શુક્રવારે જમ્મુ કાશ્મીરના ત્રાલ ખાતે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. સુરક્ષા દળોની સંયુક્ત ટીમે આ કામગીરી હાથ ધરી હતી.
જમ્મુ કાશ્મીરમાં વધુ એક એન્કાઉન્ટર
સુરક્ષાદળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા
એક એકે 47, 2 પિસ્તોલ અને 4 ગ્રેનેડ મળી આવ્યા
આ કાર્યવાહીમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. જમ્મુ કાશ્મીર પોલીસના આઈજીપી વિજય કુમારે જણાવ્યું હતું કે માર્યા ગયેલા ત્રણ આતંકીઓ સ્થાનિક છે અને હિઝબુલ મુજાહિદ્દીનના છે.
સુરક્ષા જવાનોને મળી હતી માહિતી
સલામતી દળોને ત્રાલના માંન્ડોરા વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની બાતમી મળી હતી. આ માહિતીના આધારે સેના, પોલીસ અને સીઆરપીએફની સંયુક્ત ટીમે આ વિસ્તારને ઘેરી લીધો હતો. આ દરમિયાન આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધી હતી. સુરક્ષા દળોએ આતંકવાદીઓને મોરચો લેતા પહેલા આત્મસમર્પણ કરવાની તક આપી હતી. આ હોવા છતાં, ફાયરિંગ ચાલુ જ રહી હતી, આ પછી, સૈનિકોએ મોરચો સંભાળીને ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા.
જમ્મુ-કાશ્મીર પોલીસના આઈજીપી વિજય કુમારે કહ્યું કે, શોધ દરમિયાન મકાનમાલિકે જણાવ્યું હતું કે આતંકીઓએ તેના મકાનમાં આશરો લીધો હતો. જ્યારે આતંકીઓને શરણાગતિ માટે કહેવામાં આવ્યું ત્યારે તેઓએ અંદરથી ગ્રેનેડ ફેંકી દીધું. તેમણે કહ્યું કે એન્કાઉન્ટર દરમિયાન શરૂઆતમાં એક આતંકીને ઠાર માર્યો હતો. જેની 10 મિનિટમાં જ, વધુ બે આતંકવાદીઓ માર્યા ગયા.
એક આતંકી ઓગસ્ટમાં, અને 2 જાન્યુઆરી માસમાં થયા હતા સામેલ
આઇજીપીના જણાવ્યા અનુસાર, માર્યા ગયેલા આતંકીઓમાંથી એક તો ગત વર્ષે ઓગસ્ટમાં જ જોડાયો હતો. તેમણે કહ્યું કે બાકીના બે આતંકવાદીઓ આ વર્ષે 1 જાન્યુઆરીએ આતંકી સંગઠનમાં જોડાયા હતા. આઈજીપીએ કહ્યું કે 2 જાન્યુઆરીએ ત્રાલમાં એસએસબી બંકર પર ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 8 સ્થાનિક લોકો અને એક જવાન ઘાયલ થયા હતા.
તેમણે કહ્યું કે આ હુમલામાં મરહમાના આતંકી આરિફ બશીરની ઓળખ થઈ હતી, જે આજે થયેલા એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. આ સિવાય અન્ય બે આતંકીઓની ઓળખ હસન નાઇકુ અને સૈયદ હાફિઝ તરીકે કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી એક એકે 47, 2 પિસ્તોલ અને 4 ગ્રેનેડ પણ મળી આવ્યા છે.