બ્રેકિંગ ન્યુઝ
VTV / VTV વિશેષ / કાકાના ઘરેથી નાસી ગયા હતા મનમોહનસિંહ... પછી ક્યારેય ન ગયા દાદાને ગામ, જાણો 'મોહના'ના જીવનના અજાણ્યા કિસ્સા
Last Updated: 02:47 PM, 29 December 2024
આવી રીતે થયું મનમોહનનું નામકરણ
ડૉ. મનમોહનસિંહનો જન્મ અખંડ ભારતના પંજાબ પ્રાંતના ગાહ નામના ગામમાં. તારીખ 26 સપ્ટેમ્બર, 1932ના રોજ. પિતા ગુરમુખ સિંહ કોહલી. માતાનું નામ અમૃત કૌર. ગુરમુખસિંહ ભારતમાંથી ડ્રાયફૂટની આયાત કરતી પેશાવરની એક કંપનીમાં કલાર્ક તરીકે કામ કરે. પેશાવરથી ગાહ સુધીનું અંતર 350 કિલોમીટર થાય. ગુરુમુખ અને અમૃતના ઘરે એક બાળકનો જન્મ થયો. દંપતી બાળકને પ્રસિદ્ધ ગુરુદ્વારા પંજા સાહિબ લઇ ગયું. શીખ ધર્મના અતિપવિત્ર સ્થળમાં પંજા સાહિબની ગણના થાય છે. શીખ રીતરિવાજ પ્રમાણે ગુરુદ્વારાના મહંતે પવિત્ર ગુરુ ગ્રંથ સાહિબ પુસ્તક ખોલ્યું તો પહેલો જ અક્ષર નજરે ચડ્યો એ હતો ‘મ’. આ પરથી બાળકનું નામ રાખવામાં આવ્યું મનમોહન.
ADVERTISEMENT
માતાનો ખોળો ગુમાવ્યો, દાદા-દાદીને ત્યાં ઉછેર
મોહને બહુ નાની ઉંમરે માતાનો ખોળો ગુમાવ્યો. ટાઇફોઇડથી અમૃતનું નિધન થયું હતું. મોહન એમના દાદા સંત સિંહ અને દાદી જમના દેવીને ત્યાં ગાહ ગામે ઉછેર પામ્યા. એટલો લાડ પામ્યા કે દસ વર્ષમાં માત્ર બે વાર મુલાકાત લીધેલી એ પિતાની ખોટ પણ ન વર્તાઇ. પિતા ગુરમુખસિંહ તો પેશાવરમાં વેપારમાં ખૂંપેલા હતા.
દાદીમાની ગભરામણ અને મોહનની ગમ્મત
ગાહમાં ગામડામાં હોય એવું સાદું માટીનું મકાન હતું. જેમાં એક રૂમ સુવા માટે હતો અને બીજો સ્ટોરરૂમ હતો. સ્ટોરરૂમમાંથી જીવજંતુઓ અને સાપ જેવા સરિસૃપો પણ નીકળતા. મનમોહનસિંહના દાદી ડરીને રૂમની બહાર નીકળી જતા. દાદીની આ ગભરામણને જોઇને મનમોહનસિંહને ગમ્મત થતી.
