નિધન /
ભારતને ઓલમ્પિકમાં ત્રણ વખત ગોલ્ડ મેડલ જીતાડનાર દિગ્ગજ હૉકી ખેલાડી બલબીર સિંહ સીનિયરનું નિધન
Team VTV10:43 AM, 25 May 20
| Updated: 11:45 AM, 25 May 20
ભારતીય હૉકીના દિગ્ગજ ખેલાડી બલબીર સિંહ સીનિયરનું નિધન થયું છે. તેઓની ઉંમર 96 વર્ષની હતી. છેલ્લા 2 અઠવાડિયાથી વધારે સમયથી તેઓ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ સામે લડી રહ્યા હતા. આજે તેઓએ ચંડીગઢની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.
દિગ્ગજ હૉકી ખેલાડીનું થયું નિધન
96 વર્ષની વયે બલબીર સિંહ સીનિયરે લીધા અંતિમ શ્વાસ
લાંબા સમયથી બીમારી સામે લડી રહ્યા હતા
હૉકીના દિગ્ગજ ખેલાડી બલબીર સિંહ સીનિયરના પરિવારમાં દીકરી સુશબીર, ત્રણ દીકરા કંવલબીર, કરનબીર અને ગુરબીર છે. ઉલ્લેખનીય છે કે તેમને ફોર્ટિસ હોસ્પિટલમાં 8 મેના રોજ દાખલ કરવામાં આવ્યા હતા. આજે સવારે 6.30 વાગે તેમનું નિધન થયું છે.
Hockey India extends its condolences to fans, friends and family of the 3-time Olympic Gold Medalist and Padma Shri Awardee, Balbir Singh Sr.🙏#IndiaKaGame#RIP@BalbirSenior
તેમના પૌત્ર કબીરે આ વાતની પુષ્ટિ કરી હતી કે તેના નાનાજીનું નિધન થયું છે. હૉકીના દિગ્ગજ ખેલાડી બલબીર સિંહ સીનિયરે લંડન, હેલસિંકી અને મેલબર્ન ઓલમ્પિકમાં ભારતના સુવર્ણ ચંદ્રક જીતવામાં મુખ્ય ભૂમિકા નીભાવી હતી.
આ તકલીફોના કારણે કરાયા હતા દાખલ
બલબીરસિંહ સિનિયર 18 મેથી અર્ધ-સભાન અવસ્થામાં હતા અને તેમના મગજમાં લોહી ગંઠાઈ ગયું હતું. ફેફસામાં ન્યુમોનિયા અને વધુ તાવ આવતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ દ્વારા પસંદ કરાયેલા આધુનિક ઓલમ્પિક ઇતિહાસમાં 16 મહાન ઓલમ્પિયનમાં દેશના મહાન ખેલાડીઓમાંના એક બલબીરનો સમાવેશ થાય છે.
તેમણે 1952ની હેલસિંકી ઓલમ્પિક્સમાં ભારતીય ટુકડીનું નેતૃત્વ કર્યું અને ધ્વજવહક બન્યા. હેલસિંકી ઓલમ્પિક્સમાં ભારતે કુલ 13 ગોલ કર્યા હતા, જેમાંથી 9 એકલા બલબીરની સ્ટિકથી થયા હતા. તેમાં ગ્રેટ બ્રિટન સામેની હેટ્રિકનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. તેણે ફાઇનલમાં નેધરલેન્ડ સામે 5 ગોલ કર્યા હતા. જે હજી ઓલમ્પિક ક્ષેત્ર હોકીની ફાઇનલમાં રેકોર્ડ છે. ભારતે મેચ 6-1થી જીતી લીધી હતી.
બલબીરને 1956માં મેલબોર્ન ઓલમ્પિક્સમાં ભારતનો કેપ્ટન બનાવવામાં આવ્યા હતા. ભારત સરકારે 1957માં બલબીરસિંહને પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા. તે 1975ની વર્લ્ડ કપ વિજેતા ટીમનો મેનેજર હતા. અજિત પાલ સિંહ આ ટીમની કમાન સંભાળી રહ્યા હતા.