DyCM Nitin patel anti nationals leftists khalistanis in farmers protest
ખેડૂત આંદોલન /
પાકિસ્તાન, ખાલિસ્તાન તરફી અને ટુકડે-ટુકડે ગેંગના અમુક દેશ વિરોધી લોકો આંદોલનમાં ઘુસી ગયાઃ DyCM નીતિન પટેલ
Team VTV11:49 PM, 17 Dec 20
| Updated: 07:45 AM, 18 Dec 20
કૃષિ કાયદાઓ વિરૂદ્ધ દિલ્હીની બોર્ડર પર ચાલી રહેલા ખેડૂતો આંદોલનનો 22 દિવસ વીતી ચૂક્યા છે. તો બીજી તરફ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ભાજપ દ્વારા કૃષિ કાયદા જાગૃતિ અભિયાન શરૂ કરાયું છે. ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભાજપના મંત્રી અને નેતાઓ દ્વારા અનેક ખેડૂત સંમેલનો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પંચમહાલના મોરવા હડફ ખાતે સંબોધન કર્યું હતું.
ભાજપ દ્વારા ગુજરાતમાં યોજાઇ રહ્યા છે ખેડૂત સંમેલન
50 હજાર લોકો કહે એટલે કાશ્મીર છોડી દેવાનું?: DyCM નીતિન પટેલ
સાચા ખેડૂતો આંદોલન કરે છે તેમાં ખાલિસ્તાની અને પાકિસ્તાની તરફીઓ જોડાઇ ગયા છેઃ DyCM
પંચમહાના મોરવા હડફની કોલેજના કંપાઉન્ડમાં ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પંચમહાલ, મહીસાગર અને દાહોદના ભાજપના નેતાઓ અને ખેડૂતોને નવા કૃષિ કાયદા અંગે માહિતગાર કર્યા હતા. તો તેમણે આ દરમિયાન કોંગ્રેસ અને વિપક્ષી પાર્ટીઓને આડેહાથ લીધી હતી. જોકે તેમણે પાકિસ્તાન, ખાલિસ્તાન, ચીન અને ટુકડે ટુકડે ગેંગને લઇને આડકતરી રીતે ઇશારો કર્યો હતો.
ભાજપ દ્વારા ગુજરાતમાં યોજાઇ રહ્યા છે ખેડૂત સંમેલન
નાયબ મુખ્યમંત્રીએ નવા કૃષિ કાયદા અંગે કહ્યું કે, ભારત સરકારના કૃષિ બિલના સમર્થનમાં ગુજરાતમાં ઠેર-ઠેર ખેડૂત સંમેલન યોજાઇ રહ્યા છે. સંગઠનથી જ સરકાર બને છે, સરકારથી સંગઠન નથી બનતું. સંગઠનની તાકાતથી ભાજપ આગળ વધી રહી છે. હાલ માત્ર ગુજરાત એકલાંમાં જ 1 કરોડ 11 લાખ ભાજપનાં કાર્યકર્તાઓ છે. જે ઘણી મોટી ઉપલબ્ધી કહેવાય.
નવા કૃષિ કાયદામાં ભારતનો ખેડૂત આખા દેશમાં પોતાનું ખેત ઉત્પાદન વેચી શકશેઃ DyCM નીતિન પટેલ
ખેડૂતના પાક વેચાણની પ્રક્રિયા પર થતા ખર્ચ અંગે નીતિન પટેલે જણાવ્યું હતું કે, આ બધો ભાર કન્યાની કેડે આવે છે. પરંતુ નવા કૃષિ કાયદાથી સમગ્ર ભારતના ખેડૂતોને સીધો ફાયદો થવાનો છે. નવા કૃષિ કાયદાથી હવે સમગ્ર ભારતના ખેડૂતોને માર્કેટ યાર્ડ બહાર વેચાયેલ માલની શેષ માર્કેટ યાર્ડને આપવી નહીં પડે. ગુજરાતના માર્કેટ યાર્ડને વર્ષે દહાડે 100 કરોડની આવક થાય છે. જે સીધે સીધું હવે ખેડૂતોને જ ફાયદો થવાનો છે. નવા કૃષિ કાયદામાં ભારતનો ખેડૂત આખા દેશમાં પોતાનું ખેત ઉત્પાદન વેચી શકશે.
50 હજાર લોકો કહે એટલે ગમે તે કરી દેવાનું ?: DyCM નીતિન પટેલ
વધુમાં DyCMએ કહ્યું કે, ભારતમાંથી કૃષિ કાયદાનો વિરોધ માત્ર 2 જ રાજ્યો કરે છે. પંજાબ અને હરિયાણા સિવાય કોઇ વિરોધ નથી કરી રહ્યું. દેશના અન્ય ખેડૂતો આ કાયદાનો વિરોધ નથી કરી રહ્યા. 130 કરોડમાંથી 50 હજાર લોકો કાયદાનો વિરોધ કરે તો કાયદો કોઈ કાળે બદલી ન શકાય. વધુમાં નીતિન પટેલે ઉપસ્થિત આગેવાનોને પૂછ્યું કે, 50 હજાર લોકો પાર્લામેન્ટે પાસ કરેલો કાયદો રદ્દ કરી દેવાનો? 50 હજાર લોકો કહે એટલે કાશ્મીર છોડી દેવાનું? 50 હજાર લોકો કહે એટલે ગમે તે કરી દેવાનું ?
પાકિસ્તાન, ખાલિસ્તાન, ચીન અને ટુકડે ટુકડે ગેંગને લઇને DyCMનો આડકતરી રીતે ઇશારો
કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલુ ખેડૂત આંદોલન સામ્યવાદીઓ પ્રેરિત હોવાનો નીતિન પટેલે આડકતરી રીતે ઈશારો કર્યો હતો. સાચા ખેડૂતો આંદોલન કરે છે તેમાં ખાલિસ્તાની અને પાકિસ્તાની તરફીઓ જોડાઇ ગયા છે. બધા એવા નથી, 25000માં 5000 એવા લોકો આવી ગયા છે. કેટલાક દેશ વિરોધી લોકો આ ખેડૂત આંદોલનમાં આવી ગયા છે. આ આંદોલનો ખાલીસ્તાનિઓ, પાકિસ્તાન, ચીન તરફીઓ અને ટુકડે-ટૂકડે ગેંગ, આતંકવાદીઓ અને કોંગ્રેસ આ આંદોલનને ચલાવવા પૈસા સહિતની સહાય કરી ચલાવડાવી રહ્યા છે. અને દેશની એકતાને તોડવા અને મોદી સરકારની છબી ખરાબ કરવાની કોશિશ તેના થકી થઈ રહી હોવાના શાબ્દિક પ્રહારો કર્યા હતા.