે યોજાશે.
ADVERTISEMENT
હવે પ્રશ્ન એ છે કે ચૂંટણીપંચે કોરોના મહામારીને ધ્યાનમાં લઇને જે પ્રોટોકોલ અને ગાઇડલાઇન જારી કરી છે તેનો કેટલી હદે અમલ થશે? વ્યવહારમાં ખરેખર તેનો અમલ થશે ખરો? ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલ એક એક વ્યકિત અને રાજ્યની સમગ્ર જનતાની જિંદગીનો સવાલ છે ત્યારે એવી અપેક્ષા રાખવી જોઇએ કે વિવિધ પક્ષોના નેતાઓ અને ઉમેદવારો જ નહીં, પરંતુ કાર્યકરો, ચૂંટણીકર્મીઓ અને મતદારો પણ આ મોરચે એકબીજાને સહયોગ આપશે.
શું છે બિહારની રાજકીય પરિસ્થિતિ?
રાજકીય રીતે જોઇએ તો બિહારના ચૂંટણી જંગમાં એક બાજુ જદયુ અને ભાજપ હશે. જ્યારે બીજુ બાજુ રાજદ અને કોંગ્રેસ. આ પક્ષો વચ્ચે બેઠક વહેંચણીનું મનોમંથન ચાલી રહ્યું છે ત્યારે બંને છાવણીઓના બાકીના સહયોગીઓની કેવી ભૂમિકા રહેશે તે નક્કી થયું નથી. આ ચાર મુખ્ય પક્ષો છે ને તેમની સાથે બીજા નાના પક્ષો જોડાયેલા છે. આ પક્ષોએ ચૂંટણી પહેલાં જ કૂદાકૂદ શરૂ કરી દીધી હતી અને વધારે બેઠકો પડાવવાનો ખેલ શરૂ કરી દીધો હતો. LJPના ચિરાગ પાસવાન ક્યારનાય ધમપછાડા કરે જ છે પણ NDAને છોડીને જતા નથી. સામે મહાગઠબંધનમાંથી એક પછી એક વિકેટો પડી રહી છે.
નીતીશને ખરેખર પોતાની જીત પર ભરોસો છે કે નહીં એ રામ જાણે પણ ભાજપના ભરતી મેળાનું કારણ બિહારનું રાજકારણ છે. બિહારનું આખું રાજકારણ જ્ઞાતિવાદ પર જ ચાલે છે ને હાલમાં પણ બિહારની ચૂંટણી જ્ઞાતિવાદનાં સમીકરણો પર લડાઈ રહી છે. એક જમાનામાં બિહારનાં રાજકારણમાં બ્રાહ્મણો અને ઠાકુરોની બોલબાલા હતી પણ વિશ્વનાથ પ્રતાપસિંહે મંડલનું રાજકારણ ચલાવ્યું ને સામે ભાજપે કમંડળ બહાર કાઢ્યું પછી બિહારનું રાજકારણ દલિત, મુસ્લિમ અને અન્ય પછાત વર્ગો (OBC) પર કેન્દ્રિત થઈ ગયું છે.
બિહારમાં સૌથી મોટી મતબેંક ઓબીસીની
બિહારના મતદારોમાં ઓબીસીનો હિસ્સો ૫૧ ટકા છે. આ ૫૧ ટકામાં યાદવો ૧૪ ટકા અને કુર્મી ૪ ટકા છે. યાદવો લાલુની અને કુર્મીઓ નિતિશ કુમારની મતબેન્ક ગણાય છે. તેના કારણે નીતીશ-લાલુ સાથે હતા ત્યાં લગી ભાજપ તેમનું કશું બગાડી નહોતો શક્યો પણ જેવા નીતીશ ભાજપ ભણી ઢળ્યા કે લાલુનો ખેલ ખલાસ થઇ ગયો.
સુશાંતનો કેસ બનશે ગેમ ચેન્જર?
આ ચૂંટણી દ્વારા છેલ્લા કેટલાક સમયથી જે કેસ વધુને વધુ મીડિયામાં ઉછાળવામાં આવી રહ્યો છે તે બોલિવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મોતનો મામલો રાજકીય પક્ષો ચૂંટણીમાં કેટલી હદે ચગાવશે તે પણ સ્પષ્ટ થઇ જશે અને સુશાંતસિંહના મોતનો મામલો કેટલી હદે બિહારની ચૂંટણીમાં મતદારોને પ્રભાવિત કરી શકે છે તેના પર પણ તમામ મતદારો અને રાજકીય પક્ષોની મીટ મંડાયેલી રહેશે. જોઇએ હવે શું થાય છે?
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.