કાલુપુરની શેઠની પોળમાં આવેલ સીબી ગોલ્ડ મેન્યુફેક્ચરિંગનાં માલિક સાથે થયેલી છેતરપિંડી સોની બજારમાં ચર્ચાનો વિષય બની છે. સોનાનાં દાગીનાં બનાવનાર યુવક સોનાનાં ડ્રોની લોભામણી સ્કીમ સમજાવીને રૂ. ૭પ લાખનાં દાગીનાં લઈ રફુચક્કર થઈ જતાં સમગ્ર મામલાએ સોની બજારમાં ચકચાર મચાવી છે.
કારીગરે જ્વેલર્સને ડ્રોની લાલચ આપી સોનું લઈ ફરાર
જ્વેલર્સને ખબર પડી આવી કોઈ સ્કિમ નહોતી
કારીગર જ્વેલર્સનાં ગામનો હતો અને સોની બજારમાં નોકરી કરતો હતો.
આરોપીને કેવી રીતે ઓળખતાં હતાં
મણિનગરના શૈલી એપાર્ટમેન્ટમાં રહેતા બાનેશ્વર જાનાએ કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ બાનેશ્વરની કાલુપુર શેઠની પોળની અદાણી ચેમ્બર્સમાં સીબી ગોલ્ડ મેન્યુફેક્ચરિંગ નામની દુકાન ધરાવે છે. જેમાં તે સોનાના દાગીનાં બનાવવાનું કામ કરે છે. બાનેશ્વર તેમના ગામમાં રહેતા તાપસ ગોવિંદ મંડલને છેલ્લાં દસ વર્ષથી ઓળખતાં હતા. તાપસ ગોવિંદ કાલુપુરની રતનપોળમાં આવેલ બાગનપોળની ભરતી ચેમ્બર્સમાં સોનાનાં દાગીનાં બનાવવાનું કામકાજ કરતો હતો.
આ રીતે સ્કીમની લાલચ આપી
તા.રપ નવેમ્બર રોજ તાપસે બાનેશ્વરને કહ્યું કે, મેં એક સ્કીમ બનાવી છે, જેમાં ર૮ વેપારીઓએ ભેગા મળીને ર૮ મહિના માટે ૧ર૦૦ ગ્રામ સોનાનાં દાગીનાનો ડ્રો રાખવામાં આવ્યો છે. જેમાં દરેક વેપારીઓએ ર૮ મહિના માટે ૧ર૦૦ ગ્રામ સોનું જમા કરાવવું અને દર મહિને આ ડ્રો થશે. જેને ડ્રો લાગશે તેને ૧ર૦૦ ગ્રામ સોનુ આપી દેવાશે. ડ્રો દરમ્યાન કોઈ વેપારીને સોનુ ર૮ મહિના પહેલાં લેવું હોય તો તેની બોલી બોલવામાં આવશે. બોલી બાદ ૧ર૦૦ ગ્રામ સોનુ જે તે વેપારીને અપાશે. તેમજ વધેલું સોનું અન્ય સભ્યએ ભાગે પડતું વહેંચવાનું રહેશે. સાથે સોનું બાદ કરીને દરેક સભ્યે સોનાનો હપ્તો આપવાનો રહેશે.
આ રીતે સ્કીમમાં સોનું રોક્યું
બાનેશ્વરે તાપસની વાતમાં આવી જઈને બાનેશ્વર સ્કીમનાં સભ્ય બન્યા હતા. તેમજ આ સ્કીમમાં બાલેશ્વરે ચાર નામ લખાવ્યા બાદ રપ નવેમ્બરનાં રોજ આ સ્કીમ ચાલુ કરી હતી. બાનેશ્વરે સ્કીમ માટે ૧પ૬૩.૬૮૦ ગ્રામ સોનું તાપસને આપ્યું હતું. તાપસે બાનેશ્વરને વિશ્વાસ અપાવીને કહ્યું કે, તમને સ્કીમ મુજબ સોનું મળી જશે. જેથી બાનેશ્વર તાપસ પાસે દર મહિને સોનું જમા કરાવવા લાગ્યા હતા. ત્યારબાદ તાપસે વધુ એક સ્કીમ ચાલુ કરી હતી. જેમાં ર૪ મહિનાની એક કિલો સોનાની સ્કીમ શરૂ કરી હતી. આ ડ્રોમાં પણ બાનેશ્વરે ચાર નામ લખાવ્યા હતા. વધુ રકમની સ્કીમ ચાલુ કરતાં તેમાં પણ બાનેશ્વરે ચાર નામ લખાવ્યાં હતાં.
આરોપી ભાગી ગયો
આમ, ચાર મહિના હપ્તાની બંને સ્કીમ મળી રૂ.૭૫ લાખની કિંમતનું કુલ ૧૯૬૩.ર૬૦ ગ્રામ સોનું આપ્યું હતું. તા.૧૦ ડિસેમ્બરનાં રોજ બાનેશ્વરને એક વેપારી મારફતે જાણવા મળ્યું કે તાપસ મંડલ દુકાન-મકાન બંધ કરીને ભાગી ગયો હતો. તે પછી બાનેશ્વરે તાત્કાલિક તાપસ જ્યાં કામ કરતો હતો ત્યાં તેના ઘરે જઈને જોયું તો તાળું મારેલું હતું. ત્યારબાદ બાનેશ્વરે તાપસના મોબાઈલ પર ફોન કરવાનો સંપર્ક કર્યો, પરંતુ તાપસે ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો. બાનેશ્વર સાથે છેતરપિંડી થતાં તેમણે કાલુપુર પોલીસ સ્ટેશનમાં તાપસ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તેની તપાસ શરૂ કરી છે.
છેતરપિંડી કરીને લાખો રૂપિયાનું સોનું લઈને આરોપી ફરાર
ઉલ્લેખનીય છે કે શહેરમાં સોનાના દાગીના બનાવવા માટે મોટી સંખ્યામાં બહારથી કારીગરો કામ કરી રહ્યા છે અને દાગીના બનાવીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. જોકે કેટલાક કારીગરો સોનું લઈને ફરાર થઈ ગયા હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. કારીગરો સૌ પ્રથમ તો શહેરનાં વેપારીઓ સાથે સંપર્ક કરી તેમની સાથે વિશ્વાસ કેળવ્યા બાદ સોનું બનાવવા માટે દાગીનાં લઈને વેપારીઓને વિશ્વાસ અપાવવા માટે રાબેતા મુજબ દાગીનાં જમા પણ કરાવતા હોય છે. જોકે લાખોની કિંમતના દાગીના લીધા બાદ વેપારી સાથે છેતરપિંડી કરીને લાખો રૂપિયાનું સોનું લઈને ફરાર થઈ જતા હોય છે. શહેરના ઘણાં પોલીસ સ્ટેશનોમાં આ પ્રકારના કિસ્સાઓની ફરિયાદ નોંધાઈ છે.