પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી માટે વિધાનસભામાં પહોંચવાનો રસ્તો સાફ થઈ ગયો છે.ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળની ખાલી પડેલી ત્રણ વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજવા માટે લીલી ઝંડી આપી છે.
મમતા બેનર્જી માટે વિધાનસભામાં પહોંચવાનો રસ્તો સાફ
30 સપ્ટેમ્બરે બંગાળમાં યોજાશે પેટા ચૂંટણી
ત્રણ ખાલી બેઠકો પર ચૂંટણી યોજવા ECની લીલી ઝંડી
13 સપ્ટેમ્બર સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે
પશ્ચિમ બંગાળમાં પેટાચૂંટણીનું એલાન
મમતા બેનર્જી અને તૃણમૂલ કોંગ્રેસને આજે સૌથી મોટી રાહત મળી છે, છેલ્લા ઘણા સમયથી મમતા બેનર્જીની ખુરશી પર તલવાર લટકી રહી હતી અને તૃણમૂલ કોંગ્રેસ પેટાચૂંટણી કરાવવા માટે તલપાપડ થઈ રહી હતી ત્યારે આજે હાઇપ્રોફાઇલ સીટ એટલે કે ભવાનીપૂરમાં પેટાચૂંટણીનું એલાન કરી દેવામાં આવ્યું છે. સંભવતઃ મમતા બેનર્જી ભવાનીપુરથી જ પેટાચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતરશે.
મમતા બેનર્જીનાં શ્વાસમાં શ્વાસ આવ્યો
પશ્ચિમ બંગાળ વિધાનસભાની ભવાનીપુર સીટ પર 30મી સપ્ટેમ્બરે પેટાચૂંટણીનું એલાન કરી દેવામાં આવ્યું છે. પશ્ચિમ બંગાળમાં જે વિધાનસભા ચૂંટણી થઈ તેમાં નંદીગ્રામની સીટ પર ભાજપનાં અધિકારી સામે દીદીનો પરાજય થયો હતો. નંદીગ્રામ પરની સીટ પરથી હારી જવાના કારણે મમતા બેનર્જી અત્યારે વિધાનસભાનાં સભ્ય નથી અને મુખ્યમંત્રી છે.
મમતા બેનર્જી માટે ખૂબ જરૂરી હતી પેટાચૂંટણી
નોંધનીય છે કે બંધારણનાં નિયમો અનુસાર પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી બન્યા રહેવા માટે મમતા બેનર્જીએ છ મહિનાની અંદર વિધાનસભાની સદસ્યતા પ્રાપ્ત કરવી અનિવાર્ય છે. એવામાં છેલ્લા ઘણા સમયથી ટીએમસી દ્વારા પેટાચૂંટણીની માંગ કરવામાં આવી રહી હતી પરંતુ કોરોના વાયરસનાં કારણે આ ચૂંટણી થઈ શકી નહીં. હવે જ્યારે પેટાચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે મમતા બેનર્જી પેટાચૂંટણીમાં ઉમેદવારી કરી પોતાની ખુરશી બચાવવા માટે પ્રયાસ કરશે.
દીદીને જીતનો વિશ્વાસ
હાલમાં અલગ અલગ રાજ્યોમાં 31 વિધાનસભા બેઠકો અને બે લોકસભા બેઠકો ખાલી છે. આ તમામ બેઠકો પર પેટા ચૂંટણી બાકી છે. જોકે બંગાળના વિશેષ અનુરોધ પર બંગાળની ત્રણ બેઠકો પર ચૂંટણી યોજવાનુ ચૂંટણી પંચે જાહેર કર્યુ છે.આ બેઠકો પર 13 સપ્ટેમ્બર સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે. 30 સપ્ટેમ્બરે ચૂંટણી અને બે ઓક્ટોબરે મત ગણતરી હાથ ધરવામાં આવશે.હવે મમતા બેનર્જી માટે વિધાનસભા પહોંચવાનો રસ્તો સાફ મનાઈ રહ્યો છે. મમતા બેનર્જી ભવાનીપુર બેઠક પરથી ચૂંટણી લડશે અને એવુ લાગે છે કે, આ બેઠક પર મમતા બેનર્જીની જીત નિશ્ચિત છે.
ત્રીજી ઓક્ટોબરે આવશે પરિણામ
નોંધનીય છે કે ભવાનીપુરની સાથે સાથે બંગાળમાં શમશેરગંજ અને જાંગીપૂર બેઠક પર પણ પેટાચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ પેટાચૂંટણીનાં પરિણામ ત્રીજી ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે.