ગીર સોમનાથમાં ભારે પવન અને વરસાદથી કોડીનાર-દેવડી રોડ પર અનેક વૃક્ષો ધરાશાઈ થયા છે, વૃક્ષ ધરાશાઈ થતા વીજ પુરવઠો ખોરવાયો હતો
ગીર સોમનાથમાં પવન સાથે વરસાદથી વૃક્ષ ધરાશાઈ
માંગરોળમાં સતત વરસાદના કારણે પાણી ભરાયા
ધોરાજી પંચનાથ મંદિર પાસે ગરીબ પરિવારના ઝુંપડા ઉડ્યા
બિપોરજોય વાવાઝોડું ગુજરાત માટે આફતરૂપ બને તેવી શક્યતા સર્જાઈ છે. આ વાવાઝોડું પોરબંદરથી 320 કિમી દૂર પહોંચી ગયું છે. તે 15 જૂને કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરાઈ શકે તેમ હોઈ હાલમાં પોરબંદર, દ્વારકા, જામનગક, ઓખા, સલાયા, મુંદ્રા, માંડવી અને જખૌ પોર્ટ પર ભય સૂચક સિગ્નલ લગાવવામાં આવ્યા છે. તો રાજ્યના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે.
વૃક્ષો ધરાશાઈ થયા
ગીર સોમનાથમાં ભારે પવન અને વરસાદથી કોડીનાર-દેવડી રોડ પર અનેક વૃક્ષો ધરાશાઈ થયા છે, વૃક્ષ ધરાશાઈ થતા વીજ પુરવઠો ખોરવાયો હતો અત્રે તમને જણાવી દઈએ કે, ગીર સોમનાથમાં 50 કિમીની ઝડપે પવન ફૂંકાયો છે.
'હું માદી પડી ગઈ છું અને પરિવાર ભૂખ્યો છે'
ધોરાજીમાં બિપોરજોય વાવાઝોડાની સંભવિત અસર શરૂ થઈ છે, તેજ પવનના કારણે ધોરાજી પંચનાથ મંદિર પાસે ઝુંપડા બાંધી રહેતા ગરીબ પરિવારના ઝુંપડા ઉડ્યા છે. નગરપાલિકા તેમજ ડેપ્યુટી કલેકટર દ્વારા આગમચેતી સૂચના કારણે કોઈ જાનહાનીના સમાચાર નથી, પરંતુ ગરીબ પરિવારો ઘર વિહોણા બન્યા છે. વૃદ્ધાએ જણાવ્યું કે, હું માદી પડી ગઈ છું અને પરિવાર ભૂખથી કણસી રહ્યો છે, કંઈ ખાધું પીધું નથી કોઈ મદદ કરે તો સારૂ અને આ વાવાઝોડામાં ઘરનો છાપરો ઉડી ગયો છે.
વરસાદના કારણે પાણી ભરાયા
જૂનાગઢમાં બિપરજોય વાવાઝોડાની અસર વર્તાઈ છે, માંગરોળમાં સતત વરસાદના કારણે પાણી ભરાયા છે તેમજ રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયા છે. દરિયામાં 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા અને બંદર પર રસ્તાઓ સુધી દરિયાના પાણી પહોંચ્યા છે.
બોટો કિનારે લાંગરી દેવાઈ
દ્વારકામાં વાવાઝોડાની અસર સક્રિય થઈ છે, સલાયા બંદરની બોટો કિનારે લાંગરી દેવાઈ છે તેમજ તમામ માછીમારોએ પોતાની બોટો કિનારે લાવી લાંગરી દીધી છે, તમામ બોટો દરિયામાંથી પરત કિનારે લાંવી છે.
હજારો ટ્રકના પૈડાં થંભી ગયા
કચ્છમાં વાવાઝોડાની અસર આર્થિક પાટનગર ગાંધીધામમાં વર્તાઈ છે, કંડલા પોર્ટની કામગીરી બંધ થતાં હજારો ટ્રકના પૈડાં થંભી ગયા અને ગાંધીધામમાં હજારો ટ્રકો ખડાઈ ગયા છે.
માંગરોળનો દરિયો બન્યો તોફાની
જુનાગઢના માંગરોળનો દરિયો પણ વાવાઝોડાના કારણે ગાંડોતૂર બન્યો છે. જેમ-જેમ વાવાઝોડું નજીક આવી રહ્યું છે તેમ તેમ ભારે પવન સાથે વરસાદી માહોલ પણ જાણી રહ્યો છે. હાલ માંગરોળના દરિયા કિનારે 15 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યાં છે. તો ધોધમાર વરસાદ પણ પડી રહ્યો છે. દરિયાના રૌદ્ર રુપને જોતા બંદર કિનારા પરથી લોકોને દૂર ખસેડી દેવામાં આવ્યા છે. આ સાથે જ રેડક્રોસ સોસાયટીની ટીમ પણ દરિયા વિસ્તારમાં લોકોની સલામતી માટે તૈનાત કરવામાં આવી છે.
પોરબંદરમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ શરૂ
અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપોરજોય વાવાઝોડાને પગલે પોરબંદરના વાતાવરણમાં પલટો આવ્યો છે. પોરબંદરમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ શરૂ થયો છે. પવન સાથે વરસાદ શરૂ થયો છે. દરિયામાં તોફાની મોજા ઉછળી રહ્યા છે.