વિશ્વની સૌથી મૂલ્યવાન ઓટો કંપની ટેસ્લાના સીઈઓ એલન મસ્કની ચેતવણી છે કે જો ટેસ્લાની કારનો ઉપયોગ જાસૂસી માટે થશે તો કંપની બંધ કરાશે.
ચાઈનીઝ ફોરમ પર વર્ચ્યુઅલ ચર્ચામાં એલન મસ્કે આપી ચેતવણી
ટેસ્લાનો ઉપયોગ જાસૂસી માટે થશે તો કંપની બંધ કરાશે
ચીની સેનાએ કેટલાક સેન્ટરોમાં ટેસ્લાના પ્રવેશ પર મૂક્યો પ્રતિબંધ
ચીની સેનાએ તેના કેટલાક સેન્ટરો પર ટેસ્લાની કારના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો છે અને આ મુદ્દે પ્રતિક્રિયા વ્યક્ત કરતા એલન મસ્કે આ વાત કહી છે. મસ્કે જણાવ્યું કે ફક્ત ચીન જ નહીં પરંતુ દુનિયાના કોઈ પણ દેશમાં આવું થાય તો ટેસ્લા કંપની બંધ થઈ શકે છે. ટેસ્લાની વૈશ્વિક વેચાણમાં ચીનની હિસ્સેદારી 30 ટકા છે.
ચીની સેનાએ કેટલાક સેન્ટરમાં ટેસ્લાની કાર પર પ્રતિબંધ મૂક્યો
ટેસ્લાની કારમાં કેમેરા ફીટ થયેલા હોવાથી ચીનને તેમાં સુરક્ષાનું જોખમ લાગી રહ્યું હોવાથી કેટલાક સેન્ટરોમાં ટેસ્લાની કારના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો. એલન મસ્કે જાણીતા ચાઈનીઝ ફોરમ પર વર્ચ્યુઅલ ચર્ચામાં કહ્યું કે અમારા માટે દરેક જાણકારી ખાનગી રાખવી જરુરી છે. જો ચીન કે કોઈ બીજી જગ્યા ટેસ્લાની કારનો જાસૂસી માટે ઉપયોગ કરે તો અમારી કંપની બંધ થઈ જશે.
ચીને ટેસ્લાની કાર પરનો પ્રતિબંધ એવે સમયે લગાવ્યો છે કે જ્યારે બન્ને દેશ બગડેલા સંબંધો સુધારવા અલાસ્કામાં મિટિંગ કરી રહ્યાં છે. અમેરિકામાં નવા પ્રમુખ જો બાઈડનના સત્તા સંભાળ્યા બાદ બન્ને દેશો વચ્ચેની આ પહેલી બેઠક છે. મસ્કે દુનિયાની મોટી બે ઈકોનોમી અમેરિકા અને ચીન વચ્ચેના પારસ્પરિક વિશ્વાસ વધારવા પર ભાર મૂક્યો છે.
ચીન દુનિયાનું સૌથી મોટું કાર બજાર
ચીન દુનિયાનું સૌથી મોટું કાર બજાર છે અને ઈલેક્ટ્રીક વિકલ્સ માટે પણ દુનિયાભરની કાર કંપનીઓ માટે આશાસ્પદ માર્કેટ છે. ટેસ્લાએ 2020 માં ચીનમાં 1,47,445 ઈવી કારનું વેચાણ કર્યું હતું જે દુનિયાભરમાં ટેસ્લાની કુલ કારના વેચાણના 30 ટકા હતા. જો આ વર્ષે ટેસ્લાને ચીનની કંપની નિયો ઈંક તરફથી મોટી ટક્કર મળી છે. ટેસ્લા ચીનમાં ઈલેક્ટ્રીક વાહનોનું વેચાણ જ નહીં પરંતુ નિર્માણ પણ કરે છે. 2019 માં એલન મસ્કે અલીબાબા ફાઉન્ડર જેક મા સાથે મંગળગ્રહ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અંગે ચર્ચા કરી હતી. ગત વર્ષે ચીનમાં બનાવાયેલ ટેસ્લાના મોડલ-3 સેડાન્સની ડિલિવરી ઈવેન્ટમાં મસ્કે સ્ટેજ પર ડાન્સ પણ કર્યો હતો અને પોતાનું જેકેટ પણ ઉતાર્યું હતું. આ ઘટના સોશિયલ મીડિયા પર છવાયેલી રહી હતી.