બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Due to heavy rains in Banaskantha district many areas were devastated
Malay
Last Updated: 03:34 PM, 20 June 2023
ADVERTISEMENT
બનાસકાંઠા જિલ્લામાં બિપોરજોય વાવાઝોડા બાદ ભારે વરસાદ ખાબક્યો હતો. સતત ચાર દિવસ સુધી પડેલા ભારે વરસાદના કારણે અનેક તાલુકાઓમાં તબાહી સર્જાઈ છે. આજે વરસાદને પાંચ દિવસ જેટલો સમય થઈ ગયો હોવા છતાં પણ હજુ સુધી અનેક ગામોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. જેના કારણે અનેક ગામોમાં ભારે નુકસાન થયું છે. ત્યારે ડીસા તાલુકાના પેછડાલ ગામે પણ ભારે વરસાદના કારણે તબાહી સર્જાય છે. પેછડાલ ગામે 13 ખેત તલાવડી તૂટી ગઈ છે.
ADVERTISEMENT
વરસાદના કારણે ખેડૂતોને લાખોનું નુકસાન
ભારે વરસાદના પગલે પેછડાલ ગામમાં ખેડૂતોએ જળસંચય અભિયાન દ્વારા લાખો રૂપિયાના ખર્ચે વરસાદ પહેલા ખેત તલાવડીઓ બનાવી હતી, પરંતુ સતત પડેલા ભારે વરસાદના પગલે આ તમામ ખેત તલાવડીઓ તૂટી જતા હાલમાં ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં પાણીની તંગી હતી જેના કારણે સિંચાઈ કરવી ખેડૂતોને અઘરી બની હતી ત્યારે ગામના ખેડૂતોએ આવનારા ચોમાસામાં વરસાદી પાણીનો સંગ્રહ કરી શકાય તે માટે ખેત તલાવડી પાછળ ચારથી પાંચ લાખ રૂપિયા જેટલો ખર્ચ કર્યો હતો, પરંતુ તે બાદ જે ભારે વરસાદ આવ્યો તેમાં આ ખેત તલાવડી તૂટી જતાં તમામ ખેડૂતોના લાખો રૂપિયાના ખર્ચ પર પાણી ફરી વળ્યું છે.
ગામના લોકોનો વ્યવસાય પડી ભાગ્યો
સાથે પેછડાલ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે પરંતુ વાવાઝોડા અને ભારે વરસાદથી તેમનો વ્યવસાય પડી ભાગ્યો છે અને લોકોની હાલત કફોડી બની ગઈ છે. આ ગામમાં ભારે વરસાદના ચાર દિવસ બાદ પણ હજુ ખેતરો અને રોડ પર પાંચ પાંચ ફૂટ પાણી ભરાયેલા છે જેથી લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલી વેઠવી પડે છે. તો ખેતરમાં પાણી ભરાતા તૈયાર પાક નિષ્ફળ ગયો છે.
ખેતરમાં રહેતા લોકોની હાલતની કફોડીઃ ગ્રામજનો
અસરગ્રસ્ત ગ્રામજનોએ જણાવ્યું હતું કે બે દિવસ પડેલા ભારે વરસાદના કારણે આખા ગામમાં પાંચ પાંચ ફૂટ પાણી ભરાઈ ગયું છે, જેમાં ખેતરોમાં રહેતા લોકોની હાલત ખૂબ જ કફોડી બની છે, કારણ કે ખેતરમાંથી બહાર નીકળી શકે તેવી કોઈજ પરિસ્થિતિ નથી. અમારે જો ખેતરમાંથી ગામમાં આવું હોય તો પણ પાંચ પાંચ ફૂટ પાણીમાં થઈને અવર-જવર કરવી પડે છે. અમારું ગામ આખું સંપર્ક વિહોણુ બની ગયો હોય તેવી સ્થિતિ છે. ગામમાં બીમાર વ્યક્તિ હોય તો દવાખાને પણ લઈ શકાય તેવી કોઈ સ્થિતિ નથી.
'અનેક વખત રજૂઆત કરવા છતાં સ્થિતિ એની એ જ'
ગ્રામજનોએ વધુમાં જણાવ્યું હતું કે, અગાઉ પણ 2015 અને 17માં ભારે વરસાદના કારણે આવી જ સ્થિતિ બની હતી, ત્યારબાદ વારંવાર રજૂઆત કરી હતી પરંતુ હજુ સુધી આ ગામમાં પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા ન થતા આ વખતે ફરી આવી જ સ્થિતિ સર્જાઇ છે. ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા થાય તેવી ગ્રામજનોની માંગણી છે. જો તંત્ર દ્વારા તાત્કાલિક પાણી નિકાલ કરવામાં નહીં આવે તો અમારા ગામના લોકોની હાલત હજુ પણ વધારે ખરાબ થઈ શકે તેમ છે. સાથે જ ખેડૂતોએ તાત્કાલિક યોગ્ય સર્વે કરીને સહાય ચૂકવવાની માંગ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.