eknath shinde camp and bjp planning to make government after supreme court decision
મહારાષ્ટ્ર /
નવી સરકારના મંડાણના એંધાણ: ભાજપ અને એકનાથ શિંદે જૂથ બનાવી શકે છે સરકાર, શિંદે જૂથને મળશે આટલા મંત્રી પદ
Team VTV12:15 PM, 28 Jun 22
| Updated: 12:21 PM, 28 Jun 22
સુપ્રીમ કોર્ટમાંથી ગત રોજ મળેલી રાહત બાદ સૂત્રો દ્વારા એવી જાણકારી મળી રહી છે કે, મહારાષ્ટ્રમાં ટૂંક સમયમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવી શકે છે અને રાજ્યમાં ભાજપ તથા એકનાથ શિંદે જૂથ મળીને સરકાર બનાવે તેવી શક્યતાઓએ હાલમાં ચર્ચા જગાવી છે.
એકનાથ શિંદે જૂથ અને ભાજપ સરકાર બનાવે તેવી શક્યતા- સૂત્ર
એકનાથ શિંદે જૂથને મળી શકે છે 13 મંત્રી પદ- સૂત્ર
ભાજપ પોતાની પાસે 29 મંત્રી પદ રાખશે- સૂત્ર
એકનાથ શિંદે જૂથના બળવાખોર ધારાસભ્યોને સુપ્રીમ કોર્ટમાંથી મળેલી રાહત બાદ ભાજપ એક્ટિવ થઈ ગઈ છે. ભાજપ અને એકનાથ શિંદેની વચ્ચે હવે સરકાર ગઠનને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર ભાજપ અને શિંદેની વચ્ચે સરકાર બનાવાને લઈને મંથન ચાલી રહ્યું છે અને મંત્રી પદની વહેંચણીનું માળખું પણ લગભગ ફાઈનલ થઈ ગયું છે. સૂત્રો દ્વારા આ પ્રકારની જાણકારી મળી છે. સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે, 29 મંત્રી પદ ભાજપ પોતાની પાસે રાખશે અને એકનાથ શિંદે જૂથને 13 મંત્રી પદ મળશે. તેમાંથી 8 લોકોને કેબિનેટ મંત્રી બનાવામાં આવશે અને 8 લોકોને રાજ્યમંત્રી બનાવાની તૈયારીઓ ચાલી રહી છે.
આટલા લોકોને કેબિનેટ મંત્રી બનાવી શકે છે
ભાજપ સાથે મળીને સરકાર બનાવાની સ્થિતિમાં એકનાથ શિંદે, ઉદય સામંત, દાદા ભુસે, ગુલાબરાવ પાટિલ અને દીપક કેસરકરને કેબિનેટ મંત્રી બનાવી શકે છે. કહેવાય છે કે, એકનાથ શિંદે જૂથ તરફથી ડેપ્યુટી સીએમના પદને લઈને પણ પ્રેશર થઈ રહ્યું છે. જો કે, અત્યાર સુધી તેને લઈને કોઈ સહમતી થઈ નથી. ચર્ચાઓ એવી પણ ચાલે છે કે, ભાજપ અને એકનાથ શિંદે જૂથ તરફથી ટૂંક સમયમાં જ વિશ્વાસ મત પ્રસ્તાવની માગ રાજ્યપાલ પાસે કરવામાં આવી શકે છે. હકીકતમાં જોઈએ તો, સુપ્રીમ કોર્ટે સોમવારે આપેલા આદેશ અનુસાર 15 બળવાખોર ધારાસભ્યોને ડેપ્યુટી સ્પિકર તરફથી અયોગ્ય ઠેરવવા પર જે નોટિસ મળી છે, તેના પર 12 જૂલાઈ સુધી જવાબ આપી શકશે.
ભાજપ અને એકનાથ શિંદે જૂથ આ વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે
ત્યારે આવા સમયે ધારાસભ્યોનું સભ્યપદ બે અઠવાડીયા સુધી સુરક્ષિત રહેશે અને વિધાનસભામાં મતદાન કરી શકશે. ભાજપ અને એકનાથ શિંદે જૂથ બે વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે. પહેલો વિકલ્પ એવો છે કે, બળવાખરો ધારાસભ્યોને પુરતી સુરક્ષાની વચ્ચે વિધાનસભામાં વોટિંગ માટે લાવવામાં આવે. તેના માટે બળવાખોર ધારાસભ્યોને ગેરહાજરીમાં કેવી રીતે બહુમત સાબિત કરી શકાય. તેના પર પણ ભાજપ મંથન કરી રહ્યું છે. હકીકતમાં જોઈએ તો, મુંબઈ આવવા પર અમુક ધારાસભ્યોનો મત બદલી શકે છે અને શિવસેનાનો પ્રભાવનું પણ રિસ્ક રહેલુ છે. ત્યાર આવા સમયે ભાજપ કોઈ બીજા વિકલ્પ પર વિચાર કરી શકે છે.