ADVERTISEMENT
હાલ પાકિસ્તાનમાં આવેલું પંજાબનું ગાહ ગામ કે જ્યાં મનમોહનસિંહનો જન્મ થયો
જ્યારે મનમોહનને શાળામાં દાખલ કરવામાં આવ્યા
મનમોહનસિંહના દાદા-દાદી નિરક્ષર હતા. વાંચી કે લખી શકતા ન હતા. જોકે દીકરા ગુરમુખ અને ગોપાલને શિક્ષણ આપવામાં સંતસિંહે પાછીપાની નહોતી કરી. મોહનને સમય જતા શાળામાં દાખલ કરવામાં આવ્યો. મોહનનું નામ રજીસ્ટર થયું. નંબર: 187. પિતાનું નામ ગુરમુખ સિંહ. જ્ઞાતિ: કોહલી. વ્યવ્સાય: દુકાનદાર. તારીખ: 17 એપ્રિલ 1937’
અલગારી રખડપટ્ટીની મોજ
મોહનના ખિસ્સામાં પિતાએ મોકલાવેલા કાજુ-બદામનો ઢગલો પડેલો હોય. જેનો મોહનના મિત્રો લુફ્ત ઉઠાવતા રહે. ગામની શાળામાં માત્ર બે જ રૂમ અને બે જ શિક્ષકો. આ શાળામાં મનમોહન ઉર્દુ અને ગણિત શીખ્યા. ગામમાં માત્ર કરિયાણાની ચાર દુકાનો હતી જ્યાં જીવનજરૂરિયાતની વસ્તુઓ મળતી હતી. હરિયાળા ખેતરોથી ઘેરાયેલા ગામમાં ગુલ્લી દંડા, કબડ્ડી, સંતાકુકડી જેવી રમતો માટે પૂરતી મોકળાશ હતી. નિશાળેથી છૂટીને મોહન આખો દિવસ એમના મિત્રો સાથે રખડપટ્ટી કર્યા કરતા.
ગાહ ગામની સરકારી શાળાના રજીસ્ટરમાં મનમોહનસિંહનું નામ!
ધાર્મિક તહેવારોની સામુહિક ઉજવણી
મોહન દાદીમાં સાથે સવારમાં ચાર વાગ્યે ગુરુદ્વારા પણ જાય. તહેવારની ગામમાં સામુહિક ઉજવણી થાય. ગામમાં ઇદ, ગુરુ નાનક જયંતિ, શિવરાત્રીની સામુહિક હળી-મળીને ઉજવણી થાય. ધાર્મિક સૌહાર્દના બીજ મોહનના બાળમાનસમાં જ રોપાઇ ગયા હતા.
કાંટાથી કાંટો કાઢ્યો
મનમોહનસિંહ બુદ્ધિશાળી તો બાળપણથી જ હતા. એકવાર દાદીમા જમનાદેવી સાથે જતા હતા તો રસ્તામાં એમના દાદીમાને કાંટો પગમાં ખૂંચી ગયો. એક ડગલુ પણ આગળ મંડાતુ ન હતું. હોંશિયાર મોહને તુરંત જ એક બીજા કાંટાથી કાંટો કાઢી નાખ્યો. જમના દેવીને મોહનની બુદ્ધિ પર માન ઉપજ્યું.
દાદા-દાદીથી છુટા પડવાનું બન્યું
ગાહની શાળામાં ચાર ધોરણ પાસ કર્યા બાદ મોહનને એમના કાકાના ગામ ચકવાલ મોકલી દેવામાં આવ્યા. ચકવાલ એક નાનુ નગર હતું. જ્યાં ચાર હાઈસ્કૂલ હતી. મનમોહન એમના દાદા-દાદી સાથે ચકવાલ ઘણીવાર ગયા હતા પણ કાયમી ધોરણે નહીં. અભ્યાસ માટે મોહન આવી ગયા ચકવાલમાં પણ એમ કાંઇ દાદા-દાદીની યાદ થોડી જલ્દીથી કેડો મુકવાની હતી?
સવારે વહેલા ઉઠીને કપડા ધોવા જતા
મનમોહનના કાકા ગોપાલસિંહ ગુરુદ્વારામાં સારા કિર્તન ગાતા. સમાજમાં એમના માન-પાન હતા. અલબત ઘરમાં ગોપાલસિંહ એકદમ શાંત અને સખત શિસ્તમાં માનનારા. એમના રૂમમાં જવાની પણ કોઇને પરવાનગી ન હતી. કાકાના ગુસ્સૈલ સ્વભાવની અડફેટે જોકે મોહન ચડ્યા નહીં એ એમના નસીબ પણ મોહનના મનમાં કાકાનો અજાણ્યો ડર સતત ઘેરાયેલો રહેતો.
