આજથી લગભગ ૨૭૦ કરોડ વર્ષ પહેલાં પૃથ્વીથી ટકરાનાર સૂક્ષ્મ ઉલ્કાપિંડોના નમૂનાની તપાસ કરતો એક નવો અભ્યાસ સામે આવ્યો છે. પ્રારંભિક પૃથ્વીનું વાતાવરણ ઓક્સિજનના બદલે કાર્બન ડાયોક્સાઇડથી સમૃદ્ધ હતું. તે સમયે આપણા ગ્રહમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધુ હતી. અગાઉના અભ્યાસમાં એ વાત સામે આવી હતી કે ઉલ્કાપિંડ અહીં ઓક્સિજન સાથે ટકરાયા હતા, પરંતુ આ વાત તે સિદ્ધાંતો અને પુરાવાનું ખંડન કરે છે. જે કહે છે કે પૃથ્વીનું પ્રારંભિક વાતાવરણ ઓક્સિજન રહિત હતું.
૭૦ ટકાથી વધુ હતી કાર્બન ડાયોક્સાઈડની માત્રા
સીએટલની યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનના સંશોધક અને આ અભ્યાસના પ્રથમ લેખક ઓવેન લેહમરે કહ્યું કે અમે અભ્યાસમાં જાણ્યું કે આ સૂક્ષ્મ ઉલ્કાપિંડોને વાતાવરણમાં ઉચ્ચ સ્તરના કાર્બન ડાયોક્સાઇડ નો સામનો કરવો પડ્યો હતો. તેનો અર્થ પૃથ્વીની શરૂઆતના સમયમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા એવી જ હતી જેવી વિચારવામાં આવી હતી.
તેમણે કહ્યું કે પ્રારંભિક પૃથ્વી પર સ્થિતિ જાણવી આપણા ગ્રહના ઇતિહાસને સમજવા માટે મહત્ત્વપૂર્ણ છે. તેનાથી અન્ય ગ્રહો પર જીવનની શક્યતાઓની શોધમાં પણ મદદ મળી શકે છે. વર્તમાનમાં પૃથ્વીના વાતાવરણમાં નાઇટ્રોજન ગેસની માત્રા સૌથી વધુ મળી આવે છે.
પૃથ્વી ઉપરથી મળી આવતા જૂનાં ઉલ્કાપિંડો પૃથ્વીના ઘણા રહસ્યો ઉજાગર કરે છે
સંશોધકોએ કહ્યું કે ઉલ્કાપિંડ ના નમૂનાઓ પર જે પ્રભાવ અમને જોવા મળ્યો છે તેનો કમ્પ્યૂટર સિમ્યુલેશન દ્વારા અભ્યાસ કરીએ તો જાણવા મળે છે કે આવો પ્રભાવ વાયુમંડળમાં ૭૦ ટકાથી વધુ કાર્બન ડાયોક્સાઇડની માત્રા હોવાથી પડે છે. પ્રાચીન ઉલ્કાપિંડોમાં ઓક્સિકરણની માત્રા જણાવે છે કે શરૂઆતનું વાતાવરણ કાર્બન ડાયોક્સાઇડથી ખૂબ જ સમૃદ્ધ હતું.