છેલ્લા ઘણાં સમયથી અમરેલી અને સાવરકુંડલા પંથકમાં ભૂકંપના હળવા આંચકા આવતા રહે છે. ત્યારે રાત્રિના 1.42 મિનિટે ફરી ધરતીકંપનો આંચકો આવતા વિસ્તારમાં લોકો ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે. મહત્વનું છે કે, રાત્રે આવેલ ભૂકંપની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.3 નોંધાઈ છે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો પોતપોતાના ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા.
અમરેલીના મીતીયાળામાં ફરી ભૂકંપનો આંચકો આવ્યો છે. મધરાત્રે 1.42 વાગ્યે આવેલા ભૂકંપની ગાંધીનગર સિસ્મોલોજી વિભાગે પુષ્ટિ કરી છે. મહત્વનું છે કે, અમરેલી પંથકમાં છેલ્લા કેટલાક દિવસથી ભૂકંપના આંચકાઓ સતત વધી રહ્યા છે. જોકે રાત્રિના સમયે અમરેલીના સાવરકુંડલાના મીતીયાળામાં આવેલા ભૂકંપની રિક્ટેર સ્કેલ પર 3.3ની તીવ્રતા નોંધાઈ છે. આ સાથે મીતીયાળા અને સાકરપરાની વચ્ચે ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે.
અનેક ગામોમાં અનુભવાયા ભૂકંપના આંચકા
અમરેલીના મીતીયાળામાં મધરાત્રે આવેલા ભૂકંપની અસર આસપાસના ગામોમાં થઈ હતી. વિગતો મુજબ પંથકના મીતીયાળા, સાકરપરા, ધજડી, ખાંભાના ભાડ, વાંકીયામાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રાત્રિના 1.42 મિનિટે ધરતીકંપનો આંચકો આવ્યો હોવાની ગાંધીનગર સિસ્મોલોજી વિભાગે પુષ્ટિ કરી છે.
2 દિવસ અગાઉ પણ મીતીયાળામાં આવ્યો હતો ભૂકંપ
છેલ્લા ઘણાં સમયથી અમરેલીનાં ખાંભા અને સાવરકુંડલા વિસ્તારમાં ભૂકંપના હળવા આંચકા આવતા રહે છે. ત્યારે 23 ફેબ્રુઆરીએ અમરેલીની ધરતી ધણધણી ઉઠી હતી. 23 ફેબ્રુઆરીએ સવારે 9:06 કલાકે અમરેલી પાસે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો પોતપોતાના ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા. વહેલી સવારે અમરેલીમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.1 માપવામાં આવી હતી. તો ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી 44 કિમી દૂર નોંધાયું હતું.
ઇન્ડો ઓસ્ટ્રેલિયન ફોલ્ટના કારણે વધ્યા ભૂકંપના આંચકા
કચ્છ, અમરેલી, સુરત સહિતના જિલ્લાઓમાં આંચકા વધવા પાછળનું મુખ્ય કારણ ઇન્ડો ઓસ્ટ્રેલિયન ફોલ્ટ લાઇન માનવામાં આવી રહી છે. એક રિપોર્ટ મુજબ, ઇન્ડો ઓસ્ટ્રેલિયન ફોલ્ટ લાઈનમાં મુખ્ય ટ્રાઇનગેલના લીધે ભૂકંપ આવે છે. ટ્રાઇએંગલમાં તુર્કી, જાપાન અને ઓસ્ટ્રેલિયાનો પણ સમાવેશ થાય છે. આ સાથે ઇન્ડો ઓસ્ટ્રેલિયન ફોલ્ટ લાઇનમાં ડિસ્ટર્બનથી ભૂકંપો વધ્યા છે તેવું પણ એક અનુમાન સામે આવ્યું છે.