છોલેના શોખીન, પૈસાનો આવી રીતે થતો મેળ
મોહન અને એમની પિતરાઇ સાથે ઘરમાં કુલ ત્રણ બાળકો હતા. મોહન અને એમની પિતરાઇ બહેન તરણા આખો દિવસ ઘરમાં ઝઘડો કર્યા કરે. મોહનના કાકી રામદિતી થોડા આકરા સ્વભાવવાળા હતા. રામદિતી મનમોહનને સવારે વહેલા ઉઠાડીને ગામના તળાવે કપડા ધોવા લઇ જાય. સાંજે નિશાળેથી છુટ્યા પછી તળાવેથી પાણી ભરીને લઇ આવવાની કામગીરી પણ બાળ મોહન બજાવતા. જોકે મોહને થોડા સમયમાં અહીં પણ પાડોશના છોકરાઓ સાથે ભાઇબંધી કેળવી લીધી. મોહન ચકવાલ ગામમાં ફર્યા કરે. મોહનને છોલે બહુ પસંદ. પણ ખિસ્સુ ખાલી. જોકે મોહનની પિતરાઇ બહેન તરણા આવા સમયે પૈસા આપીને મદદગાર બને.
રોજ દૂધનો એક ગ્લાસ આપવાની સૂચના
જોકે આ બધી નાની મજાઓ વચ્ચે પણ મોહનને ગાહના ઘરની યાદ સતાવતી હતી. દાદા-દાદીની યાદમાં મોહન ઝૂરતા હતા. એકલતા કોરી ખાતી હતી. મોહન ટાંપીને ઉનાળુ વેકેશનની રાહ જોતા દિવસો ગણતા. સંતસિંહ અને જમના દેવી જ્યારે પણ ચકવાલ મોહનને મળવા આવતા ત્યારે જતી વખતે બંને બાજુથી આંખોમાં ભીનાશ બાજી જતી. સંત સિંહે ગામના સ્થાનિક કંદોઇ પાસે મોહનનું ખાતુ બંધાવી લીધું હતું. સંત સિંહ કંદોઇને રોજ એક દુધનો ગ્લાસ મોહનને આપવાની સુચના આપતા ગયા.
કાકાના ઘરેથી ભાગી ગયા પણ...
એકવાર જ્યારે દાદા-દાદીની યાદ અસહ્ય બની ત્યારે મોહન કાકા આગળ ખોટુ બોલીને બસમાં ગાહ ગામ આવી ગયા. મોહનની આમ અચાનક પધરામણીથી સંતસિંહ અને જમના દેવી પણ ચોંકી ગયા. જોકે મોહનની ખુશીનું આયુષ્ય બહુ ઝાઝું ન ટક્યું પછીથી સમજાવીને એમને ચકવાલ પાછા મોકલી દેવામાં આવ્યા.
મોહનની નવી માતા અને પેશાવર
મોહન ચકવાલમાં એક વર્ષ રહ્યા એ દરમિયાન એમના પિતાએ બીજા લગ્ન કર્યા. દીકરા પ્રત્યેની ફરજમાં તમે બેદરકાર છો એવી સમાજમાં ચણભણ થતા એમના પિતાએ એમને પેશાવર પોતાની પાસે બોલાવી લીધા. પેશાવરમાં આવ્યા ત્યારે મનમોહનસિંહની ઉંમર માત્ર અગિયાર વર્ષની હતી. પેશાવરમાં સાઉથ, સેન્ટ્રલ અને વેસ્ટ એશિયાની સંસ્કૃતિનું મિશ્રણ હતું. મોહનને અહીં નવી માતા મળી. સીતાવંતી કૌર. મોહનને ગોવિંદ, જ્ઞાન અને પ્રિતમ નામની ત્રણ બહેનો હતી. સીતાવંતી કૌરને સહું ભાભીજી કહીને સંબોધતા. નવી મા સાથે મોહનને ટૂંક સમયમાં લાગણી બંધાઇ ગઇ. મોહનને હજુ એના દાદા-દાદી યાદ આવતા હતા પરંતુ પહેલા જેવા નહીં. એકવાર સંતસિંહ અને જમનાએ પેશાવરની પણ મુલાકાત લીધી હતી જેમાં મોહન દાદા સાથે પેશાવરની બજારોમાં ખૂબ ફર્યા. રોટી-છોલેની મજા માણી. દાદા-પૌત્ર બંનેએ બાબા શ્રી ચાંદ ગુરુદ્વારાની મુલાકાત પણ લીધી.
મોહને શાળામાં ડંકો વગાડી દીધો
મનમોહનસિંહ આ પુસ્તકમાં કહે છે એ પ્રમાણે એમના પિતાજી આખો દિવસ ધંધામાં રચ્યાપચ્યા રહેતા. વહેલી સવારે નીકળી જતા અને સાંજે જમવા સમયે ઘરે આવતા. મોહનના પિતાજી ભારતભરમાં ભ્રમણ કરતા હતા. એ સમયે તો ભણવામાં હોંશિયાર મોહનના મનમાં શિક્ષક બનવાના અભરખા હતા. શિક્ષકનો વટ્ટ મોહનને ગમતો હતો. ધોરણ-8માં હતા ત્યારે મોહન આખા નોર્થ-વેસ્ટ ફ્રન્ટીઅરમાં પ્રથમ ક્રમાંકે આવ્યા અને આખા પ્રાંતમાં શાળાનું અને શિક્ષકોનું નામ રોશન કરીને શિક્ષકોના સ્નેહપાત્ર બની ગયા. ગઇકાલ સુધી જે ખાસ ગણકારતા ન હતા એ મિત્રો હવે મોહનને આદરથી જોતા થઇ ગયા હતા. પાડોશમાં પણ મોહન પ્રત્યેના માનનો ગ્રાફ ઉંચો આવી ગયો હતો.
કોર્ટમાં એકલા સાયકલ પર જતા
1946 આસપાસ મોહન અને તેમનો પરિવાર પેશાવરમાંથી બાજુના ગુરુનાનકપુરામાં રહેવા આવી ગયા. ગુરમુખ સિંહે પણ એક ડ્રાયફૂટ અને મસાલાની હોલસેલની દુકાન ખોલી હતી જેમાં પાંચ-છ લોકો કામ કરતા હતા. બહુમતી વર્ગ અહીં હિન્દુ અને શીખ હતો. મોહન પેશાવરમાં ઘોડાગાડી અને સાયકલમાં ખૂબ રખડતા. એ સમયે એક શીખ નેતા પર કોંગ્રેસના એક કાર્યકરની હત્યા કરવાનો આરોપ લાગ્યો હતો. આ કેસની કોર્ટ કાર્યવાહીને જોવા માટે મનમોહન રોજ એકલા સાયકલ પર સેશન્સ કોર્ટ પહોંચી જતા હતા.
ફિલ્મોનો શોખ અને ગાંધીજી
ગુરુ અર્જુન દેવના શહાદત દિવસ નિમિતે છબીલ (એક પ્રકારનું ઠંડુ મીઠુ પીણુ)નું વિતરણ કરવામાં આવતું. મનમોહનસિંહ ગુરુનાનક પુરાના મિલટ્રી સપ્લાય સ્ટેશન પર જતા અને સૈનિકો પાસેથી છબીલના પૈસા એકત્ર કરતા હતા. ગુરુદ્વારામાં જઇને શીખ લીડર્સ-ધર્મગુરુઓને સાંભળતા મોહનને ફિલ્મો જોવી પણ ગમે. આર્મી સપ્લાય ડેપોના મેદાનમાં ફિલ્મોનું સ્ક્રીનીંગ યોજાતું જ્યાં મોહને ખૂબ ફિલ્મો જોઇ. ગાંધીજીએ એમની જિંદગીમાં જે એકમાત્ર ફિલ્મ જોઇ હોવાનું કહેવાય છે એ ફિલ્મ રામરાજ્ય પણ મોહને જોઇ.
મનમોહનસિંહના અજાણ્યા કિસ્સાઓનો ખજાનો આ બુકમાં છુપાયેલો છે
‘આપણે કોઇએ મીઠાઈ ખાવાની નથી’
1945માં જ્યારે બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું હતું ત્યારે 13 વર્ષીય મોહન રેડિયો સાંભળતા અને રોજ અખબારો વાચતા. બ્રિટનની જીત થઇ ત્યારે પેશાવરની સ્કુલોમાં મીઠાઈ વહેંચવામાં આવી હતી. હવે, અહીં એક ઘટના મોહન નાની ઉમરે કેટલા સમજણા હતા એનો પુરાવો આપે છે. મોહનની ખાલસા હાઇસ્કુલમાં જ્યારે મીઠાઈ વહેંચવામાં આવી ત્યારે મોહને પોતાની ક્લાસના સાથી વિદ્યાર્થીઓને મીઠાઈ ન ખાવા કહ્યું. આની પાછળનું કારણ એ હતું કે ભારતને ગુલામીની બેડીઓમાં જકડીને રાખનાર બ્રિટનની જીતથી મોહન નાખુશ હતા!
'માતા સલામત છે પણ પિતાની હત્યા થઇ છે'
ગુરમુખસિંહ એમની જવાનીના દિવસોમાં કોંગ્રેસ પાર્ટીના આલોચક હતા અને અકાલી દળ સાથે જોડાયેલા હતા. જ્યારે એમના ભાઇ કોંગ્રેસના સમર્થક હતા. પેશાવરમાં રાજકીય ગતિવિધિઓ ઘટી રહી હતી. 1947-એપ્રિલમાં ભાગલાના ભણકારા વાગ્યા અને ભયંકર કોમી તોફાનો ફાટી નીકળ્યા. પંજાબમાં તો સ્થિતિ વધારે ખરાબ હતી. લાહોર અને અમૃતસર સિવાય રાવલપીંડી અને મુલતાન અને જેલમમાં કોમી દૈત્યએ હાહાકાર મચાવ્યો હતો. લોહીની નદીઓ વહી રહી હતી. લાશો ઢળી રહી હતી. કોમી રમખાણોને ડામવા માટે સૈન્ય ઉતારવામાં આવ્યું હતું. એક દિવસે ગોપાલસિંહ તરફથી મનમોહનસિંહના પિતાને ટેલિગ્રામ મળે છે: 'માતા સલામત છે પણ પિતાની હત્યા થઇ છે...'
આબરુ બચાવવા માટે અગ્નિસ્નાન
મનમોહનના કાકા સમયસર પોલીસને લઇને ચકવાલથી ગાહ ગામે પહોંચી ગયા એટલે મોહનના દાદી જમના દેવી બચી ગયા હતા. આ કોમી તોફાનમાં મનમોહનના પરિવારની એક મહિલાએ તોફાનીઓથી પોતાની આબરુ બચાવવા માટે કેરોસીન છાંટીને મોતને વ્હાલુ કરી લીધું હતું.
ભાગલાના સંહાર વચ્ચે આવી રીતે જીવ બચાવ્યો
તારીખ 3 જૂન, 1947ના રોજ ભારતના ભાગલાની જાહેરાત થઇ. વેસ્ટ પંજાબ કે જે બહુમતી મુસ્લિમ વસતી ધરાવતો હતો એ પ્રાંત પાકિસ્તાન અને ઇસ્ટ પંજાબ કે હિન્દુઓ અને શીખોની વસતી ધરાવતો હતો એ પ્રાંત ભારતને ભાગે આવવાનું નક્કી થયું. કોમી સંઘર્ષના માહોલમાં જુલાઇ મહિનામાં ગુરમુખ સિંહે પોતાની વૃદ્ધ માતા, પત્ની અને બાળકને સલામત રીતે ઉત્તરાખંડના હલદવાની ખાતે ખસેડી લીધા.
દેશના રાજકીય ઇતિહાસમાં ડૉ.મનમોહનસિંહનું નામ હંમેશા આદરપાત્ર રહેશે
રેલ્વેસ્ટેશને બેસીને પિતાની રાહ જોતા
1947-1948 આસપાસના રક્તરંજિત માહોલે બાળમોહન પર અસર કરી. મોહન આખો દિવસ રેલ્વે સ્ટેશન પર પિતાની રાહ જોઇને બેઠા રહેતા. અમૃતસરમાં પાર્ટીશન મ્યુઝિયમ (ભારત-પાકિસ્તાનના ભાગલાની યાદમાં બનેલ મ્યુઝિયમ)ના સ્થાપક મલ્લિકા આહલુવાલિયાએ તેમના પુસ્તક 'ડિવાઈડેડ બાય પાર્ટીશન યુનાઈટ સાયલન્સ'માં હલદવાનીનો પણ ઉલ્લેખ કર્યો છે.
ડૉ.મનમોહન સિંહ તેમના માતા-પિતા સાથે ટ્રેનમાં ચઢ્યા અને લાહોર, અમૃતસર, સહારનપુર, બરેલી થઈને કાઠગોદામ પહોંચ્યા. પુસ્તકમાં સ્વ. મનમોહન સિંહને ટાંકીને લખવામાં આવ્યું છે કે હલદવાનીમાં બાળકો-પરિવારને સુરક્ષિત કર્યા પછી, તેમના પિતા સરદાર ગુરમુખ સિંહ કામ માટે પેશાવર પાછા ગયા, પરંતુ આ દરમિયાન રમખાણો ફાટી નીકળ્યા. આ સમયે ડૉ.મનમોહન સિંહ 14 વર્ષના હતા. ડૉ. સિંહ કાઠગોદામ સ્ટેશન પર કલાકો સુધી તેમના પિતાની રાહ જોતા હતા. તે દરેક ટ્રેનમાં તેના પિતાના આવવાની રાહ જોતા હતા. આખરે એક દિવસ મોહનના પિતા ગુરમુખસિંહ પેશાવરથી પાછા આવ્યા.
‘જ્યાં મારા દાદાજીની હત્યા થઇ ત્યાં ક્યારેય પાછો નહીં જાઉં’
1949 પછી, વ્યવસાયની સારી તકો જોઈને, ડૉ. મનમોહન સિંહના પિતા તેમના પરિવાર સાથે અમૃતસર રહેવા ગયા. અમૃતસરમાં રહીને, મનમોહને વધુ અભ્યાસ કર્યો, કેમ્બ્રિજ અને ઓક્સફોર્ડમાં ભણ્યા, ડૉકરેટની ડિગ્રી લીધી. દેશના એક ટોચના અર્થશાસ્ત્રી, RBIના ગવર્નર, નાણામંત્રી અને ભારતના વડાપ્રધાન તરીકે કામગીરી કરી.
જોકે દેશના વડાપ્રધાન બન્યા પછી પણ મનમોહનસિંહ આજીવન પોતાના ગામ ગાહમાં ન ગયા. કારણ અંગે મનમોહનસિંહે કહ્યું કે, 'જ્યાં મારા દાદાજીની હત્યા થઇ ત્યાં હું ક્યારેય પાછો નહીં જાઉં!'
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ગુજરાતમાં આ સ્થળે ઉત્તરાયણ પર નથી ચગતા પતંગ, પણ દશેરાએ થાય છે ઉજવણી
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.