Team VTV10:29 PM, 06 Dec 21
| Updated: 10:32 PM, 06 Dec 21
ઓમિક્રોન આવ્યા પહેલાં લોકો ટૂર પેકેજ ત્રણથી છ મહિના એડ્વાન્સમાં બુક કરાવતા હતાઃ હવે માત્ર 20 દિવસ પહેલાં જ પ્લાન કરે છે
ઓમિક્રોનનો આતંક વધતા પ્રવાસનું અંતર ટુકાયું
ફરવા જવા નજીકનાં સ્થળો પસંદ કરવા લાગ્યા લોકો
સ્વદેશમાં ફરનારા લોકો વધ્યા
કોરોના મહામારીની અસર અન્ય બિઝનેસની સાથે ટ્રાવેલ ઈન્ડસ્ટ્રી પર પણ પડી હતી, પરંતુ કોરોના ઠંડો પડતાં ફરી ટ્રાવેલ ઉદ્યોગ દિવાળીના તહેવારોમાં ધમધમી ઊઠ્યો હતો. જેના કારણે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ઇન્ડસ્ટ્રીઝમાં પણ પ્રાણ ફૂંકાયો હતો.
લાંબા સમયથી ઘરમાં કેદ રહેલા લોકોએ ફરીથી ટ્રાવેલ પ્લાન કરી લેવાનું ફરી શરૂ કરી દીધું છે અને લોકો એડ્વાન્સ બુકિંગ પણ કરી લે છે, પરંતુ ફરી હવે ફ્લાઇટ શેડ્યૂલની અનિશ્ચિતતા અને ઓમિક્રોનના ડરના કારણે ક્યાંક ફસાઈ જવાના ડરને લીધે આગોતરા પ્લાનિંગ કરવાનું લોકોએ માંડી વાળ્યું છે. તાત્કાલિક બુકિંગ મોઘું પડે છતાં લોકો તેમ કરી રહ્યા છે.
ફરવા જવાના 20 દિવસ પહેલાં જ ટિકિટ બુક કરવા લાગ્યા લોકો
હાલમાં ટિકિટ બુક કરવાથી લઈને ફરવા જવાનાં સ્થળની પસંદગી સુધી આ મોટા બદલાવ જોવા મળી રહ્યો છે. કોરોના મહામારી પહેલાં વિદેશમાં અભ્યાસ, બિઝનેસ ડીલ કે ફરવા જવા માટે ત્રણ મહિના પહેલાં એડ્વાન્સ પેકજ -ટિકિટ બુક કરાવી લેતા લોકો હવે માટે માંડ બેથી ત્રણ વીક પહેલાં ટ્રાવેલ પ્લાન કરી રહ્યા છે. હવે ફરવા જવાના 20 દિવસ પહેલાં જ લોકો ટિકિટ બુક કરાવે છે અને હોટલની પસંદગી કરે છે. એટલું જ નહિ જ્યારે કોરોના નહોતો ત્યારે લોકો દૂરનાં સ્થળે ફરવા જવાનું પસંદ કરતા હતા પરંતુ હવે તેઓ દૂર ફરવા જવાના બદલે હવે નજીક અથવા તો ઘરઆંગણે જ ફરવા જવા લાગ્યા છે. તેમ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનાં સૂત્રો દ્વારા જાણવા મળે છે.
ક્રિસમસ દરમિયાન વિદેશ નહીં સ્વદેશમાં ફરનારા લોકો વધ્યા
સામાન્ય રીતે દરેક વખતે ક્રિસમસમાં લોકો વિદેશમાં ફરવા જવાનું વધુ પસંદ કરતા હોય છે આ સમયે ફ્લાઇટના ભાવ પણ વધી જાય છે, પરંતુ કોરોના બાદ આ વલણ બદલાયું છે. ક્રિસમસમાં હાલમાં ગોવા, રાજસ્થાન, લોનાવાલા, મુંબઈ, મહાબળેશ્વર જનારા વર્ગની સંખ્યા વધુ જોવા મળી રહી છે. પરંતુ જે વિદેશ ટૂર રદ થાય છે તેમાં ફરવા જનારા વર્ગનો સમાવેશ થતો હોય છે. ત્યાર બાદ બિઝનેસ ટૂર અને સૌથી છેલ્લે અભ્યાસ માટે બુક કરાવેલી ટૂર રદ થઇ રહી હોવાનું જાણવા મળે છે.
અગાઉ ક્રિસમસ વખતે લોકો પેકેજ ટૂર બુક કરાવી વિદેશમાં ફરવા જવાનું પસંદ કરતા હતા પરંતુ કોરોના બાદ સંક્રમણના ભયથી પ્રવાસીઓ હવે ફરવા જવા માટે નજીકનાં સ્થળની પસંદગી કરે છે, જેમકે કોરોના બાદ જન્માષ્ટમી અને દિવાળીના પર્વમાં લોકોએ સૌરાષ્ટ્રમાં અને દેશમાં જ ફરવાનું પસંદ કર્યું હતું