તિરોડોથી બની છે નવી-નવી ફોલ્ટ લાઈન
ફોલ્ટ લાઇનને અનુરુપ વિસ્તારોમાં ભૂકંપથી તિરાડો પડી છે. તિરાડો પડતા જ નવી-નવી ફોલ્ટ લાઇનો જમીનમાં બની છે. જેમાંથી એક મેજર ફોલ્ટ લાઇન કચ્છની અને બીજી તાપ્તી ફોલ્ટ લાઇન ખંબાત અખાત, ભરુચ, રાજપીપલા, ડાંગને ઇફેક્ટ કરે છે. તો એક ફોલ્ટ લાઇન ભાવનગર, અમરેલી સહિતના વિસ્તારોમાં ઇફેક્ટ કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મુખ્ય ફોલ્ટ લાઇનમાં 100 ગણી એક્ટિવિટી વધી છે. અગાઉ આવા ભૂકંપો 10 વર્ષે આવતા હતા. જ્યારે હવે ઇન્ડો-ઓસ્ટ્રેલીયા-જાપાનમાં વારંવાર આવે છે.
ભૂકંપ આવે તો શું કરવું ?
ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.
વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ.
ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય.
ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.
ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે.
ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.
દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.
ભૂકંપની તીવ્રતા કેવી રીતે મપાય છે?
7.9 રિક્ટર સ્કેલ પર ભૂકંપ આવવા પર બિલ્ડીંગો ધરાશાયી થઇ જાય છે. ત્યારે 2.9 રિક્ટર સ્કેલ ભૂકંપ આવવા પર સામાન્ય ધ્રૂજારી થાય છે. જ્યારે 9ની તીવ્રતા પર તબાહી મચી જાય છે. આપણે બતાવીએ ભૂકંપની કેટલી તીવ્રતા આવાથી શું થઇ શકે અને તેની અસર કેવી થાય.
0થી 2 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવતા તેની અસર ઓછી થાય છે. આંચકાનો અનુભવ થતો નથી. માત્ર સીઝ્મોગ્રાફથી જ જાણી શકાય છે.
2થી 2.9 રિક્ટર સ્કેલઃ આ ભૂંકપ આવવાથી સામાન્ય આંચકો અનુભવાય છે. થોડી અસર થાય છે.
3થી 3.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવતાં પંખા અને ઝુમર હલવા માંડે છે. આવા આંચકાથી વસ્તુઓ વેર વિખેર થઇ જાય છે. તમારી બાજુમાંથી કોઇ ટ્રક પસાર થયો હોય તેવી અસર થાય છે.
4થી 4.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ એ સાવધાનનો ઇશારો આપે છે. દિવાલોમાં તિરાડો પડી શકે છે. કાચા મકાનો નીચે પડે છે. બારીઓ તૂટી શકે છે. દીવાલો પર લટકાવેલી વસ્તુઓ નીચે પડી શકે છે.
5થી 5.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ ખતરનાક સાબિત થાય છે. ફર્નિચર તેની જગ્યા પરથી હલવા માંડે છે. વધુ નુકશાન થાય છે. ફર્નિચર હલવાથી નાની મોટી ઇજાઓ પણ પહોંચે છે.
6થી 6.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ બહુજ ખતરનાક માનવામાં આવે છે. આ આંચકો આવાથી કાચી ઇમારતો વધુ પડે છે. જેથી જાનમાલને વધુ નુકશાન થાય છે. ઇમારતોના ઉપરના માળને નુકસાન થઇ શકે છે. ઇમારતોમાં તિરાડો પડી શકે છે.
7થી 7.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવવા પર બિલ્ડીંગો ધરાશાયી થઇ શકે છે. જમીનની અંદરના પાઇપ ફાટી જાય છે. આ ભૂકંપ આવાથી વધુ તબાહી મચાવી છે. આવો ભૂકંપ ગુજરાતમાં વર્ષ 2001માં ભૂજમાં આવ્યો હતો. અને વર્ષ 2015માં નેપાળમાં આવ્યો હતો. આ ભૂકંપે તબાહી મચાવી દીધી હતી.
8થી 8.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવાથી સંપૂર્ણ વિનાશ કરી દે છે. ઇમારતો સહિત પુલ પડી જાય છે.
9 અને તેનાથી વધુ રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવવા પર સંપૂર્ણ તબાહી સર્જાઇ શકે છે. કોઇ મેદાનમાં ઉભા હોઇએ તો તેને ધરતી લહેરાતી જોવા મળે. સમુદ્ર નજીક હો તો સુનામી આવે. ભૂકંપમાં રિક્ટર દરેક સ્કેલના મુકાબલે 10 ગણો વધુ ખતરનાક હોય છે.