મહારાષ્ટ્રના સતારામાં આજે સવારના ૭.૪૮ કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિકટર સ્કેલ પર તેની તીવ્રતા ૪.૮ માપવામાં આવી હતી, જોકે ભૂકંપના કારણે કોઇ પણ પ્રકારના નુકસાન કે ખુવારી થયાના સમાચાર નથી.
ભૂકંપ આવ્યા બાદ લોકોમાં ભારે અફરાતફરી મચી ગઇ હતી. લોકો હજુ સવારના જાગ્યા હતા ત્યાં જ ભૂકંપ આવતાં ડરના માર્યા ઘરની બહાર દોડી જઇને રસ્તા પર આવી ગયા હતા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ ભૂકંપનું એપી સેન્ટર સતારામાં પૃથ્વીની સપાટીથી ૧૦ કિ.મી. ઊંડે હતું. ભૂકંપ આવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં હલચલ મચી ગઇ હતી. પ્રશાસન પણ તુરત એલર્ટ થઇ ગયું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં પણ આ વર્ષે ર૦૧૯માં કેટલાય ભૂકંપના આંચકા અનુભવાયા છે. ર૦ ફેબ્રુઆરીએ પાલઘરમાં એક જ દિવસમાં ત્રણ વાર ભૂકંપના ત્રણ આંચકા અનુભવાયા હતા.
આજ દિવસે ઉત્તર ભારતના કેટલાય શહેરોમાં પણ ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. રિકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૪.૦ની હતી. ભૂકંપ આવવાનું કારણ પૃથ્વીની ટેકટોનિક પ્લેટમાં થતી ઊથલપાથલ છે. આ પ્લેટ નીચે તરલ પદાર્થ લાવાના સ્વરૂપમાં હોય છે અને પ્લેટ લાવા પર તરી રહી હોય છે તેના ટકરાવાથી ભૂકંપ આવે છે.