બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / ગુજરાતી સિનેમા / મૂવી સમીક્ષા / શુક્રવારે રિલીઝ થયેલી ફિલ્મ 'ફ્રેન્ડો' જોવા જવી કે નહીં, વાંચી લો આ રિવ્યૂ
Last Updated: 12:29 PM, 13 September 2024
છેલ્લા થોડા સમયમાં એક પછી એક ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ રહી છે. હાલની ગુજરાતી ફિલ્મો જુદાં-જુદાં વિષયો પર જુદી-જુદી વાર્તાઓ સાથે બનાવવામાં આવી રહી છે અને હવે એવું થઈ ગયું છે કે ગુજરાતી ફિલ્મો જોતા લોકોની સંખ્યા પણ વધી ગઈ છે. એવાય ઘણા લોકો છે કે જેમણે પહેલા ક્યારેય ગુજરાતી ફિલ્મો જોઈ જ ન હતી અને હવે ગુજરાતી ફિલ્મો જોઈને તેના વખાણ કરી રહ્યા છે. ત્યારે છેલ્લા થોડા દિવસોમાં મેં સતત ત્રીજી ગુજરાતી ફિલ્મ જોઈ. પહેલા ફક્ત પુરુષો માટે જોઈ, એના પછી ગયા અઠવાડિયે જોઈ ઉડન છૂ. અને હવે જોઈ 'ફ્રેન્ડો'.
ADVERTISEMENT
જોરદાર કોમેડી પીરસે છે ફિલ્મના દરેક સીન
ADVERTISEMENT
અગાઉની બંને ફિલ્મો જોરદાર લાગી, જોવા જેવી લાગી, જોઈને પસ્તાવો ન થયો, પણ જયારે ફ્રેન્ડો જોવા ગઈ, તો આ ફિલ્મનું ટ્રેલર પણ જોયું ન હતું. અને ફિલ્મના કોઈ કલાકારોને પણ હું જાણતી ન હતી એટલે લાગ્યું કે આ ફિલ્મમાં હું ઊંઘી જઈશ. પણ ફિલ્મ ચાલુ થઈને થોડી જ મિનિટોમાં જે હસવું આવવાનું શરૂ થયું છે કે ફિલ્મના એન્ડ સુધી હસવું આવ્યું છે. થિયેટરમાં મારી સાથે આસપાસ બેસેલી બીજી ઓડિયન્સના રિએકશન પણ આવા જ હતા. દરેક સીનમાં બધા જ જોરદાર હસ્યા છે કે છેલ્લે સુધી બધા જ હસતા હતા. જબરદસ્ત પંચ લાઇન અને જોરદાર કોમેડી ટાઇમિંગ સાથે આ ફિલ્મના દરેક સીન જોરદાર કોમેડી પીરસે છે.
નવરી બજાર મિત્રોની વાર્તા
ફિલ્મ 'ફ્રેન્ડો'માં લીડ રોલમાં તુષાર સાધુ છે, તેમની સાથે ટ્વિંકલ પટેલ, કુશલ મિસ્ત્રી, જય પંડ્યા, દિપ વૈદ્ય, ઓમ ભટ્ટ, શિવાની પાંડે, રાગી જાની, પ્રશાંત બારોટ અને જૈમિની ત્રિવેદી સહિતના કલાકારો છે. આ ફિલ્મમાં સાવ નવરા અને નઠારા કહી શકાય એવા ચાર મિત્રોની વાર્તા છે. ચારેય નવરી બજાર મિત્રો કાનો, બકો, જીગો અને લાલો સાથે મળીને ઘણા કાંડ કરે છે. કાનાનું પાત્ર ભજવતા તુષાર સાધુને લગ્ન માટે રાધિકા (ટ્વિંકલ પટેલ) પસંદ આવી જાય છે. ત્યારે બીજા ત્રણેય ફ્રેન્ડો કાનાની મદદ કરે છે અને પછી એક પછી એક કાંડ કરે છે. અને પછી સંડોવાઈ જાય છે એક લોકલ ડોન સાથે. આ ડોન છે બાબલો ચોકબાર (ઓમ ભટ્ટ). ફિલ્મમાં ડોનની એન્ટ્રી પછી ભરપૂર કોમેડી સીન્સ રચાય છે, કે જોઈને હસવું છૂટી જાય.
ફિલ્મમાં છે અસલ ગુજરાતી ડાયલોગ્સ
ફ્રેન્ડો ફિલ્મમાં એકથી એક જબરદસ્ત ડાયલોગ્સ છે, તો ગુજરાતી કોમેડી માટે જાણીતા કુશલ મિસ્ત્રી, દિપ વૈદ્ય, ઓમ ભટ્ટની કોમેડી ટાઇમિંગ પણ જોરદાર છે. ફિલ્મના લગભગ દરેક સીનમાં કુશલ મિસ્ત્રીના પાત્ર જીગાને બેસણું યાદ આવી જાય છે. તો ફિલ્મમાં લગભગ દરેક કેરેક્ટરને લાફાઓ પણ ઘણા પડે છે, પછી એ ડોનને લાફા પડ્યા હોય કે કાનાના મામાને લાફા પડ્યા હોય. પણ હા, ગામડામાં રહેતા આ ચારેય નવરી બજાર મિત્રોની મિત્રતા જોવા લાયક છે. કાનાના માતાપિતાના પાત્રમાં પ્રશાંત બારોટ અને જૈમિની ત્રિવેદીનું કામ પણ ખૂબ જ જોરદાર છે. ઓમ ભટ્ટે બાબલો ડોનનું પત્ર પણ ખૂબ જ સરસ રીતે ભજવ્યું છે, તો ફિલ્મના અસલ ગુજરાતી ડાયલોગ્સ જબરદસ્ત હસાવે છે. ફિલ્મની વાર્તા ભલે એવરેજ હોય, પણ ફિલ્મ તદ્દન ગુજરાતી કોમેડીથી ભરપૂર છે.
આ પણ વાંચો: દેવેન ભોજાણીની પહેલી ગુજરાતી ફિલ્મ 'ઉડન છૂ' કેવી છે, એકવાર આ રિવ્યુ વાંચી લેજો
વીર બંસરી ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી ગુજરાતી ફિલ્મ 'ફ્રેન્ડો'ને ડાયરેક્ટર વિપુલ શર્માએ ડીરેક્ટ કરી છે. જો વિકેન્ડ પર કોઈ જ કામધંધો ન હોય અને સાવ નવરી બજાર હોવ તો મગજ બાજુ પર મૂકીને મિત્રો સાથે આ ફિલ્મ જોવા જવાય. સારો ટાઈમ પાસ થઈ જશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
કોમેડીનો સિતારો બુઝાયો / કપિલ શર્માના શોના કોમેડિયન અતુલ પરચુરેનું કેન્સરથી અવસાન, ફિલ્મી જગતમાં શોકની લહેર
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.