ભારતના કેપ્ટન વિરાટ કોહલીનું માનવું છે કે ઈંગ્લેન્ડ વન ડે ક્રિકેટમાં 500 રન બનાવનારી દુનિયાની પ્રથમ ટીમ બની શકે છે.
ઈંગ્લેન્ડના નામ પર પહેલાંથી જ વન ડે ક્રિકેટમાં સૌથી મોટા સ્કોરનો રેકોર્ડ નોંધાયેલો છે. ટીમે ગત વર્ષે ઓસ્ટ્રેલિયા સામે રેકોર્ડ 6 વિકેટે 481 રન ફટકાર્યા હતા. વર્લ્ડકપ પહેલાં બધી ટીમના કેપ્ટનોની મીડિયા કોન્ફરન્સમાં કોહલીને જ્યારે પૂછવામાં આવ્યું કે, શું આગામી વર્લ્ડકપમાં 500 રનનો સ્કોર નોંધાઈ શકે છે? એ સવાલના જવાબમાં પોતાની બાજુમાં બેઠેલા ઈંગ્લેન્ડના કેપ્ટન ઈયોન મોર્ગન તરફ ઇશારો કરીને કહ્યું, ''હું ફક્ત એટલું કહી શકું છું કે આ લોકો પર નિર્ભર કરે છે. એવું લાગે છે કે આ લોકો કોઈ અન્ય પહેલાં 500 રન સુધી પહોંચવા માટે ઉત્સુક છે.''
કોહલીએ સ્વીકાર કર્યો કે, ''ટૂર્નામેન્ટમાં ઘણા રન બનશે, પરંતુ વર્લ્ડકપમાં રમવાના દબાણને કારણે 260-270 રનના લક્ષ્યનો પીછો કરવો પણ મુશ્કેલ હશે. આ મોટા સ્કોરવાળી ટૂર્નામેન્ટ હશે, પરંતુ મેં સ્વદેશમાં પણ કહ્યું હતું કે વર્લ્ડકપમાં 260-270 રનનો પીછો કરવો 370-380 રનનો પીછો કરવા જેટલું મુશ્કેલ કામ હશે.'' ભારતીય કેપ્ટને આશા વ્યક્ત કરી હતી કે ટૂર્નામેન્ટની શરૂઆતમાં બધી જ ટીમ સતર્ક રહેશે.
2015નો વર્લ્ડકપ જીતનારી ટીમનો હિસ્સો રહેલા ઓસ્ટ્રેલિયન કેપ્ટન એરોન ફિંચને પણ જ્યારે આ સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેણે જણાવ્યું, ''પાછલાં કેટલાંક વર્ષોમાં તમે જોયું હશે કે ઈંગ્લેન્ડનો સ્કોર સતત ઉપર ને ઉપર જઈ રહ્યો છે. અમારી સામે સર્વોચ્ચ સ્કોર નોંધાવ્યો. હું એ કહેવા નથી ઇચ્છતો કે સૌથી પહેલાં 500 રન કોણ બનાવશે.'' ફિંચે ઈંગ્લેન્ડ અને ભારતને મજબૂત દાવેદાર ગણાવતા કહ્યું, ''ટૂર્નામેન્ટ ઘણી સ્પર્ધાત્મક રહેશે, કારણ કે બધી ટીમોએ એકબીજા સામે ઓછામાં ઓછી એક મેચ રમવાની છે.''
ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ પણ એરોન ફિંચની વાત સાથે સંમત થતાં કહ્યું, ''ઈંગ્લેન્ડ વર્લ્ડકપમાં સૌથી મજબૂત ટીમના રૂપમાં ઊતરશે.''
ભારત અને પાકિસ્તાન વચ્ચે 16 જૂને ઓલ્ડ ટ્રેફોર્ડમાં યોજાનારા મુકાબલા અંગે કોહલી અને પાકિસ્તાનના કેપ્ટન સરફરાઝ અહમદે પોતપોતાના વિચારો રજૂ કર્યા. સરફરાઝે કહ્યું, '' ભારત અને પાકિસ્તાન વચ્ચેના મુકાબલાની હંમેશાં રાહ જોવાતી હોય છે. જો તમે ખેલાડીઓને પૂછો તો પ્રશંસક જે રીતે જુએ છે તે તેનાથી બિલકુલ અલગ છે. જ્યારે તમે સ્ટેડિયમમાં પ્રવેશ કરો છો ત્યારે પ્રશંસકોના રોમાંચને અનુભવી શકો છો, પરંતુ મેદાન પર ડગ માંડતાં જ ખેલાડી પ્રોફેશનલ બની જાય છે.''
કોહલીએ જણાવ્યું, ''અમારા માટે આ એક મેચ છે, જેને અમે એક ટીમ તરીકે જીતવા માગીએ છીએ. હા, એમાં દબાણ હોય છે, કારણ કે સ્ટેડિયમનો માહોલ ઘણો અલગ હોય છે.''
ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ અફઘાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાનની પ્રશંસા કરતાં કહ્યું, ''તે શાનદાર બોલર છે, તેની સામે રમવું આસાન નહીં હોય, જોકે હું રાશિદ સામે રમવા માટે તૈયાર છું. ત્રણ વર્ષ થઈ ગયાં છે, મેં આંતરરાષ્ટ્રીય સ્તર પર હું તેની સામે રમ્યો નથી. હું તેની સામે રમવા ઇચ્છું છું. તે શાનદાર બોલર છે. રાશિદની તાકાત તેની ઝડપ છે. બેટ્સમેન વિચારે ત્યાં સુધીમાં બોલ બેટ પર આવી જાય છે. સાથે જ તેની વિવિધતાઓ પણ શાનદાર છે. તેને પકડી શકવો મુશ્કેલ હોય છે.''
અંતમાં વિરાટે કહ્યું, ''રાશિદના બોલમાં ફાસ્ટ બોલર જેવી કળા છે અને એ જ તેને વધુ ખતરનાક બનાવે છે. હું આ વિશ્વકપમાં તેની સામે રમવા તૈયાર છું. બધી જ ટીમો પ્રથમ મેચ રમવા માટે ઉત્સાહી છે. ત્યાર બાદ જ જાણી શકાશે કે અમારે ટૂર્નામેન્ટમાં આગળ કેવી રીતે જવાનું છે અને ક્યાં કામ કરવાનું છે.''