DyCM nitin patel gave statement on price hike Petrol-diesel prices are not likely to come down at present
Video /
પેટ્રોલ-ડીઝલના ભાવ પર ગુજરાતમાં કોઈ રાહત મળશે કે નહીં? DyCM નીતિન પટેલે આપ્યું નિવેદન
Team VTV12:46 PM, 18 Feb 21
| Updated: 12:54 PM, 18 Feb 21
ભારતમાં છેલ્લા દસ દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ કોઈ રાહત નહીં મળે તેવા સંકેત આપ્યા છે.
પેટ્રોલ ભાવ વધારા અંગે DYCM નીતિન પટેલનુ નિવેદન
'ક્રુડના ભાવ ઘટે તો જ ભાવ પેટ્રોલ -ડીઝલના ભાવ ઘટે'
'ગુજરાતમાં સૌથી ઓછો વેટ દર છે'
કોઈ રાહત મળવાના અણસાર નથી
ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે અને દેશના ઘણા શહેરોમાં તો કિંમત 100ને પાર થઈ ગઈ છે. વિપક્ષ સરકારને સવાલ પૂછી રહ્યું છે ત્યાં વડાપ્રધાન મોદીના નિવેદન બાદ હવે ગુજરાત સરકારના મંત્રીઑ પણ સામે આવ્યા છે. જોકે આ નિવેદનથી સ્પષ્ટ છે કે હાલ જનતાને કોઈ રાહત મળે તેવા અણસાર નથી આટલું જ નહીં પૂર્વની કોંગ્રેસ સરકાર પર આ મુદ્દે સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે.
શું કહ્યું નીતિન પટેલે?
ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત મુદ્દે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે આખા દેશની અંદર અત્યારે પેટ્રોલ અને ડીઝલ જે ટેક્સ છે તે આખા દેશમાં ગુજરાતમાં સૌથી ઓછો છે. અન્ય શહેરો અને રાજ્યોમાં જે કિમત છે તેના કરતાં ઓછી કિંમત અહિયાં છે.
ક્રૂડ ઓઇલના ભાવ ઘટે તો જ કિંમતો ઘટશે
તેમણે વધુમાં કહ્યું કે ભારતમાં ક્રૂડ ઓઇલ ખૂબ ઓછું મળે છે. ગઇકાલે જ પીએમ મોદીએ જે માહિતી જાહેર કરી તે પ્રમાણે 85 ટકા ક્રૂડ ઓઇલ બહારથી આયાત કરવું પડે છે. પહેલા 51-52 પર બેરલની કિંમત હતી તે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ભાવ વધારો થયો તેના કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થયો છે. આ સિવાય કોરોના મહામારીમાં પણ દેશમાં બધી જ સરકારોની આવક ઘટી ગઈ છે. તેને ધ્યાનમાં રાખીને બજેટમાં કેન્દ્ર સરકારે ખેડૂતોને મદદ મળી રહે તે માટે સેસ નાખ્યો છે અને સેસના કારણે પેટ્રોલ-ડીઝલ પર અસર પડે છે. તેમણે કહ્યું કે પ્રજા પર કોઈ બોજો આવ્યો નથી અને આંતરરાષ્ટ્રીય ભાવ જે વધ્યા છે તેના કારણે આ ભાવ વધ્યા છે.
પૂર્વની સરકારે કામ કર્યું હોત તો આજે ભાવ ના વધ્યા હોત
આપણે આશા રાખીએ કે ઓઇલમાં ભાવ ઘટાડો આવે. આપણે ફક્ત પરદેશી ઓઇલ પર આધાર રાખીએ એ ચાલે નહીં. તેથી સોલર એનર્જીને લઈને ખૂબ મોટું કામ કરવામાં આવી રહ્યું છે. પીએમ મોદીએ સોલાર માટે ખૂબ મોટું કામ ચાલુ કર્યું છે. નીતિન પટેલે આ મુદ્દા પર વિપક્ષ પર દોષનો ટોપલો ઢોળી દેતા કહ્યું કે જો પૂર્વની કોંગ્રેસ સરકારે આ બધુ કામ કર્યું હોત તો આજે તેલ આયાત ન કરવું પડ્યું હોત. ક્રૂડ ઓઇલનો ઉપયોગ ઘટે અને આપણી વિદેશી હૂંડીયામણ બચે તે માટે વડાપ્રધાન મોદીનું જે નિવેદન હતું તે આપણે ધ્યાનમાં લેવું જોઈએ.